ભારતમાં ઘરેલુ ક્રિકેટમાં હમણાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ચાલી રહી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની એક મેચમાં પંજાબના ઓપનિંગ ખેલાડી અભિષેક શર્માએ મેઘાલય સામે વિસ્ફોટક સદી ફટકારીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. અભિષેક શર્માએ લીગની અંતિમ ગ્રુપ-સ્ટેજ મેચ દરમિયાન T20 ફોર્મેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા નોંધાયેલી સૌથી ઝડપી સદીના રેકોર્ડની બરાબરી કરી હતી.
અભિષેક ટૂર્નામેન્ટમાં દરમિયાન ખરાબ ફોર્મનો શિકાર હતો, તેના બેટમાંથી રન જાણે આવતા થંભી ગયા હતા ત્યારે જ અભિષેકે આ રેકોર્ડ-બ્રેક ઈનિંગ સાથે અંત લાવી દીધો હતો. સાઉથપૉએ ગુરુવારે મેચ પહેલા છ ઈનિંગ્સમાં માત્ર 149 રન બનાવ્યા હતા, જેમાં માત્ર એક અડધી સદીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના બેટ્સમેન ઉર્વિલ પટેલે SMAT 2024માં ત્રિપુરા સામે માત્ર 28 બોલમાં સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો.
અભિષેક શર્માની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચોથી સદી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અભિષેક શર્માએ તેની ચોથી સદી ફટકારીને ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ T20 સદીનો રેકોર્ડ બનાવ્યો. અભિષેકે 29 બોલમાં 8 ચોગ્ગા અને 11 સિક્સર સાથે અણનમ 106 રન બનાવ્યા હતા. પંજાબે 143 રનનો પીછો કરતા માત્ર 9.3 ઓવરમાં સાત વિકેટ બાકી હતી ત્યારે ટાર્ગેટ પૂરો કર્યો હતો.
આ પહેલા ઋષભ પંતે 2018માં હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી ભારતની ઘરેલુ T20 સ્પર્ધામાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. T20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે સાહિલે સાયપ્રસ સામે 27 બોલમાં સદી ફટકારી હતી.
T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓ
ખેલાડીનું નામ | કેટલા બોલમાં સદી ફટકારી | વર્ષ | કોની વચ્ચે મેચ |
સાહિલ ચૌહાણ | 27 | 2024 | ઈસ્ટોનિયા વિરુદ્ધ સાયપ્રસ |
અભિષેક શર્મા | 28 | 2024 | પંજાબ વિરુદ્ધ મેઘાલય |
ઉર્વિલ પટેલ | 28 | 2024 | ગુજરાત વિરુદ્ધ ત્રિપુરા |
ક્રિસ ગેલ | 30 | 2013 | RCB વિરુદ્ધ પૂણે વોરિયર્સ |
ઋષભ પંત | 32 | 2018 | દિલ્હી વિરુદ્ધ હિમાચલ પ્રદેશ |
અભિષેક શર્માએ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20 સિક્સરનો રેકોર્ડ તોડ્યો
અભિષેક શર્માએ ટીમ ઈન્ડિયાના T20I સુકાની સૂર્યકુમાર યાદવના એક કેલેન્ડર વર્ષમાં ભારતીય દ્વારા સૌથી વધુ T20 સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ તોડી દીધો છે. સૂર્યકુમારે 2022માં 41 ઇનિંગ્સમાં 85 સિક્સર ફટકારી હતી અને અભિષેકે આ વર્ષે માત્ર 38 ઇનિંગ્સમાં 86 સિક્સર સાથે આ સિદ્ધિને વટાવી હતી.
ખેલાડી | કુલ ઈનિંગ્સ | કુલ સિક્સર્સ | વર્ષ |
અભિષેક શર્મા | 38 | 87 | 2024 |
સુર્યકુમાર યાદવ | 41 | 85 | 2022 |
સુર્યકુમાર યાદવ | 33 | 71 | 2023 |
ઋષભ પંત | 31 | 66 | 2018 |
શ્રેયસ ઐયર | 42 | 63 | 2019 |
સંજુ સેમસન | 32 | 60 | 2024 |
અભિષેક શર્માનો ભારત માટે T20નો સ્ટ્રાઈક રેટ 171 થી વધુ છે. તેણે ટી20માં એક સદી અને અડધી સદી ફટકારી ચૂક્યો છે. IPL 2024 માં તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા મુંબઈ ઈન્ડિયન્સ સામે માત્ર 16 બોલમાં સૌથી ઝડપી અર્ધસદી ફટકારી હતી. તેણે સિઝનમાં 204.21ના અસાધારણ સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા છે.