ISROના હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ડિરેક્ટોરેટના ભૂતપૂર્વ ડિરેક્ટર વી. આર. લલિતામ્બિકાને ફ્રાન્સ અને ભારત વચ્ચે અવકાશ સહયોગમાં તેમની ભાગીદારી માટે ફ્રાન્સના સૌથી શ્રેષ્ઠ અને પ્રતિષ્ઠિત નાગરિક સન્માન લિજન ડી’ઓનર ( Légion d’Honneur) થી સન્માનિત કરવામાં આવ્યા છે. મંગળવારે (28 નવેમ્બર), તેમને ફ્રાન્સની સરકાર વતી ભારતમાં ફ્રેન્ચ રાજદૂત થિયરી મથાઉ દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
લિજન ડી’ઓનર ( Légion d’Honneur) એવૉર્ડની સ્થાપના 1802 માં નેપોલિયન બોનાપાર્ટ દ્વાર કરવામાં આવી હતી. આ એવોર્ડ ફ્રાન્સની ઉત્કૃષ્ટ સેવા માટે ફ્રેન્ચ રિપબ્લિક દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. તે ફ્રેન્ચ નાગરિક ન હોય તેવા મહાનુભાવોને પણ એનાયત કરવામાં આવે છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, લલિતામ્બિકા એડવાન્સ લોન્ચ વ્હીકલ ટેક્નોલોજીમાં નિષ્ણાત છે. તેમણે ISROના વિવિધ રોકેટ, ખાસ કરીને પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) પર વ્યાપકપણે કામ કર્યું છે. તેમણે 2018 માં હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામના ડિરેક્ટર તરીકે ભારતના ગગનયાન પ્રોજેક્ટ માટે ફ્રેન્ચ નેશનલ સ્પેસ એજન્સી (CNES) સાથે સંકલન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ પર CNES અને ISRO વચ્ચેના સહકાર માટેના પ્રથમ સંયુક્ત કરાર પર હસ્તાક્ષર કરવામાં લલિથામ્બિકાએ મહત્વની ભૂમિકા ભજવી હતી, આ સંયુક્ત કરાર અંતર્ગત બંને દેશો સ્પેસ મેડિસિન પર કામ કરવા નિષ્ણાતોની આપ-લે કરી શકે છે. 2021 માં પૂર્વ ફ્રાંસના વિદેશ પ્રધાનની બેંગલુરુમાં ISROની મુલાકાત દરમિયાન લલિતામ્બિકાએ CNES સાથે સંકલન કરીને ભારતીય અવકાશયાત્રી કાર્યક્રમ અંગે ફ્રાન્સ અને ભારત વચ્ચે બીજા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ઈસરોના વૈજ્ઞાનિક લલિતામ્બિકાને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરતી વખતે ફ્રેન્ચ એમ્બેસેડર મથાઉએ જણાવ્યું હતું કે, “મને સ્પેસ ટેક્નોલોજીમાં પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક અને પ્રણેતા ડૉ. વી.આર. લલિતામ્બિકાને શેવેલિયર ઑફ ધ લેજિઅન ડી’ઓનરનો ખિતાબ એનાયત કરતાં આનંદ થાય છે. તેમની કુશળતા, સિદ્ધિઓ અને અથાક પ્રયાસોને કારણે ભારત-ફ્રેન્ચ અવકાશ ભાગીદારીના લાંબા ઇતિહાસમાં એક નવો અને મહત્વાકાંક્ષી અધ્યાય લખ્યો છે.
ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી ડો. લતિતામ્બિકાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે મને આપવામાં આવેલ આ સન્માન વધુને વધુ મહિલાઓને STEM ક્ષેત્રે કારકિર્દી બનાવવા અને પોતાના પસંદ કરેલા ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપશે.