કેરળમાં સામાજિક સુરક્ષા પેન્શન લાભાર્થીઓ અંગે તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સમીક્ષામાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સમીક્ષામાં બહાર આવ્યું છે કે BMW કારના માલિકો અને બંગલામાં રહેતા લોકો પેન્શનનો લાભ લઈ રહ્યા છે.
કેરળમાં એક મોટુ સ્કેમ બહાર આવ્યું છે. મલપ્પુરમ જિલ્લાની કોટ્ટક્કલ નગરપાલિકામાંથી આર્થિક રીતે મજબૂત પૃષ્ઠભૂમિના લોકો સામાજિક સુરક્ષા પેન્શન મેળવતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં લગભગ 1,500 સરકારી કર્મચારીઓ, ગેઝેટેડ અધિકારીઓ અને કોલેજના પ્રોફેસરો સહિત અધિકારીઓએ સામાજિક સુરક્ષા પેન્શનના લાભો લઈને છેતરપિંડી આચરી હોવાનું જણાયું છે. આ પેન્શન મુખ્યત્વે ગરીબ અને વૃદ્ધ લોકોને આપવામાં આવે છે. રાજ્યના નાણામંત્રી કેએન બાલગોપાલે આ મામલે કડક અનુશાસનાત્મક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઓડિટમાં BMW કારના માલિકો સહિત અયોગ્ય વ્યક્તિઓ પેન્શનનો લાભ લેતા હોય તેવા ચોંકાવનારા મામલા સામે આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “કેટલાક પેન્શનરો એર કંડિશનર જેવી સુવિધાઓ ધરાવતા મકાનોમાં રહે છે.”
કયા વિભાગમાંથી કેટલા સમૃદ્ધ કર્મચારીઓ લેતા હતા પેન્શન?
જે સરકારી કર્મચારીઓ છેતરપિંડીથી પેન્શનનો લાભ મેળવતા હતા તેમાં સૌથી વધુ આરોગ્ય વિભાગના 373 કર્મચારી, જાહેર શિક્ષણ વિભાગના 224 કર્મચારીઓ, તબીબી શિક્ષણ વિભાગના 124 કર્મચારીઓ, આયુર્વેદ વિભાગના 114 કર્મચારીઓ, પશુપાલન વિભાગના 74 કર્મચારીઓ, જાહેર બાંધકામ વિભાગના 47 કર્મચારીઓ, ટેકનિકલ શિક્ષણ વિભાગના 46 કર્મચારીઓ, હોમિયોપેથી વિભાગના 41 કર્મચારીઓ, કૃષિ અને મહેસૂલ વિભાગના 35-35 કર્મચારીઓ, મ્યુનિસિપલ અને સામાજિક ન્યાય વિભાગના 34 કર્મચારીઓ, વીમા તબીબી સેવાઓના 31 કર્મચારીઓ અને કોલેજિયેટ શિક્ષણ વિભાગના 27 કર્મચારીઓનો સમાવેશ થાય છે.