Spread the love

દેશના ભુતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સ્મારકને લઈને વિવાદ સમાપ્ત નથી થઈ રહ્યો. કોંગ્રેસ પાર્ટી મનમોહન સિંહના સ્મારકને લઈને મોદી સરકાર ખાસ કરીને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર સતત શાબ્દિક પ્રહારો કરી રહી છે. રાહુલ ગાંધીથી લઈને કોંગ્રેસ પ્રવક્તા મોદી સરકાર પર ડૉ. મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ન આપવાનો આરોપ લગાવી રહ્યા છે. એક તરફ કોંગ્રેસના સતત પ્રહારો ચાલુ છે ત્યારે બીજી તરફ મોદી સરકાર પણ ડૉ. મનમોહન સિંહના સ્મારક અંગે એક્શન મોડમાં છે.

કેન્દ્રીય શહેરી અને આવાસ મંત્રાલયે સ્મારક માટે જમીનની શોધ શરૂ કરી દીધી છે. અર્બન હાઉસિંગ મંત્રાલયની સક્રિયતા જોતા એવું લાગી રહ્યું છે કે મનમોહન સિંહના સ્મારક માટે આગામી 24 થી 48 કલાકમાં જગ્યા પસંદ કરવામાં આવી શકે છે. જો સૂત્રોનું માનીએ તો, મોદી સરકારે સ્મારક માટે પસંદ કરેલી જગ્યા કોંગ્રેસને, ખાસ કરીને ગાંધી પરિવાર માટે અસહજ સ્થિતિનું નિર્માણ કરી શકે છે. કારણ કે, મનમોહન સિંહના સ્મારક માટેની જમીન જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, સંજય ગાંધી અને રાજીવ ગાંધીના સ્મારકોની બાજુમાં મળવાની વધુ શક્યતા છે.

કેન્દ્ર સરકારના સૂત્રોનું માનીએ તો મનમોહન સિંહનું સ્મારક ભુતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સ્મારક શક્તિ સ્થળ, રાજીવ ગાંધીના સ્મારક સ્થળ વીર ભૂમિ અને સંજય ગાંધીના સ્મારક સ્થળની નજીક હોઈ શકે છે. જો કે મનમોહન સિંહના સ્મારક સ્થળને લઈને કેટલીક અન્ય જગ્યાઓનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય શહેરી આવાસ મંત્રાલયની ટીમે રાષ્ટ્રીય સ્મારક સ્થળ અને કિસાન ઘાટ નજીક ખાલી પડેલી જમીનની પણ મુલાકાત લીધી છે. પરંતુ, શક્તિ સ્થળ અને વીર ભૂમિ પાસે વધુ જમીન હોવાથી મનમોહન સિંહનું સ્મારક ત્યાં બનાવવાની શક્યતા વધુ જણાય છે.

ક્યાં બનશે સરદાર મનમોહન સિંહનું સ્મારક?

આવી સ્થિતિમાં જો કેન્દ્ર સરકાર શક્તિ સ્થળ, વીર ભૂમિ કે સંજય ગાંધીના સમાધિ સ્થળની નજીક જમીન આપે તો ગાંધી પરિવાર તેને અસ્વસ્થતા અનુભવી શકે છે. કારણ કે, એવું માનવામાં આવી રહ્યું છે કે ગાંધી પરિવાર ઈચ્છતો નથી કે જ્યાં તેમના પરિવારના સભ્યોનું સ્મારક હોય, ત્યાં દેશના અન્ય કોઈ વ્યક્તિત્વના સ્મારક માટે જગ્યા આપવામાં આવે. આવી સ્થિતિમાં આ નિર્ણયથી મોદી સરકાર કોંગ્રેસને ખાસ કરીને ગાંધી પરિવારને અસહજ સ્થિતિમાં મૂકી શકે છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મનમોહન સિંહના સ્મારકને લઈને અત્યાર સુધી આક્ષેપો કરતી કોંગ્રેસ મોદી સરકાર જો આવો નિર્ણય લે તો એ નિર્ણયનો વિરોધ કરી શક્શે?

રાજકીય સૂત્રોનું માનીએ તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે શક્તિ સ્થળ અને વીર ભૂમિ પાસે જમીન આપવામાં આવે તેવી સંભાવના વધારે છે. જો મોદી સરકાર આ બે સ્થળોની આસપાસ મનમોહન સિંહના સ્મારક માટે જમીન ફાળવે તો ગાંધી પરિવાર ભાગ્યે જ આ નિર્ણયનો વિરોધ કરી શકશે. કેન્દ્ર સરકાર જો આવો નિર્ણય કરે અને કોંગ્રેસ પાર્ટી સ્મારક અંગે વિરોધ કરતું નિવેદન આપશે તો એક રીતે કોંગ્રેસ એક્સપોઝ થશે. બીજી તરફ અત્યારે કોંગ્રેસના સતત આરોપો સામે બેકફૂટ ઉપર દેખાતો ભાજપ ફ્રન્ટફૂટ પર આવીને બેટિંગ કરશે અને કહી શકે છે કે જ્યારે સ્મારક માટે જગ્યા મળી ગઈ છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી હોબાળો મચાવી રહી છે કારણ કે મનમોહન સિંહ ગાંધી પરિવારના સભ્ય નથી? જો કે હજુ તેલ જુઓ અને તેલની ધાર જુઓ જેવી સ્થિતિ પ્રવર્તમાન છે.

જોકે, મોદી સરકારે મનમોહન સિંહના સ્મારક માટે કિસાન ઘાટ નજીકના વિસ્તાર અને પૂર્વ વડાપ્રધાન ચરણ સિંહના રાષ્ટ્રીય સ્મારક સ્થળની પણ મુલાકાત લીધી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ, ઉપરાષ્ટ્રપતિઓ અને વડા પ્રધાનોના અંતિમ સંસ્કાર પણ રાષ્ટ્રીય સ્મારકની નજીક થાય છે. આ સ્થિતિમાં મનમોહન સિંહના સ્મારક માટેની જગ્યા અંગેનો વિવાદ આગામી દિવસોમાં વધવાની સંભાવના છે. હાલમાં રાજઘાટ સંકુલમાં અને તેની આસપાસ 18 સ્મારકો જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ, વડા પ્રધાનો અને નાયબ વડા પ્રધાનોના સ્મારકોનો અને પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીની પત્ની લલિતા શાસ્ત્રી અને સંજય ગાંધીના સ્મારક જે અપવાદરૂપ છે તેનો સમાવેશ થાય છે. આ સ્થિતિમાં મોટો સવાલ એ છે કે શું કોંગ્રેસ મનમોહન સિંહના સ્મારક માટે ફાળવવામાં આવેલી જમીન સામે વિરોધ શરૂ કરશે?


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “Politics: ડૉ.મનમોહન સિંહના સ્મારક અંગે મોદી સરકાર સર્જી શકે છે આશ્ચર્ય, કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે બની શકે અસહજ સ્થિતિ”
  1. […] કોંગ્રેસના લોકો જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીને શ્રેષ્ઠ માને છે જ્યારે ભાજપના લોકો […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *