- સોમવારે રાત્રે ઝડપાયો હતો દીપ સિદ્ધુ
- તીસ હજારી કોર્ટે 7 દિવસની પોલીસ કસ્ટડી આપી
- દીપ સિદ્ધુએ ભૂગર્ભમાં ઉતરી જવાના કર્યા સનસનાટીભર્યા ખુલાસા
પ્રજાસત્તાક દિને લાલ કિલ્લા પર થયેલી હિંસા તથા તોડફોડનો આરોપી દીપ સિદ્ધુ ઝડપાયો
પ્રજાસત્તાક દિને લાલ કિલ્લા પર થયેલી હિંસાના આરોપી દીપ સિદ્ધુએ કર્યા ખુલાસા
આ વર્ષે પ્રજાસત્તાક દિને ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસા તથા અરાજકતાનો મુખ્ય સૂત્રધાર ગણાતો દીપ સિદ્ધુ તાજેતરમાં જ દિલ્હી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. મંગળવારે તીસ હજારી કોર્ટમાં દીપ સિદ્ધુને રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે તેને 7 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પોલીસે કરેલી પુછપરછમાં દીપ સિદ્ધુએ ભૂગર્ભમાં ઊતરી જવાના સનસનાટી મચી જાય એવો ખુલાસો કર્યો હતો. દીપ સિદ્ધુએ ભૂગર્ભમાં ઊતરી જવાનું કારણ જણાવતાં કહ્યું કે તેના જીવનને જોખમ હતું અને તેને એવો ડર હતો કે તેને મારી નાખવામાં આવશે તેથી તે છુપાઈ ગયો હતો. આ માહિતી આજે પોલીસે જણાવી હતી.
શું ખુલાસા કર્યા દીપ સિદ્ધુએ ?
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દીપ સિદ્ધના કહ્યા મુજબ લાલ કિલ્લા તથા દિલ્હી આઈટીઓ તરફ નીકળેલી ટ્રેકટર રેલી સ્વત: નીકળી નહોતી. દીપ સિદ્ધુએ જણાવ્યું છે કે પ્રજાસત્તાક દિને નીકળેલી રેલીના પંદર દિવસ પહેલા પંજાબમાં તથા સિંધુ બોર્ડર ઉપર ખેડૂત નેતાઓ ખેડૂતોને એવું કહેતા હતા કે તેઓ નવી દિલ્હી,સંસદ, ઈન્ડિયા ગેટ તથા લાલ કિલ્લા તરફ પોતાની ટ્રેક્ટર રેલી કાઢશે. જોકે પોલીસે જણાવ્યું હતું કે દીપ સિદ્ધુ દ્વારા કરવામાં આવેલા ખુલાસાઓની સત્યતા વિશે તપાસ કરશે.
શું થયું હતું પ્રજાસત્તાક દિને લાલ કિલ્લા ઉપર ?
હિંસાના આગલા દિવસે સિંધુ બોર્ડર પર હોવાનો ઈનકાર કર્યો સાબિતી બતાવતા સત્ય કબુલ્યું
પોલીસે જણાવ્યું કે દીપ સિદ્ધુ એવું રટણ કરી રહ્યો હતો કે તેનો કોઈ જ ખોટો ઈરાદો નહોતો અને બધા જતા હતા તેથી તે પણ ગયો હતો. શરૂઆતમાં દીપ સિદ્ધુએ પોતે 25 મી જાન્યુઆરીના દિવસે સિંધુ બોર્ડર ઉપર હોવાની વાત નકારી કાઢી હતી પરંતુ પોલીસે પુરાવા દેખાડતા જ ભાંગી પડ્યો હતો અને પોતે સિંધુ બોર્ડર ઉપર હોવાની વાત સ્વીકારી લેતા જણાવ્યું કે તે ખેડૂત આંદોલનના સ્થળે જ હતો પરંતુ થોડે દૂર સૂઈ ગયો હતો. લાલ કિલ્લા પર થયેલી હિંસા અંગે જણાવતા દીપ સિદ્ધુએ એવો દાવો કર્યો કે તે જ્યારે ઉઠ્યો ત્યારે તેના મોબાઈલ ફોન ઉપર બે મિસ્ડ કોલ તથા લાલ કિલ્લા તરફ આગળ વધી રહ્યા છે એ પ્રકારનાં મેસેજ આવ્યા હતા તેથી તે પણ તેના મિત્રો સાથે ગાડીમાં લગભગ અગિયાર વાગ્યે લાલ કિલ્લા તરફ રવાના થયો હતો અને આશરે એક વાગ્યે લાલ કિલ્લા પર પહોંચ્યા હતા અને હિંસા ફેલાતા તે ત્યાંથી ગાડીમાં જ પરત ફર્યા હતા.
દીપ સિદ્ધુએ કરેલા ખુલાસાઓ ઉપર ખેડૂત નેતાઓએ શું કહ્યું ?
દીપ સિદ્ધુએ કરેલા ખુલાસાઓની સત્યતાની પોલીસ તપાસ કરશે એવું જણાવ્યું હતું. આ ઉપરાંત દીપ સિદ્ધુએ કરેલા ખુલાસાઓ અંગે ખેડૂત આંદોલનના નેતાઓએ કહ્યું છે કે જ્યાં સુધી તેઓ દીપ સિદ્ધુના ખુલાસા સાંભળી તથા વાંચ્યા નથી ત્યાં સુધી કોઈ ટીપ્પણી કરશે નહીં. આ દરમિયાન ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયન (BKU) દોઆબાના અધ્યક્ષ મંજીત રાયે જણાવ્યું હતું કે જ્યાં સુધી દીપ સિદ્ધુએ પોલીસને શું કહ્યું છે તેની આધિકારિક રીતે તેમને જાણ ન થાય ત્યાં સુધી તેઓ આ વિશે કોઈ જ ટીપ્પણી કરશે નહીં.