ભારતમાં પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે હાઇપરલૂપ (Hyperloop) ટેકનોલોજી તરફ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. દેશનો પહેલો હાઇપરલૂપ (Hyperloop) ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ગયો છે, દિલ્હીથી જયપુરની મુસાફરી હવે માત્ર 30 મિનિટમાં પૂર્ણ થઈ શકશે. આ હાઇ-સ્પીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની ખાસિયત તેની ગતિ 1100 કિમી/કલાક છે, જે હાલની ટ્રેનો અને વિમાનો કરતા વધુ ઝડપી હશે.
IIT મદ્રાસે રેલ્વે મંત્રાલય સાથે મળીને 422 મીટર લાંબો ભારતનો પ્રથમ હાઇપરલૂપ (Hyperloop) ટેસ્ટિંગ ટ્રેક વિકસાવ્યો છે. આ સહયોગમાં IIT મદ્રાસના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાર્ટઅપ ટુટૃ હાઈપરલૂપ (TuTr Hyperloop) નો પણ સામેલ છે.

હાઇપરલૂપ (Hyperloop) ટેકનોલોજી શું છે?
હાઇપરલૂપ (Hyperloop) એક અલ્ટ્રા-હાઇ-સ્પીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે જેમાં કેપ્સ્યુલ જેવી ટ્રેનો લો-પ્રેશર ટ્યુબની અંદર મેગ્નેટિક લેવિટેશન ટેકનોલોજી પર ચાલે છે. આ ટ્રેનો હવા અને ઘર્ષણથી ઓછામાં ઓછા પ્રતિકાર સાથે સરળતાથી 1000+ કિમી/કલાકની ઝડપે પહોંચી શકે છે. હાઇપરલૂપનો હેતુ હાઇ-સ્પીડ, સસ્તું, ભરોસાપાત્ર અને ટકાઉ પરિવહન માટે હાઇપરલૂપ ટેક્નોલોજીનો વિકાસ અને વ્યાપારીકરણ કરવાનો છે. ભારતીય રેલવે અને IIT મદ્રાસ આ ટેક્નોલોજી વિકસાવવા પર સાથે મળીને કામ કરી રહ્યા છે. આ ટેકનોલોજીની ખાસિયત એ છે કે તેની મદદથી 350 કિમીનું અંતર માત્ર 30 મિનિટમાં કાપી શકાય છે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ X ઉપર એક વિડીઓ જેમાં આ ટ્યુબ બતાવવામાં આવી છે, જેના અંતિમ અને મોટા સ્વરૂપમાં ભવિષ્યમાં હાઈપરલૂપ વાહન ચાલશે શેર કરીને પોસ્ટ કરતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું કે, “સરકાર-શૈક્ષણિક સહયોગ ભવિષ્યના પરિવહન ક્ષેત્રે નાવિન્ય લાવવા પ્રોત્સાહન આપે છે.”
પ્રેસ કોન્ફરન્સમાં બોલતા કેન્દ્રીય રેલ્વે મંત્રી વૈષ્ણવે કહ્યું, “422 મીટરનો પહેલો પોડ ટેક્નોલોજીના વિકાસમાં ખુબ સહાયરૂપ થશે. 10 લાખ ડોલરની પ્રથમ બે અનુદાન પછી મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે હાઈપરલૂપ પ્રોજેક્ટને વધુ વિકસાવવા માટે IIT મદ્રાસને એક મિલિયન ડોલરની ત્રીજી ગ્રાન્ટ આપવામાં આવશે.”
The hyperloop project at @iitmadras; Government-academia collaboration is driving innovation in futuristic transportation. pic.twitter.com/S1r1wirK5o
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 24, 2025
હાઇપરલૂપનું મિશન હાઇ-સ્પીડ, સસ્તું, ભરોસાપાત્ર અને ટકાઉ પરિવહન માટે હાઇપરલૂપ ટેક્નોલોજીનો વિકાસ અને વ્યાપારીકરણ કરવાનું છે. હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેકનું પ્રથમ વખત 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે લાંબા ટ્રેક પર પરીક્ષણની તૈયારીઓ ચાલી રહી છે જેથી 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી શકાય. જો આ ટેક્નોલોજી સફળ થશે તો ભારતીય શહેરોમાં પરિવહનની પદ્ધતિ બદલાઈ શકે છે. મેટ્રો ટ્રેન સિસ્ટમ અને હાઈપરલૂપ બન્ને એકસાથે કાર્યરત રહી શકે છે.

હાઇપરલૂપ ટ્રેન સિસ્ટમની એક વિશેષતા એ છે કે તે બે ગંતવ્ય સ્થાનો વચ્ચે રોકાતી નથી. સરળ ભાષામાં સમજીએ તો તે એક બિંદુથી બીજા બિંદુ સુધી અટક્યા વિના જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતની પ્રથમ હાઈપરલૂપ ટ્રેન મુંબઈ અને પૂણે વચ્ચે દોડશે. બંને શહેરો વચ્ચે લગભગ 150 કિલોમીટરનું અંતર છે અને બન્ને શહેર વચ્ચેની મુસાફરી માત્ર 25 મિનિટમાં પૂર્ણ થવાની આશા છે.