2024માં બાંગ્લાદેશમાં રાજકીય બદલાવ અને શેખ હસીનાની સરકારના પતન બાદ, બાંગ્લાદેશના સેના પ્રમુખ જનરલ વકાર-ઉઝ-ઝમાને ભારત સાથેના સંબંધો પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એક પ્રતિષ્ઠિત બાંગ્લાદેશી અખબાર પ્રથમાલો સાથેની વાતચીતમાં જનરલ વકારે કહ્યું કે, બાંગ્લાદેશ ભારતના હિતો વિરુદ્ધ કોઇ પગલાં નહીં ભરી શકે. બાંગ્લાદેશના સૈન્ય વડાએ ભારત સાથે “નિષ્પક્ષતાના આધારે” સંબંધ બનાવવાનું આહ્વાન કર્યું છે તેમણે નિર્દેશ કર્યો હતો કે બંને દેશો એકબીજા પર પરસ્પર નિર્ભર છે.
આ નિવેદન શેખ હસીનાની શાસનના અંત અને નવી આંતરિમ સરકારના ગઠન બાદ ભારત અને બાંગ્લાદેશના સંબંધો વચ્ચે વ્યાપેલા તણાવ દરમિયાન મહત્ત્વનું ગણવામાં આવી રહ્યું છે.
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન અને લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોથી, મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં એક અંતરિમ સરકારનું ગઠન થયું છે. આ બદલાવમાં બાંગ્લાદેશની સેના મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહી છે. જનરલ વકારે પુષ્ટિ કરી છે કે સેના ચૂંટણીની નિષ્પક્ષતા અને શાંતિપૂર્ણ રીતે આયોજન માટે સંપૂર્ણ સહયોગ આપશે, અને દેશમાં સ્થિરતા જાળવવામાં પ્રતિબદ્ધ છે.
પાણીના અધિકારો અને અન્ય સરહદ સંબંધિત મુદ્દાઓ જેવા “વણઉકેલાયેલા મુદ્દાઓ” પર ચાલી રહેલી ચર્ચાને સંબોધતા જનરલ વકાર-ઉઝ-ઝમાને જણાવ્યું હતું કે સંબંધોનું મૂળ ન્યાયી હોવાપણા ઉપર હોવું જોઈએ, તેમણે ઉમેર્યું કે દરેક દેશ તેના પડોશીઓ પાસેથી લાભ મેળવવા માંગતો હોય છે.
જનરલ વકાર-ઉઝ-ઝમાને પ્રોથોમ આલોને આપેલા વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “આ એક ગિવ એન્ડ ટેક (Give and Take) સંબંધ છે. જે ન્યાયીતા પર આધારિત હોવો જોઈએ. કોઈપણ દેશ બીજા પાસેથી લાભ મેળવવા માંગતો હોય છે અને તેમાં કંઈ ખોટું નથી.”
તેમણે ઉમેર્યું હતું કે ભારતના “બાંગ્લાદેશની સ્થિરતામાં ઘણાં હિત છે” તેમણે આગળ જણાવ્યું કે કેવી રીતે બંને દેશો એકબીજામાં નિહિત હિત ધરાવે છે. “ભારત એક મહત્વપૂર્ણ પાડોશી છે. અમે ઘણી રીતે ભારત પર નિર્ભર છીએ. અને ભારતને પણ અમારી પાસેથી સુવિધાઓ મળી રહી છે. તેમના લોકો મોટી સંખ્યામાં બાંગ્લાદેશમાં ઔપચારિક અને અનૌપચારિક રીતે કામ કરી રહ્યા છે. ઘણા લોકો અહીંથી ભારતમાં તબીબી સારવાર માટે જાય છે. અમે તેમની પાસેથી ઘણી બધી વસ્તુઓ ખરીદીએ છીએ તેથી બાંગ્લાદેશની સ્થિરતામાં ભારતનું ઘણું હિત છે. જો કે, તેમણે ઉમેર્યું હતું કે, “લોકોને કોઈ પણ રીતે એવું ન લાગવું જોઈએ કે ભારત આપણા પર પ્રભુત્વ ધરાવે છે, જે આપણા હિતોની વિરુદ્ધ છે. લોકોને આ કોઈ રીતે લાગવું જોઈએ નહીં.”
શેખ હસીના સરકારના પતન બાદ ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ વધ્યો છે તેવા સમયે જનરલ વકારે સ્પષ્ટ કર્યું કે બાંગ્લાદેશ ભારત સાથેના સંબંધોને સમાનતા અને નિષ્પક્ષતાની સાથે જ રાખવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, “બાંગ્લાદેશ ભારત વિરૂદ્ધ કોઇ પણ કાર્યવાહીનો ભાગ નહીં બને અને ભારતથી પણ આવી જ અપેક્ષા રાખે છે.”
ભારતના પૂર્વોત્તર ક્ષેત્રમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાંગ્લાદેશના સહકાર અંગેના પ્રશ્નોના જવાબમાં, જનરલ વકારે કહ્યું કે “અમે અમારા પાડોશી સાથે એવું કંઈ કરીશું નહીં જે તેમના વ્યૂહાત્મક હિતોની વિરુદ્ધ હોય.” તેમણે આગળ ઉમેર્યું “સાથે સાથે અમે અપેક્ષા રાખીશું કે અમારો પાડોશી એવું કંઈ ન કરે જે અમારા હિતોની વિરુદ્ધ હોય.”
બાંગ્લાદેશ માટે મ્યાનમારની સીમાની સ્થિતિ પણ ચિંતાનો વિષય બની રહી છે, કેમ કે મ્યાનમારમાં ચાલી રહેલા ગૃહયુદ્ધનો પ્રભાવ બાંગ્લાદેશની સીમાઓ પર પડી રહ્યો છે. જનરલ વકારે આ પર વાત કરતા કહ્યું કે, “બાંગ્લાદેશ પોતાની સીમાની સ્થિરતા જાળવી રાખશે અને મ્યાનમાર સાથેના વિવાદોને કૂટનીતિક રીતે ઉકેલી રહી છે.”
જનરલ વકારે આ પણ જણાવ્યું કે બાંગ્લાદેશની સ્થિરતા માટે ભારતનો હિત છે, અને બંને દેશો વચ્ચે સહયોગ અને પરસ્પર લેવડ-દેવડની પ્રક્રિયાને આગળ વધારવી આવશ્યક છે. તેમણે બાંગ્લાદેશની વિદેશ નીતિ પર ભાર મૂકતા જણાવ્યું કે, “બાંગ્લાદેશની વિદેશ નીતિ દરેક દેશ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો પર આધારિત છે અને આપણે કસુટા રાખતા નથી.”