– જલારામ બાપાની આજે 222 મી જન્મજયંતિ
– વિરપુર ધજાઓ અને રોશનીથી શણગારવામાં આવ્યું
– 222 કિલોગ્રામની કેક ધરાવવામાં આવશે
જલારામ બાપાની ધજાના રંગની 222 કિલોની કેક ધરાવવામાં આવશે
પવિત્ર ભારતભૂમિ ઋષિઓ, સંતો, મહંતો અને મહાપુરુષોની ભૂમિ છે. કાશ્મીરથી કન્યાકુમારી અને કામરૂપ થી કચ્છ સુધીના આ ક્ષેત્રમાં અનેક એક થી અનેક સંત પુરુષોએ જન્મ લઈને લોકસેવામાં જીવન ખપાવી દીધું છે જલારામ બાપા એ પૈકીના એક. સૌરાષ્ટ્રની ધરાના સંત શિરોમણી “જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો” તથા ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિ કા નામ’ આ સૂત્રને આત્મસાત કરીને સાર્થક કરનારા જલારામ બાપાની 222 મી જન્મજયંતિ નિમિત્તે આજે વિરપુરમાં જલારામ બાપાની જગ્યાએ જે ત્રિરંગી ધજા ફરકી રહી છે એના ત્રણ રંગો લાલ, પીળો અને સફેદ રંગની 222 કિલોની કેક ધરાવવામાં આવી. ધરાવવામાં આવેલી કેકનો પ્રસાદ સૌ ભાવિક ભક્તોને વહેંચવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિરપુરના જલારામ બાપા પર આસ્થા ધરાવતા સેવાભાવી યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી.
સમગ્ર વિરપુર ધજા અને રોશનીથી શણગારવામાં આવ્યું
પવિત્ર યાત્રાધામ વિરપુરમાં આજે જલારામ બાપાની 222 મી જન્મજયંતિ ઉજવવામાં આવી ત્યારે સમગ્ર વિરપુર ધજા અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વિરપુરમાં બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો, ઘેર ઘેર રોશની, રંગોળી, આસોપાલવના તોરણની સજાવટ જોવા મળી રહી હતી. વિરપુરના મુખ્ય બજારોમાં ધજાઓ ફરકાવવામાં આવી હતી અને રંગબેરંગી લાઇટોની રોશનીથી શણગારવામાં આવ્યા હતા. વિરપુરના નગરવાસીઓએ પણ પોતાના ઘર, વ્યવસાયની જગ્યાઓ રંગીન લાઈટોથી સજાવ્યા હતા.
જલારામ બાપાની જીવન ગાથા
જલારામ બાપાનો જન્મ ઈ.સ. 1799, વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમે અભિજિત નક્ષત્રમાં વર્તમાન ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુર ગામમાં થયો હતો. જલારામ બાપાના માતા અત્યંત ધાર્મિક હતા સાધુ-સંતોની સેવા કરતા હતા. માતા રાજબાઈની સેવાથી પ્રસન્ન થઈને સંત શ્રી રઘુવીર દાસજીએ તેમને આશીર્વાદ આપ્યા કે તેમનો દ્વિતીય પુત્ર ભગવાનની ભક્તિ, સાધુ સંતો પ્રત્યેની ભક્તિ અને માનવ સેવાનું અદ્વિતીય ઉદાહરણ બનશે.
જલારામ બાપાના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું. જલારામ બાપાનું નામ દેવજી પાડવામાં આવ્યુ હતું. બાળપણથી જ ભક્તિના રંગે રંગાયેલ દેવજીને ગૃહસ્થ જીવનમાં રસ નહોતો અને ભગવાન શ્રીરામની ભક્તિમાં સતત લીન રહેતા. તે રોજ રસ્તેથી પસાર થતાં યાત્રાળુઓ સંતો મહંતો અને સાધુઓની સેવામાં સતત મગ્ન રહે અને પ્રભુ ભજન કરે. દેવજી સમયાંતરે જલારામ નામથી જાણીતા બન્યા.
દેવજી મોટા થતાં જ શિક્ષણ કાજે શાળામાં દાખલ કરવામાં આવ્યા. શાળાનું શિક્ષણ પુર્ણ કર્યા બાદ 1872 માં તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ સોમૈયાની પુત્રી વીરબાઈ સાથે થયા. જલારામના ધર્મપત્ની વીરબાઈ પણ ધાર્મિક પ્રકૃતિ ધરાવતા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં પતિની સાથે રહીને જીવન સોંપી દીધું. જલારામ બાપાને બાળપણથી જ સાંસારિક જીવન પ્રત્યે કોઈ જ લગાવ ન હતો. પિતાનો વ્યવસાય ચાલતો હતો તેથી પિતા પ્રધાન ઠક્કરની ઇચ્છા હતી કે દીકરો તેમના ધંધામાં મદદરૂપ થાય પિતાની ઈચ્છા માન આપીને થોડા દિવસો સુધી તેઓ તેમના ધંધામાં મદદ કરતા રહ્યા. પરંતુ સાંસારિક જીવન પ્રત્યે જ્યારે કોઈ જ લગાવ ન હતો અને અધ્યાત્મના રસ્તે માનવ સેવા કરવાની લગની લાગી હોય ત્યારે ધંધામાં મન કેવી રીતે લાગે ? ટૂંક સમયમાં જ જલારામ બાપાનું મન ધંધામાંથી ઊઠી ગયું અને તેમના કાકા વાલજીભાઈ સાથે રહેવા લાગ્યા હતા.
જલારામ બાપા માત્ર 18 વર્ષની ઉંમરે તીર્થયાત્રા પર નીકળી પડ્યા ત્યાંથી પાછા ફર્યા બાદ માત્ર 19 જ વર્ષની ઉંમરે ગુજરાતના અમરેલી નજીક આવેલા ફતેહપુરના નિવાસી ભોજલરામ ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને ગુરુ મંત્ર આપ્યો માળા અને શ્રીરામનું નામ આપ્યું. ફતેહપુરના ભોજ ભગતના શિષ્ય બની ગયા. કહેવાય છે કે જલારામ બાપાએ તેમના ગુરુના સૂચન પર ‘સદાવ્રત’ ચાલુ કર્યું હતું. આ અન્નક્ષેત્રમાં જલારામ બાપાએ ગરીબ અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ભોજન કરાવવાની શરૂઆત કરી.
સંત શ્રી ગુણતીતાનંદનું આગમન અને આશીર્વાદ
જલારામ બાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રની ખ્યાતિ અને માનવ સેવાની સુગંધ ચોતરફ ફેલાવા લાગી હતી. એક દિવસ સંત ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ જતા પહેલા જલારામ બાપાને મળવા તેમના ‘સદાવ્રત’ કેન્દ્ર પહોંચ્યા. જલારામ બાપાની સાચી સેવા અને અન્નક્ષેત્રથી સંત ગુણાતીતાનંદ સ્વામી અત્યંત પ્રભાવિત થયા અને જલારામ બાપાને આશીર્વાદ આપતાં કહ્યું કે જલારામ બાપાનું નામ સાચા સંત તરીકે માત્ર ગુજરાત કે ભારતભરમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતું થશે. જલારામ બાપાની માનવ સેવા તથા અન્નક્ષેત્રની સુવાસ એટલી પ્રસરશે કે સમયાંતરે વીરપુર પવિત્ર યાત્રાધામ તરીકે લોકપ્રિય અને જગવિખ્યાત થશે. જલારામ બાપાએ ‘સદાવ્રત’ કેન્દ્રમાં લોકોને અવિરત ભોજન ખવડાવવાનું ચાલુ રાખ્યું. “જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો” ની અવિરત જ્યોત પ્રગટાવનાર જલારામ બાપા વિક્રમ સંવત 1937 માં 81 વર્ષની ઉંમરે શ્રીરામ નામનું સ્મરણ કરતા નિર્વાણ પામ્યા. બાપાના સ્વધામ સીધાવે વર્ષો વીતી ગયા છે, પરંતુ આજે પણ જલારામ બાપા ના શિષ્યો વીરપુરમાં અવિરતપણે ‘સદાવ્રત’ ચલાવી રહ્યા છે.