ભારતીય વાયુસેનાની (IAF) એરસ્ટ્રીપ જેનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં કરવામાં આવ્યો હતો તે પંજાબના ફિરોઝપુરમાં રહેતી ઉષા અંસલે તેમના પુત્ર નવીન ચંદ સાથે મળીને વેચી મારી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ એરસ્ટ્રીપનો ઉપયોગ 1962, 65 અને 71ના ભારત-પાકિસ્તાન યુદ્ધો દરમિયાન થયો હતો. તેમણે ૧૯૯૭માં આ છેતરપિંડી કરી હતી, જેમાં ૨૮ વર્ષ પછી હવે એફઆઈઆર નોંધાઈ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
નટવરલાલને ભારતનો સૌથી મોટો છેતરપિંડી કરનાર માનવામાં આવે છે, પરંતુ પંજાબના ફિરોઝપુરની એક મહિલાએ નટવરલાલને પણ ભુલાવી દે એવું કૃત્ય કર્યું છે. આ મહિલાએ તેના પુત્ર સાથે મળીને એવી છેતરપિંડી કરી જે માત્ર જમીન કૌભાંડનો નમૂનો જ નથી પણ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ખૂબ જ સંવેદનશીલ મુદ્દાને પણ ઉજાગર કરે છે.

ભારતીય વાયુસેનાની (IAF) હવાઈપટ્ટી વેચી મારી
નટવરલાલે તાજમહેલ વેચી દીધો હતો જ્યારે આ મહિલા ઉષા અંસલે તેમના પુત્ર નવીન ચંદ સાથે મળીને ભારતીય વાયુસેના (IAF) ની એક આખી હવાઈ પટ્ટી વેચી દીધી છે. આ વાયુસેનાની (IAF) હવાઈ પટ્ટી પણ માત્ર કોઈ સામાન્ય હવાઈ પટ્ટી જ નથી પણ એક એવી હવાઈ પટ્ટી જેનો ઉપયોગ 3 મોટા યુદ્ધોમાં ભારતીય વાયુસેના (IAF) દ્વારા કરવામાં આવ્યો છે… આરોપ છે કે માતા અને પુત્ર બંનેએ 1997માં મહેસૂલ અધિકારીઓ સાથે મળીને આ છેતરપિંડી કરી હતી. હવે, 28 વર્ષ પછી, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્દેશ પર બંને સામે FIR નોંધવામાં આવી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધો વખતે થયો ઉપયોગ
આ વાયુસેનાની (IAF) હવાઈ પટ્ટી પંજાબના ફિરોઝપુરના પટ્ટી ફત્તુવાલા ગામમાં આવેલી છે, જે પાકિસ્તાન સરહદની ખૂબ નજીક છે અને વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ જમીન 1945માં બ્રિટિશ વહીવટીતંત્ર દ્વારા વાયુસેના માટે હસ્તગત કરવામાં આવી હતી અને 1962, 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધો દરમિયાન તેનો ઉપયોગ ભારતીય વાયુસેના દ્વારા (IAF) કરવામાં આવ્યો હતો.

આખરે એફઆઈઆર નોંધાઈ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના (TOI) અહેવાલ મુજબ, હાઈકોર્ટના ઠપકા અને વિજિલન્સ વિભાગના તપાસ અહેવાલ પછી, 20 જૂન, 2025 ના રોજ આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસ ભારતીય દંડ સંહિતાની કલમ 419 (કપટપૂર્ણ ઢોંગ), 420 (છેતરપિંડી), 465, 467 (મૂલ્યવાન દસ્તાવેજોની ષડયંત્ર), 471 (બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ) અને 120B (ગુનાહિત કાવતરું) હેઠળ નોંધવામાં આવ્યો છે. આ તપાસની કમાન ડીએસપી કરણ શર્માને સોંપવામાં આવી છે, જેઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આટલા લાંબા સમયથી આ જમીનની ખરીદી અને વેચાણને દબાવવામાં કોણ કોણ સામેલ હતું.

કેવી રીતે કરવામાં આવી આ છેતરપિંડી?
વિજિલન્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે ડુમની વાલા ગામના રહેવાસી ઉષા અને નવીને છેતરપિંડી કરીને પોતાને જમીનના માલિક બતાવ્યા હતા અને પછી મહેસૂલ રેકોર્ડ સાથે ચેડા કરીને તેને વેચી દીધી હતી. જમીનના વાસ્તવિક માલિક મદન મોહન લાલનું 1991માં અવસાન થયું હતું, પરંતુ 1997માં જમીન તેમના નામે વેચાઈ હતી. 2009-10ની જમાબંધીમાં સુરજીત કૌર, મનજીત કૌર, મુખ્તિયાર સિંહ, જાગીર સિંહ, દારા સિંહ, રમેશ કાંત અને રાકેશ કાંતને માલિક તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે સંરક્ષણ મંત્રાલયે ક્યારેય આ જમીન ટ્રાન્સફર કરી ન હતી.

કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ?
આ કૌભાંડ પ્રકાશમાં લાવનાર વ્યક્તિ નિવૃત્ત મહેસૂલ અધિકારી નિશાન સિંહ હતા, જેમણે 2021 માં આ અંગે ફરિયાદ કરી હતી. હલવારા એરફોર્સ સ્ટેશનના કમાન્ડન્ટે પણ તત્કાલીન ડીસીને પત્ર લખીને તપાસની માંગ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. છેવટે હારી-થાકીને નિશાન સિંહે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
ફિરોઝપુરના ડેપ્યુટી કમિશનરની નિષ્ક્રિયતા પર હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી અને તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવ્યો. જસ્ટિસ હરજીત સિંહ બરાડે વિજિલન્સ બ્યુરોના વડાને જાતે તપાસ કરવા અને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો, અને ચાર અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા કહ્યું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો