તાજેતરમાં જ યુક્રેન દ્વારા રશિયાના વિવિધ બિલ્ડિંગો ઉપર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. 2024 નું વર્ષ યુદ્ધો અને સંઘર્ષોનું રહ્યું છે જેમાં નવા નવા શસ્ત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો. સૌથી નવા શસ્ત્ર તરીકે વિશ્વમાં એક હથિયાર તરીકે ડ્રોન ઉભરી આવ્યા છે. ડ્રોનને સરળતાથી હથિયાર બનાવી શકાય છે, તેણે યુક્રેનથી મધ્ય પૂર્વમાં યુદ્ધના મેદાનોને બદલી નાખ્યા છે.
વર્તમાન વિશ્વમાં ડ્રોનનો એક નવા જ શસ્ત્ર તરીકે અને એની શક્તિઓનો સહજ સ્વીકાર કરાયો છે એટલું જ નહી મહાસત્તાઓ વચ્ચે વિવિધ ક્ષમતાઓ ધરાવતા ડ્રોનથી સૈન્ય ક્ષમતાઓને મજબૂત બનાવવાની હોડ ચાલી છે.
ચીનની સેનાએ આપ્યો 10 લાખ ડ્રોનનો ઓર્ડર
ડ્રોનની આક્રમક ક્ષમતા જોઈને હવે ચીને પણ પોતાની સેનાને ડ્રોન ક્ષમતાઓથી સજ્જ કરવાની તૈયારી કરી લીધી છે. ચીનની સેના પીએલએ (પીપલ્સ લિબરેશન આર્મી) એ હવે સ્થાનિક ટેક્નોલોજી કંપનીને 2026 સુધીમાં 10 લાખ ડ્રોન બનાવવાનો આદેશ આપ્યો છે.
ચીની સેનાએ 10 લાખ ડ્રોન્સનો ઓર્ડર આપ્યાના અહેવાલોએ ભારત સહિત વિશ્વના અનેક દેશોનું ધ્યાન ખેંચ્યું છે. આ ઓર્ડેરની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. ચીનની મથરાવટી ઉપર સમગ્ર વિશ્વ અવિશ્વાસ ધરાવે છે ત્યારે આટલા મોટા પાયા પર ડ્રોન બનાવવાના આદેશને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વ આ ઓર્ડર પાછળ ચીનનો ઈરાદો શું છે તે સમજવાની મથામણમાં પડ્યું છે.
ભારત માટે ચિંતાનો વિષય
ડ્રોનનો ઉપયોગ નજીકના લક્ષ્યોને ટાર્ગેટ કરવા માટે થાય છે ત્યારે પાડોશી દેશ હોવાના કારણે ભારત માટે વિશેષ ચિંતાનો વિષય છે. જોકે એવું માનવામાં આવે છે કે ચીન તેનો ઉપયોગ મુખ્યત્વે તાઈવાન વિરુદ્ધ કરી શકે છે.