કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. બિહારના મુઝફ્ફરપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘Poor Lady’ કહીને બોલાવવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે 10મી ફેબ્રુઆરીએ સુનાવણી થશે.
સુધીર ઓઝા નામના વકીલે શનિવારે CGM કોર્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘Poor Lady’ કહીને બોલાવવા બદલ સોનિયા ગાંધી (Sonia Gandhi) વિરુદ્ધ ફરિયાદ કરી હતી. કોર્ટે તેનો સ્વીકાર કર્યો હતો. આ કેસની સુનાવણી 10 ફેબ્રુઆરીએ થશે. અરજદારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના નામ પણ સહ-આરોપી તરીકે આપ્યા છે અને તેમની સામે પણ કાનૂની કાર્યવાહીની માંગ કરી છે.
Complaint filed against Sonia Gandhi in Bihar court for remark on President.https://t.co/aIdQRyWp5q
— The Hindu (@the_hindu) February 2, 2025
અરજી કર્તા વકીલે શું કહ્યું?
અરજીકર્તા સુધીરે કહ્યું કે સોનિયા ગાંધીએ ‘Poor Lady’ કહીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે. બજેટ સત્ર દરમિયાન તેમના સંબોધન પછી રાષ્ટ્રપતિ પર સોનિયા ગાંધીએ કરેલી ટિપ્પણી અત્યંત વાંધાજનક હતી. ઓઝાએ કહ્યું કે રાષ્ટ્રપતિ એક મહિલા છે અને આદિવાસી સમુદાયમાંથી આવે છે, તેમના વિરુદ્ધ આ ટિપ્પણી આપત્તિજનક છે. કોર્ટે સુનાવણી માટે 10 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.

સોનિયાએ રાષ્ટ્રપતિને ‘Poor Lady’ કહ્યા હતા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પછી સોનિયા ગાંધીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું, ‘Poor lady was tired at the end.’ રાહુલ ગાંધીએ પણ રાષ્ટ્રપતિના સંબોધનને બોરિંગ ગણાવ્યું હતું. સોનિયા ગાંધીના આ નિવેદનથી રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ભાજપે સોનિયાની ટિપ્પણીની સખત નિંદા કરી હતી. પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. રાષ્ટ્રપતિ ભવને તેને દુર્ભાગ્યપૂર્ણ અને ગરિમાનું હનન કરતી ટિપ્પણી ગણાવી હતી.

સોનિયા ગાંધીની ટિપ્પણી પર PM મોદીએ શું કહ્યું?
સોનિયા ગાંધીની ટિપ્પણીને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે દેશે ફરીથી કોંગ્રેસના રાજવી પરિવારનો ઘમંડ જોયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ સંસદને સંબોધિત કર્યું. તેમણે દેશવાસીઓને સિદ્ધિઓ અને વિકસિત ભારતના વિઝન વિશે જણાવ્યું. હિન્દી તેમની માતૃભાષા નથી, છતાં તેમણે ખૂબ જ ઉત્કૃષ્ટ ભાષણ આપ્યું. પરંતુ કોંગ્રેસનો રાજવી પરિવાર તેમનું અપમાન કરવા પર ઉતરી આવ્યો છે. તેઓએ રાષ્ટ્રપતિને Poor thing, બિચારી, ચીજ, થાકેલા કહ્યા. આ દેશના આદિવાસી ભાઈ-બહેનોનું અપમાન છે.
