સામાન્ય મીઠું અને મસાલા સાથે તૈયાર કરાયેલ પોપકોર્ન, જે પેકેજ્ડ અને લેબલ નથી, તેના પર 5 ટકા જીએસટી લાગશે. પેકેજ્ડ અને લેબલવાળા પોપકોર્ન પર GST દર 12 ટકા રહેશે. કેરામેલ જેવી ખાંડમાંથી તૈયાર કરાયેલા પોપકોર્ન ઉપર લાગશે 18 ટકા ટેક્સ છે.
GST કાઉન્સિલે શનિવારે પોપકોર્નને 5 ટકા, 12 ટકા અને 18 ટકા એમ ત્રણ જુદા જુદા ટેક્સ સ્લેબમાં રાખ્યા છે. પોપકોર્ન જેવી વસ્તુને GSTના દાયરામાં લાવવાની જરૂર કેમ પડી? પોપકોર્નનું માર્કેટ ભારતમાં કેટલું મોટું છે? પોપકોર્નનો વ્યાપ અને બજાર ઘણું મોટું છે. અનુમાન મુજબ ભારતમાં તેનું બજાર 1200 કરોડ રૂપિયાની આસપાસ છે. જે વર્ષ 2030માં લગભગ 2600 કરોડ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે.
એક રિપોર્ટ અનુસાર 2024 થી 2030 દરમિયાન પોપકોર્નના માર્કેટમાં 12 ટકાથી વધુ વૃદ્ધિની સંભાવના છે. ખાસ વાત એ છે કે આખી દુનિયામાં પોપકોર્નનું માર્કેટ લગભગ 75 હજાર કરોડ રૂપિયાનું છે.
ભારતમાં પોપકોર્ન માર્કેટ કેટલું?
ભારતમાં પોપકોર્ન માર્કેટ ઝડપથી વિસ્તરી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં પોપકોર્નના માર્કેટમાં 10 ટકાથી વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે. વર્ષ 2030 સુધીમાં 12 ટકાથી વધુ વૃદ્ધિ જોવા મળી શકે છે. આંકડા અનુસાર, વર્ષ 2023 સુધીમાં પોપકોર્નનું માર્કેટ 1,158 કરોડ રૂપિયા હતું. જે હાલમાં રૂ. 1,200 કરોડની આસપાસ હોવાનો અંદાજ છે. ખાસ વાત એ છે કે વર્ષ 2023 સુધીમાં આ આંકડો 2,572 કરોડ રૂપિયાના આંકડાને પણ પાર કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર દેશમાં પોપકોર્ન માર્કેટ 2024 થી 2030 સુધી 12.1 ટકાના દરે વધવાની ધારણા છે.
કેમ વધી રહ્યું છે પોપકોર્નનું બજાર?
દેશમાં પોપકોર્નના વધતા વપરાશનું મુખ્ય કારણ સામાન્ય લોકોનું મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘરોમાં જવાનું વધેલું વલણ છે એટલું નહી બીજી તરફ ઘરમાં પણ તેનો વપરાશ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. ખાસ કરીને જ્યારે ઘરના બધા લોકો સાથે બેસીને ઘરમાં ફિલ્મ કે ક્રિકેટ મેચ જુએ છે ત્યારે પોપકોર્ન ખાવાનું વધુ પસંદ કરે છે. ડેટા પર નજર કરીએ તો 2021 માં, રેડી-ટુ-ઈટ (RTE) કેટેગરીમાં પોપકોર્ન સૌથી વધુ આવક રળતી પ્રોડક્ટ હતું જ્યારે માઇક્રોવેવ પોપકોર્ન સૌથી ઝડપથી વિકસતી સેગમેન્ટ છે. જો આપણે વિક્રેતાઓ વિશે વાત કરીએ તો ભારતનું મલ્ટિપ્લેક્સ PVR દરરોજ સરેરાશ 18,000 પોપકોર્ન ટબનું વેચાણ કરે છે. ભારતમાં લગભગ 80 ટકા મલ્ટિપ્લેક્સને પોપકોર્ન માટે મકાઈના દાણા બાનાકો સપ્લાય કરે છે.
વૈશ્વિક બજાર પણ નાનું નથી
બીજી તરફ વૈશ્વિક બજારની વાત કરીએ તો તે પણ નાનું નથી. મોર્ડોર ઈન્ટેલિજન્સનાં રિપોર્ટ અનુસાર વર્ષ 2024માં પોપકોર્નનું માર્કેટ 8.80 અબજ ડોલર એટલે કે લગભગ 75 હજાર કરોડ રૂપિયાનું છે. જે વર્ષ 2029 સુધીમાં 14.89 અબજ ડોલર એટલે કે 1.26 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે. વૈશ્વિક પોપકોર્ન માર્કેટ 2024 થી 2029 સુધી 11.10 ટકા વધી શકે છે. પોપકોર્નનું સૌથી મોટું બજાર ઉત્તર અમેરિકા છે. જ્યારે પોપકોર્નનું સૌથી ઝડપથી વિકસતું બજાર એશિયા પેસિફિક છે. વૈશ્વિક સ્તરે પોપકોર્નના મોટા ખેલાડીઓમાં હર્શીઝ, પેપ્સીકો, પોપ વીવર, કોનાગ્રા વગેરેનો સમાવેશ થાય છે.
સરકારે પોપકોર્નને ટેક્સના દાયરામાં લાવી
GST કાઉન્સિલે પોપકોર્નને GSTના દાયરામાં લાવ્યું છે. GST કાઉન્સિલે પોપકોર્નને ફ્લેવર અનુસાર GSTના અલગ-અલગ સ્લેબમાં મૂક્યા છે. સામાન્ય મીઠું અને મસાલા સાથે તૈયાર કરાયેલ પોપકોર્ન, જે પેકેજ્ડ અને લેબલ નથી, તેના પર 5 ટકા જીએસટી લાગશે. જ્યારે પૉપકોર્ન જે પેકેજ્ડ અને લેબલ છે તેના પર GST દર 12 ટકા રહેશે. કેરામેલ જેવી ખાંડમાંથી તૈયાર કરાયેલા પોપકોર્નને 18 ટકા ટેક્સ સ્લેબ હેઠળ રાખવામાં આવ્યા છે.