– જમ્મુમાં મંદિર નિર્માણાધિન
– તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ નિર્માણ કરશે મંદિર
– ભારતના દરેક રાજ્યમાં નિર્માણ પામશે તિરુપતિ મંદિર
તિરુપતિ બાલાજી મંદિર બનશે દરેક રાજ્યમાં
વિશ્વ પ્રસિદ્ધ અને અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવું આંધ્રપ્રદેશ સ્થિત તિરુપતિમાં વિરાજમાન ભગવાન વંકટેશ્વરના મંદિરનું નિર્માણ સમગ્ર ભારતના દરેક રાજ્યમાં કરવામાં આવશે. આ બાબતે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ શ્રી વાયવી સુબ્બા રેડ્ડીએ તાજેતરની તેમની જમ્મુની મુલાકાત વખતે જમ્મુમાં તિરુપતિ મંદિરના ચાલી રહેલા બાંધકામનું નિરીક્ષણ કરતી વખતે જણાવી હતી. શ્રી વાયવી સુબ્બા રેડ્ડીએ કહ્યું કે દરેક રાજ્યમાં ભગવાન વેંકટેશ્વરના મંદિરની સ્થાપના કરવામાં આવશે. તેમણે આગળ જણાવ્યું કે આંધ્રપ્રદેશ પછી તિરુપતિ મંદિર જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ, દિલ્હી, કન્યાકુમારી, ચિનાની, ભુવનેશ્વરમાં નિર્માણ કરવામાં આવશે તથા મુંબઈ, રાયપુર અને અમદાવાદમાં પણ બનાવવામાં આવશે.
જમ્મુમાં મંદિર નિર્માણ કાર્ય ચાલુ
જમ્મુ-શ્રીનગરમાં હમણાં ભગવાન વેંકટેશ્વરનું મંદિર નિર્માણાધિન છે. આ મંદિરનું નિર્માણ આંધ્રપ્રદેશ સ્થિત તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મંદિર આશરે 33.22 એકર ભૂમિ પર પથરાયેલું હશે. લગભગ 62 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવનાર આ મંદિર બે તબક્કામાં તૈયાર કરવામાં આવશે. નિર્માણાધિન મંદિરમાં ભગવાન વેંકટેશ્વરના મુખ્ય મંદિર તથા મંદિર સંકુલમાં શ્રી અંડલ અને શ્રી પદ્માવતીના મંદિરોનું પણ નિર્માણ કરવામાં આવશે. મંદિરમાં સ્થાપના માટે ભગવાન વેંકટેશની મૂર્તિ આંધ્રપ્રદેશથી લાવવામાં આવશે. મંદિર નિર્માણ માટે પથ્થરો ખાસ કર્ણાટક આંધ્રપ્રદેશથી લાવવામાં આવશે. હાલમાં મંદિર નિર્માણ પૂરજોશમાં ચાલુ છે જેમાં 50 થી વધારે કારીગરો દિવસ-રાત કાર્ય કરી રહ્યા છે.
જમ્મુ-શ્રીનગરના મંદિરનું ઉદ્ધાટન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા કરશે
તિરુપતિ બાલાજી મંદિરનું ઉદ્ઘાટન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના હસ્તે કરવામાં આવશે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા સિદ્ધદાના માજીન ગામમાં નિર્માણાધીન ભવ્ય મંદિર ઉદ્ઘાટનની વિધિનો કાર્યક્રમ 4 જૂનથી શરૂ થશે અને મંદિરના કપાટ ભક્તો માટે વિધિવત પૂજા કર્યા બાદ 8મી જૂને ખોલવામાં આવશે. આ માહિતી તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ આપી હતી.