ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી સેવાના અધિકારીઓ અને ભારતીય સંરક્ષણ ખાતા સેવાના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત માટે આવેલા અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ એવા સમયે તેમની સેવાઓમાં જોડાયા છે જ્યારે દેશ સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે વ્યાપક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે.
નવી ટેકનોલોજીના ઉદભવ સાથે તથા નૂતન ટેકનોલોજી અને માહિતી વિશ્વના પ્રત્યેક જગ્યાએ ઝડપથી ફેલાતી હોવાથી, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા અને ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા તેમની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બનશે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે યુવા અધિકારીઓના વિચારો, નિર્ણયો અને કાર્યો સંરક્ષણ પ્રણાલી અને દેશના ભાવિને આકાર આપવામાં મોટો ફાળો આપશે.
ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી સેવાના અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતે એક સમાવેશી અને વિકસિત રાષ્ટ્રના લક્ષ્યને હાંસલ કરવા માટે આગળ વધી રહ્યું છે. ભારતને સ્વ-નિર્ભર, સ્પર્ધાત્મક અને મજબૂત અર્થતંત્ર બનાવવામાં સ્વદેશી ઉદ્યોગોની મોટી ભૂમિકા છે. સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક નીતિગત પહેલ કરી છે. સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને સંરક્ષણ સાધનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સુધારા કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી સેવાના અધિકારીઓ સંરક્ષણ પ્રણાલીમાં સ્વદેશીકરણ માટે પ્રેરક અને સહાયક બને તેવી અપેક્ષા તેઓની પાસેથી રાખવામાં આવશે ઉપરાંત તેઓ ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓને વધારવા માટે કામ કરે એવી અપેક્ષા પણ છે.
ભારતની સંરક્ષણ નિકાસ વિશે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યુ કે ભારતની સંરક્ષણ નિકાસ નાણાકીય વર્ષ 2013-14માં રૂ. 686 કરોડ હતી જે નાણાકીય વર્ષ 2022-23માં વધીને 16,000 કરોડ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે તે આવશ્યક છે કે તેમની ફરજો નિભાવતી વખતે, ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી સેવાના અધિકારીઓ વિકાસ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લે અને ભારતને સંરક્ષણ ઉત્પાદન માટેનું હબ બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવે.
ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી સેવાના અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ દેશના સશસ્ત્ર દળોના નાણાકીય પાસાઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેઓ સંરક્ષણ ક્ષેત્રમાં કાર્યક્ષમ નાણાકીય વ્યવસ્થાપન અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે જવાબદાર રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની વ્યાવસાયિક અખંડિતતા સાથે અને તેમના મજબૂત તાલીમ મોડ્યુલના આધારે, IDAS અધિકારીઓ સંરક્ષણ દળોમાં નાણાકીય સમજદારીને પ્રોત્સાહન આપી શકશે અને રાષ્ટ્ર નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપી શકશે. તેમણે સંરક્ષણ પ્રણાલીઓની કામગીરીમાં વધુ પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે ઓડિટ અને એકાઉન્ટિંગ માટે નવીનતમ તકનીકો અને પદ્ધતિઓ અપનાવવા વિનંતી કરી.