– મ્યુઝીયમમાં 110 દેશોની લગભગ 1700 ઢીંગલીઓ
– મ્યુઝીયમનુ ઉદ્ઘાટન ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીએ કર્યું હતું
– મ્યુઝીયમ બનાવવાનો વિચાર શ્રી દિપકભાઈ અગ્રવાલને આવ્યો
• મ્યુઝીયમ નો પ્રકાર :- સંકલિત મ્યુઝીયમ
• ઈતિહાસ :-
ઢીંગલી મ્યુઝીયમ બનાવવાનો વિચાર રાજકોટમાં રહેતા દીપક અગ્રવાલને આવ્યો હતો. દીપક અગ્રવાલ વરસો પહેલાં તેમના ફેમિલી સાથે ચારધામની યાત્રાએ ગયેલા. એ સમયે તેમણે પોતાની દીકરીને કહ્યું કે, ‘બેટા, દિલ્હીમાં તને ઢીંગલીઓનું મ્યુઝીયમ જોવા માટે લઇ જઇશ.’ પરંતુ બીજે બધે ફરીને દીપક અગ્રવાલ ફેમિલી સાથે દિલ્હી પહોંચ્યા ત્યારે તે દિવસે સોમવાર હોવાના કારણે દિલ્હીનું ઢીંગલી મ્યુઝીયમ બંધ હતું. પછી તેમણે સમજાવી પણ થોડા સમય બાદ તેમની તેમની દીકરીએ ફરી યાદ કરાવતા , તેમને રાજકોટમાં મ્યુઝીયમ બનાવવાનું કહ્યું હતું. તેમણે પહેલા રોટરી ક્લબ મા વાત કરી હતી, પણ રોટરી કલબ ના સભ્યોને આ વિચાર પ્રેક્ટિકલ નહોતો લાગ્યો. તેમણે પોતે જ કામ આગળ વધાર્યું , તેમણે પોતે દુનિયાની બાર અલગ અલગ રોટરી સંસ્થામાં ઇ-મેલ કર્યા. એમાંથી ત્રણ સંસ્થામાંથી જવાબ આવ્યા કે અમે ઢીંગલી મોકલીશું અને એમાંથી એક રોટરી ક્લબે ઢીંગલી મોકલી પણ હતી. તેમનો ઉત્સાહ વધ્યો એટલે તેમણે વિચાર્યું કે ચાલો વધુ લોકોને દેશ-વિદેશની રોટરી ક્લબમાં ઇ-મેલ કરીએ. તેમણે તે સમયે દોઢ વર્ષમાં કુલ એક લાખ વ્યક્તિગત ઇ-મેલ કર્યા. તેઓ કામ સવારે કરતાં અને રાતે 12 વાગ્યા પછી ફરી ઓફિસ જતા અને 3 કલાક સુધી ઇ-મેલ કરતાં. કેમ કે, એ સમયે ઇન્ટરનેટ પણ ધીમું ચાલતું. આ રીતે આ બધું કાર્ય શરૂ કર્યું અને ધીમે ધીમે ઢીંગલીઓ આવવાની શરૂ પણ થઇ ગઇ. હવે આવી વાત ઢીંગલી મૂકવાની વ્યવસ્થા ની, તે માટે તેઓ ઘણી જગ્યાએ ફર્યા પણ કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો. તેમા જ તેઓ કલ્પકભાઇ મણિયારને મળ્યા. જેઓ એ સમયે રાજકોટ નાગરિક સહકારી બેન્કના ચેરમેન હતા અને અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ સાથે પણ જોડાયેલ છે. તેમની સાથે વાત કરી. ઢીંગલી મ્યુઝીયમ બનાવવા બાબતની વાત તેમને ખૂબ જ ગમી ગઇ. ઇશ્ર્વરની કૃપાથી એ સમયે 2004માં એવો સંજોગ રચાયો કે એ સમયગાળામાં રાજકોટ નાગરિક બેન્કના 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હતા. રાજકોટમાં રોટરી ક્લબને 10 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હતા. ઉપરાંત રોટરી ઇન્ફર્મેશનના 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હતા. બધુ એક જ વર્ષે 2004માં એક સાથે થઇ રહ્યું હતું. તેથી 2004માં આ ઢીંગલી ક્લબની સ્થાપના થઇ અને એ માટે કલ્પકભાઇએ કુલ 9000 સ્કેવર ફિટ એરિયાની જગ્યા મ્યુઝીયમ બનાવવા માટે આપી. ઉપરાંત આ મ્યુઝીયમ બનાવવા માટેનો ખર્ચો પણ તેઓએ જ કર્યો અને આમ સાકાર થયું એક નાનકડી દીકરીની ઈચ્છાને પુરી કરવા એક પિતાનો પ્રેમ બતાવતું ઢીંગલી મ્યુઝીયમ . ગુજરાતનુ એકમાત્ર અને અદ્વિતીય ઢીંગલી મ્યુઝીયમ. હવે માણીએ સફર આ મ્યુઝીયમ ની.
• ઢીંગલી મ્યુઝીયમની એક મુલાકાત :-
આ મ્યુઝિયમ ત્રણ સંસ્થાઓના સહયોગનો ત્રિવેણી સંગમ. દુનિયાનું આ એક એવું પહેલું મ્યુઝિયમ છે કે જે કોઇ રાજાએ, નિઝામે કે સરકારે નથી બનાવ્યું. પરંતુ લોકોએ એટલે કે સામાન્ય માણસોએ બનાવેલ મ્યુઝીયમ છે. દુનિયાભરમાં આ પહેલું જ મ્યુઝીયમ છે જે લોકશક્તિથી બનાવેલ છે. આ મ્યુઝિયમનુ ઉદઘાટન તારીખ 24 જુલાઈ 2004ના રોજ ભૂતપૂર્વ ગૃહમંત્રી શ્રી લાલકૃષ્ણ અડવાણી જી એ કરેલ હતું.
આ મ્યુઝીયમમાં દુનિયાના કુલ 110 દેશની 1700 થી વધુ યુનિક ઢીંગલીઓ છે. કોઇ ઢીંગલી રીપિટ નથી થતી.આ મ્યુઝીયમનુ બનાવવામાં અંદાજીત ખર્ચ 2 કરોડ રૂપિયા જેટલો છે. દરેક ઢીંગલીઓની સુંદર મિરરવાળા શો-કેસમાં ખૂબ જ વ્યવસ્થિતપણે અદ્ભુત ગોઠવણી કરાઇ છે. દરેક દેશની ઢીંગલીઓ દ્વારા એ દેશની ભૌગોલિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, રહેણી- કરણી, પહેરવેશ અને અન્ય વિશેષતાનો મુલાકાતીને પરિચય થાય છે. ઢીગલી ઘરની દરેક ઢીંગલી એટલી સુંદર છે કે જોઇને એવું લાગે કે પોતાની ભાવવહી આંખો દ્વારા તે કંઇક કહેવા માગે છે. તો કોઇ ઢીંગલીને જોઇને એમ પણ લાગે કે હમણાં કંઇક બોલી ઊઠશે. મનના અલગ અલગ મૂડ દર્શાવતી ઢીંગલીઓ અહીં છે. કોઇ ગ્રામ્ય ક્ન્યા છે ,તો કોઇ શહેરી મોડર્ન કન્યા પણ છે ,તો આદિવાસી કન્યા પણ ઢીંગલી રૂપે દેખાય છે. ઢીંગલીના રૂપમાં જે તે દેશના સૈનિકો પણ દેખાય છે. તો કોઇ ઢીંગલીઓ સમૂહ નૃત્યના વેશમાં છે. બહુ વિવિધતા છે આ ઢીંગલી મ્યુઝીયમમાં.
આ ઢીંગલીઓ જે અલગ અલગ દેશમાંથી રોટરી ક્લબ દ્વારા અહીં ગિફ્ટમાં આવેલ છે.
• મેનેજમેન્ટ સંસ્થા :-
અત્યારે અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા જ મ્યુઝીયમનું સંચાલન થાય છે. એના થકી જ આ મ્યુઝિયમ ચાલે છે. અરવિંદભાઇ મણિયાર ટ્રસ્ટનો સહકાર ન હોત તો આ મ્યુઝીયમ રાજકોટમાં બનાવવુ શક્ય જ નહોતુ. કેમ કે, અહીં ઢીંગલીઓ લઇ આવ્યા. પરંતુ એ ઢીંગલીઓને ગોઠવીને રાખવા માટે આ મ્યુઝીયમ બનાવવું, સાચવવું, બધી જાળવણી કરવી એ આ ટ્રસ્ટ દ્વારા થાય છે. આ સંસ્થા ઢીંગલીઓની જશોદામા બનીને દેખરેખ રાખે છે. આ મ્યુઝીયમના દેખરેખ નો ખર્ચ મહિને એક લાખ રૂપિયા જેટલો થાય છે. દર વર્ષે એક વાર દરેક ઢીંગલી ને નવા કપડાં તથા તેની સફાઈ થાય છે.
• ખાસ ઢીંગલી :-
આમાં એક રોયલ ઢીંગલી પણ છે. જે રાજકોટના રાજવી પરિવારના રાણીસાહેબ કાદમ્બરી દેવીના બાળપણની ઢીંગલી છે. રાણીસાહેબ કાદમ્બરી દેવીને તેઓની માતાએ બાળપણમાં આ ઢીંગલી ભેટમાં આપેલ. આ બાબતે આનંદની વાત એ છે કે ભવ્ય ફુલેકું, તલવાર રાસ સાથે રાજકોટના રણજિત વિલાસ પેલેસની આભા અને ગરિમા સમી આ ઢીંગલી અહીં રોટરી ઢીંગલી મ્યુઝીયમમાં પધારી હતી. આ પ્રસંગે રાજવી પરિવાર અને રોટરી ક્લબ સાથે વિવિધ શાળાના બાળકો નૃત્ય અને સંગીત સાથે સામેલ થયા હતા તેમજ એ સમયે પારંપરિક ઢબે ઢીંગલીનું ભવ્ય સામૈયું થયું હતું. આ સામૈયામાં રાસ ગરબાની રમઝટ, તલવાર રાસ સાથે ભગિની મંડળની મહિલાઓ, બાળકો આનંદભેર જોડાયા હતા.
• મ્યુઝીયમની ખાસ વિશેષતા :-
જે શો-કેસમાં ઢીંગલીઓ રાખી છે એ શો-કેસની સાઇઝ અને શેઇપ અલગ છે. કેમ કે સંસ્થા માને છે કે, દરેક બાળક યુનિક હોય છે. શો-કેસમાં મિરર રાખ્યા છે. તેના કોશ્ચ્યુમ દેખાય છે. શો-કેસમાં અમે બ્લુ કલરની લાઇનિંગ રાખેલ છે. તો બ્લૂ કલર એ ઓક્સિજનનો કલર છે તેથી અમે વિચારીએ છીએ કે આ ઓક્સિજન એ ઢીંગલીઓને મળે છે અને ઢીંગલીઓ પણ લાઇવ છે. એ રીતે આ સેટઅપ છે. આ ગોઠવણ એવી રાખી છે કે બાળકો ગમે ત્યાંથી કોઇ પણ શો-કેસમાં જઇને ઢીંગલી જોઇ શકે. ઉપરાંત મિરરના કારણે આખા મ્યુઝીયમમાં મલ્ટિપલ ઇફેક્ટ દેખાય છે. એને કારણે દરેક બાળક મ્યુઝિયમમાં ગમે ત્યાં ઊભું રહે તો પણ સુંદર દેખાવ જોવા મળે છે. શો-કેસ સાથે અમે જે-તે દેશની ઢીંગલીઓ વિશે વિગતે માહિતી આપી છે.
• સન્માન :-
આ મ્યુઝીયમને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં પણ માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલ છે. સમગ્ર ભારતમાં બે પૈકીનું એક માત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ મ્યુઝીયમ રાજકોટમાં છે, જે ગુજરાતનું પણ ગૌરવ છે.
લેખન અને સંકલન માહિતી :- વિકી મહેતા