- કેન્દ્ર સરકારના કૃષિ સંબંધિત કાયદા સામે ખેડૂતોનો વિરોધ
- ખેડૂત નેતાઓ તથા કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે થયેલી વાતચીત અનિર્ણિત
- સરકાર કરી શકે છે કેટલાક નિર્ણયો
થઈ શકે છે સમાધાન, સમાપ્ત થઈ શકે છે ખેડૂત આંદોલન : ખેડૂતો માનશે ?
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ સંબંધિત ત્રણ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે થયેલી બે બેઠકોમાં પણ મડાગાંઠ યથાવત રહી છે, ગઈકાલે સરકાર તથા ખેડૂત નેતાઓ વચ્ચે ચાલેલી 7 કલાક લાંબી ચાલેલી બેઠક પણ ખેડૂતોએ પોતાની માંગણીઓ તથા શરતો મનાવવા જીદ પકડી રાખતા અનિર્ણિત રહી હતી ત્યારે એવા અહેવાલો આવી રહ્યા છે કે સરકાર દ્વારા ખેડૂતોની ચિંતાઓને સમજીને એને હલ કરવાના પ્રયાસ કરી રહી છે. એક તરફ સરકાર દ્વારા સકારાત્મક પહેલ કરવામાં આવી શકે છે એવા અહેવાલો છે ત્યારે એવી ચિંતાઓ પણ દેખાઈ રહી છે કે શું ખેડૂતો માનશે ખરા ?
શું વિચાર કરી રહી છે કેન્દ્ર સરકાર
કૃષિ મંત્રાલયના એક અધિકારીના હવાલાથી એવી ખબર આવી રહી છે કે ગુરુવારે થયેલી મેરેથોન બેઠકમાં ખેડૂત નેતાઓ દ્વારા કૃષિ સંબંધિત ત્રણ કાયદાઓ અંગે જે ચિંતાઓ રજૂ કરવામાં આવી તથા ગંભીર વિચાર કરવામાં આવ્યો હતો. અધિકારીના હવાલાથી કહેવામાં આવે છે કે સરકાર દ્વારા ખેડૂતોની ટેકાના ભાવ (MSP) અંગે ચિંતાને દૂર કરવા માટેનો પ્રસ્તાવ મુકવામાં આવી શકે છે. આ પ્રસ્તાવ દ્વારા ખેડૂતો ઓપન માર્કેટમાં તથા એપીએમસીમાં (APMC) લઘુત્તમ ટેકાના ભાવે પોતાની કૃષિ ઉપજ વેચી શકે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ ખેતીમાં (Contract Farming) જો ખેડૂત અને કંપની વચ્ચે કોઈ વિવાદ ઉભો થાય તો એસડીએમ – ડીએમ કોર્ટ સિવાય ન્યાયપાલિકાના શરણે જવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે. આવશ્યક ખાદ્ય નિયમમાં ખરીદીની સીમા દૂર કરવાને લઈને પાન કાર્ડ (PAN Card) સિવાય કંપનીઓ દ્વારા રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવી શકે છે. આ સિવાય કેન્દ્ર સરકાર ઓપન માર્કેટમાં ટેક્સ લગાવવા અથવા એપીએમસી (APMC) માં ટેક્સ નાબૂદ કરવા માટે રાજ્ય સરકારોને જણાવી શકે છે. આ પ્રકારે સરકાર પહેલ કરી શકે છે.
ખેડૂતો કેમ સમાધાન માટે રાજી નહી થઈ શકે..
આ ઉપરાંત સંશોધિત ઈલેક્ટ્રીસીટી વિધેયક, પરાળી ઉપર દંડ, ખેડૂતો ઉપર દાખલ થયેલી પોલીસ ફરિયાદો પરત લેવાની ખેડૂતોની માંગણીઓ સ્વીકારી લેવામાં આવે તેવી સંભાવના છે. અધિકારીના હવાલાથી જણાવાયું છે કે સરકાર ત્રણેય કૃષિ સંબંધિત કાયદાઓમાં સંશોધન કરીને ખેડૂત આંદોલન પરત ખેંચાય એવા પ્રયત્નો કરવામાં આવી શકે છે. ખેડૂત સંગઠનો ત્રણેય કાયદાઓ સંસદનું વિશેષ સત્ર બોલાવીને રદ્ કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે, અને નવા કાયદા બનાવવામાં આવે જેની પ્રક્રીયામાં ખેડૂત નેતાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવે આ બંને માટે સરકાર તૈયાર ન હોવાથી ખેડૂતો સરકારના પ્રસ્તાવનો વિરોધ કરી શકે છે.