લાંબા સમયથી ભારતીય વાયુસેના ઘટતી જતી ફાઇટર સ્ક્વોડ્રનના પડકાર સાથે સંઘર્ષ કરી રહી છે. બે મોરચાના યુદ્ધની શક્યતાઓને કારણે હાલમાં સ્વીકૃત સંખ્યા 42 સ્ક્વોડ્રન છે. પરંતુ નવા જહાજો આવતા નથી અને જૂના જહાજો સેવામાંથી બહાર જઈ રહ્યા છે. આવા મુશ્કેલ સમયમાં પીએમ મોદીએ ભારતીય વાયુસેનાને ચોક્કસ રાહત આપી છે.
ભારત સરકારની સુરક્ષા બાબતોની કેન્દ્રીય કેબિનેટ સમિતિ (CCS) એ એક મોટો નિર્ણય લેતા વાયુસેના માટે 12 સુખોઈ-30 ફાઈટર વિમાનોની ખરીદીને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રાલયે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે રૂ. 13500 કરોડના સોદા પર પણ હસ્તાક્ષર કર્યા છે. આ ફાઈટર જેટ્સનું ઉત્પાદન ભારતમાં રશિયન લાયસન્સ હેઠળ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ જેટનું ઉત્પાદન HALની નાસિક ફેક્ટરીમાં કરવામાં આવશે અને તેમાં 62.6 ટકા પાર્ટ્સ સ્વદેશી હશે. આ ફેક્ટરીમાં રશિયાના લાયસન્સ હેઠળ પહેલા મિગ અને પછી સુખોઈ-30 ફાઈટર જેટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.
ભારતે 1990ના દાયકામાં 272 સુખોઈ-30 ફાઈટર જેટ માટે રશિયા સાથે સોદો કર્યો હતો, જેમાંથી કેટલાકનું ઉત્પાદન સીધું રશિયાથી કરવામાં આવ્યું હતું અને બાકીનું ઉત્પાદન HAL દ્વારા ભારતમાં કરવામાં આવ્યું હતું. 13 સુખોઈ એરક્રાફ્ટ પણ ક્રેશ થયા જેના કારણે 272 સુખોઈ-30ની સંખ્યા હવે ઘટીને 259 થઈ ગઈ છે. આ કમીને પૂર્ણ કરવા માટે 12 વધારાના સુખોઈ-30 જેટ માટેના સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ભારતીય વાયુસેનામાં હાલમાં 13 સ્ક્વોડ્રન છે. ભારતીય વાયુસેના પાસે સૌથી વધુ સુખોઈ-30 ફાઈટર જેટ છે. બે સીટ અને બે એન્જીન ધરાવતું આ જેટ મેક 2ની ઝડપે ઉડી શકે છે અને એકધારુ 3000 કિમી સુધીનું અંતર કાપી શકે છે. સુખોઈ ફાઈટર જેટને બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ કરવામાં આવ્યા છે. તેમાં 12 પોડ છે જેમાં વિવિધ પ્રકારની મિસાઈલ અને બોમ્બ લગાવી શકાય છે. સુખોઈ કુલ 8000 કિલો વજનના હથિયારો લઈ જઈ શકે છે. આ મલ્ટી-રોલ ફાઈટરજેટમાં એર-ટુ-એર અને એર-ટુ-ગ્રાઉન્ડ હથિયારો લગાવી શકાય છે.
ભારતીય વાયુસેના ઘણા વખતથી ફાઇટર સ્ક્વોડ્રનની અછત સાથે સંઘર્ષ કરી રહી છે. હાલમાં એરફોર્સ માટે 42 સ્ક્વોડ્રન સવીકૃત છે તેને બદલે એરફોર્સ પાસે માત્ર 31 સ્ક્વોડ્રન બચી છે. આ અછતને પૂર્ણ કરવા માટે 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી છે. બાકીની કમી સ્વદેશી ફાઈટર જેટ તેજસ દ્વારા કરવામાં આવશે. પરંતુ અમેરિકાથી તેજસમાં વપરાતા એન્જીન આવવામાં વિલંબને કારણે આ કમી ભરવામાં વધુ વિલંબ થઈ રહ્યો છે.
નિષ્ણાતોના મતે, સ્ક્વોડ્રનની સંખ્યા 31 થી વધારીને 42 કરવામાં 15 વર્ષથી વધુનો સમય લાગી શકે છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર આ વિલંબ ઓછો થઈ શકે તે માટે કાર્યરત છે. રાફેલની ખરીદી અને હવે સુખોઈની ડીલ એનું ઉદાહરણ છે.