કોંગ્રેસ પાર્ટીએ પ્લેસ ઓફ વર્શીપ એક્ટના સમર્થનમાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ કાયદાને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓમાં તેનો પક્ષ સાંભળવામાં આવે એવી પણ માંગ કોંગ્રેસે કરી છે. પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સંસદે આ કાયદો 1991માં જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે પસાર કર્યો હતો. તેમની પાસે જનતા દળ સાથે ગૃહમાં બહુમતી હતી.
જો કે આ કાયદો પહેલાથી જ કોંગ્રેસના મેનિફેસ્ટોનો એક ભાગ રહ્યો છે. પાર્ટીએ કહ્યું છે કે ગૃહમાં આ કાયદો રજૂ કરવામાં અને પસાર કરવામાં તેના ચૂંટાયેલા સભ્યોની ભૂમિકા હતી. તેથી તેને પણ આ કાયદાને પડકારતી અરજીઓ સામે પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળવી જોઈએ.
કોંગ્રેસે અરજદારોના ઈરાદા પર ઉઠાવ્યા સવાલો
કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ ભારતના ધર્મનિરપેક્ષ માળખાને અનુરૂપ છે. આ કાયદાને પડકારતી અરજીઓનો વિરોધ કરતા કોંગ્રેસે અરજદારોના ઈરાદા પર સવાલો ઉઠાવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પ્લેસ ઓફ વર્શીપ એક્ટમાં કોઈપણ ફેરફાર દેશના સામાજિક સદ્ભાવના અને બિનસાંપ્રદાયિક માળખાની વિરુદ્ધ હશે અને રાષ્ટ્રની એકતા/અખંડિતતાને નુકસાન પહોંચાડશે.
#BREAKING Congress party files application in #SupremeCourt supporting the Places of Worship (Special Provisions) Act, 1991.@INCIndia says PoW Act is essential for communal harmony.
— Live Law (@LiveLawIndia) January 16, 2025
Congress submits that PoW Act does not violate the freedom of religion. pic.twitter.com/ZqDHwMzXn5
SCમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટનો વિરોધ કરતી યાચિકાઓ
1991નો આ કાયદો કહે છે કે કોઈપણ ધાર્મિક સ્થળનું સ્વરૂપ સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ 1947ના દિવસે જેવું હતું તેવું જ રહેશે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ કાયદાના સમર્થનમાં અને વિરૂદ્ધ ઘણી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ પૈકી વિશ્વ ભદ્ર પૂજારી પુરોહિત મહાસંઘ, ડૉ. સુબ્રમણ્યમ સ્વામી, અશ્વિની ઉપાધ્યાય, કરુણેશ શુક્લા, અનિલ ત્રિપાઠીએ આ કાયદાને પડકાર્યો છે.
તેમની અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદો જે જગ્યાએ બળજબરીપૂર્વક મસ્જિદો, દરગાહ કે ચર્ચ બનાવી દેવામાં આવ્યા હતા પોતાના તે પવિત્ર સ્થળોને હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયોને પોતાના પવિત્ર સ્થળો તરીકે દાવો કરતા અટકાવે છે. ન્યાય મેળવવા માટે કોર્ટમાં આવવાના અધિકારથી વંચિત રાખવું એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.
SCમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટનું સમર્થન કરતી યાચિકાઓ
જમીયત ઉલેમા-એ-હિંદ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, બનારસની જ્ઞાનવાપી અને મથુરાની ઈદગાહ સમિતિ, આરજેડી નેતા મનોજ ઝા, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા પ્રકાશ કરાત, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર જુલિયો રિબેરો અને અન્યોએ આ કાયદાનું સમર્થન કરતી અરજીઓ દાખલ કરી છે.
ધાર્મિક સ્થળોના વિવાદ પર શું છે સ્થિતિ?
12 ડિસેમ્બરે થયેલી છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે કેસ પેન્ડિંગ છે ત્યાં સુધી દેશમાં ધાર્મિક સ્થળો પરના દાવા સંબંધિત કોઈ નવા કેસની સુનાવણી નીચલી અદાલતો કરશે નહીં. આટલું જ નહીં, ઘણી મસ્જિદો અને દરગાહ પરના દાવા અંગે વિવિધ અદાલતોમાં પેન્ડિંગ વિવિધ કેસોમાં અદાલતો કોઈ અસરકારક આદેશ આપશે નહીં. ત્યારબાદ કોર્ટે કેન્દ્ર સરકારને 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું હતું.