- નિષ્ણાતોએ મુકેલા 2% ના અંદાજ કરતા વધુ આવ્યો IIP આંક
- સતત બીજા મહિને ફેક્ટરી આઉટપુટ સકારાત્મક
- ઑકટોબર મહિનામાં મોટાભાગના સેક્ટરમાં આઉટપુટ ગ્રોથ દેખાયો
- સતત બીજા મહિને IIP આઉટપુટ આંક હકારાત્મક
છેલ્લા 8 મહિનામાં ઑક્ટોબર મહિનાનું ઔદ્યોગિક ઉત્પાદન સૌથી વધુ
વૈશ્વિક કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં 25 માર્ચથી કડક લોક ડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. લોક ડાઉનને કારણે દેશની આર્થિક ગતિવિધિઓ લગભગ બંધ થઈ ગઈ હતી, જોકે અનલોક પ્રક્રિયા શરૂ થયા બાદ ધીમે ધીમે દેશની આર્થિક ગતિવિધિઓ ફરીથી ગતિશીલ બની રહી છે એવા સંકેતો મળી રહ્યા છે. દેશની આર્થિક ગતિવિધિઓની કેટલીક પારાશીશીમાંની એક એટલે IIP આઉટપુટ ડેટા જે દર મહીનાની 12 તારીખે જાહેર કરવામાં આવે છે. ગઈકાલે જાહેર કરવામાં આવેલા IIP આઉટપુટ ડેટા છેલ્લા 8 મહિનામાં સૌથી ઊંચો આંક ધરાવતા આવ્યા જેનો અર્થ એવો કાઢી શકાય કે દેશની આર્થિક ગતિવિધિઓ, ઉત્પાદન પ્રક્રિયા કોરોના મહામારી પહેલાના દરે પરત ફરવા ગતિશીલ બની છે.
લોક ડાઉન બાદ ઑક્ટોબર મહિનામાં આર્થિક ચિત્ર ઉત્સાહજનક દેખાયું
ભારતનો IIP આઉટપુટ વૃદ્ધિ દર V આકારમાં વધી રહ્યો છે. કેલેન્ડર વર્ષ 2020 વૈશ્વિક કોરોના મહામારીને કારણે વિશ્વના અર્થતંત્રને તહસનહસ કરી દેવા માટે ઈતિહાસના પાના ઉપર લખાશે. જ્યારે ભારત સહિત સમગ્ર વિશ્વની આર્થિક પ્રવૃત્તિઓ મહદઅંશે બંધ હતી ત્યારે દેશના અર્થતંત્રની ગતિ અટકી જવા જેટલી મંદ થઈ જવી સ્વાભાવિક હતી જેને સાબિત કરવા વર્ષની શરૂઆતથી આવેલા IIP આઉટપુટ વૃદ્ધિ દર્શાવતા ડેટા છે. જાન્યુઆરી મહિનામાં IIP આઉટપુટ દર 2.2 % હતો જે ફેબ્રુઆરી માસમાં ઉછળીને 5.5% એ પહોંચ્યો હતો. માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં લોક ડાઉન લગાવવામાં આવતા IIP આઉટપુટ વૃદ્ધિ દર નકારાત્મક સ્થિતિમાં આવી ગયો હતો અને તે ઘટીને માઈનસ 18.7% એ પહોંચ્યો હતો જ્યારે એપ્રિલ મહિનામાં IIP આઉટપુટ વૃદ્ધિ અંક વર્ષની સૌથી નીચી સપાટીએ 57.3% એ ઉતરી ગયો હતો. ત્યારબાદ અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા આર્થિક પ્રવૃત્તિઓ પરના નિયંત્રણો ધીમે ધીમે ઘટાડવાનો ક્રમ શરૂ થયો હતો જેના પરિણામ સ્વરૂપે મે મહિનામાં IIP આઉટપુટ ઉંચકાઈને માઈનસ 33.4% આવ્યો હતો, જોકે આ દર સકારાત્મક રીતે વધ્યો હોવા છતાં પણ નકારાત્મક સ્થિતિમાં જ હતો, એપ્રિલ મહિનામાં દેખાડેલા તળીયેથી IIP આઉટપુટ સતત વધતો જતો હતો જે જૂન મહિનામાં માઈનસ 16.6%, જુલાઈ મહિનામાં માઈનસ 10.5%, ઑગસ્ટ મહિનામાં માઈનસ 7.4% નકારાત્મક સ્થિતિમાં રહ્યો હતો. ફેબ્રુઆરી મહિના બાદ સપ્ટેમ્બર મહિનામાં સૌપ્રથમ વખત IIP આઉટપુટ આંક હકારાત્મક આંકડા દર્શાવતો આવ્યો હતો જે 0.5% હતો. આજે ઑક્ટોબર મહિનાનો IIP આઉટપુટ આંક આવ્યો તે છેલ્લા 8 મહિનાનો સૌથી વધુ છે. ઉલ્લેખનીય છે કે ઑક્ટોબર 2019નો IIP આઉટપુટ દર નકારાત્મક 6.6% હતો.
મોટાભાગના સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળી
ભારતનો ઑક્ટોબર મહિનાનો IIP (Index of Industrial Production) ડેટા બધા જ અંદાજોને ખોટા સાબિત કરતો આવ્યો છે. ઑક્ટોબર મહિનાનો ડેટા જોતા લગભગ બધા જ સેક્ટરમાં હકારાત્મક વલણ જોવા મળ્યું છે. મેન્યુફ્રેક્ચરિંગ સેક્ટર : મેન્યુફ્રેક્ચરિંગ સેક્ટર IIP data માંં સૌથી વધુ 77% વેઈટેજ ધરાવે છે તેમાં 3.5% આઉટપુટ વૃદ્ધિ જોવા મળી છે, NSO દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ જોતાં મેન્યયુફ્રેકચરિંગ ક્ષેત્રનો IIP આઉટપુટ એક વર્ષ પહેલાં આ જ સમયે નકારાત્મક 5.7% હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર : આ સેક્ટરમાં મોટાભાગે વ્હાઈટ ગુડ્સ આવે છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરનો ગ્રોથ ઘણો પ્રોત્સાહિત કરે તેવો 17.6% આવ્યો છે જે ગયા વર્ષે આ જ સમયગાળામાં નકારાત્મક 18.9% હતો. ઈલેેેેેેક્ટ્રીસીટી સેક્ટર : ઑક્ટોબર મહિના દરમિયાન વીજ ઉત્પાદનનો IIP data 11.2% આઉટપુટ અંક આવ્યો છે. જોકે ઑક્ટોબર મહિનાનો માઈનિંગ સેક્ટરનો IIP આઉટપુટ આંક નકારાત્મક 1.5% છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ આ સમયગાળા દરમિયાન અર્થતંત્ર વેગ પકડશે એવું અનુમાન કર્યું હતું.