- લદ્દાખ સરહદે તણાવ વખતે ચીને ભારતના પાવર સપ્લાયને નિશાન બનાવ્યો હતો.
- ભારતની સપ્લાય લાઈન, બેંકો, પાવર પોઈન્ટ્સ, આઈટી કંપનીઓને ટાર્ગેટ બનાવ્યા હતા.
- ઑક્ટોબર મહિનામાં ચાઈનીઝ હેકર્સે 40500 સાયબર એટેક કર્યા હતા.
લદ્દાખના સરહદ તણાવ વખતે ચીનની મેલી મુરાદ આવી સામે
અમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સના અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે ભારત ચીન વચ્ચે લદ્દાખ સરહદે તણાવની સ્થિતિ ચાલી રહી હતી ત્યારે ચીન પોતાના હેકર્સની મદદથી ભારતમાં અંધારપટ સર્જવાની ફિરાકમાં હતું. અભ્યાસમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ઑક્ટોબર મહિનામાં માત્ર પાંચ જ દિવસમાં ચીને તેના હેકર્સો દ્વારા ભારતની પાવર ગ્રીડ, બેકિંગ સેક્ટર તથા આઈટી કંપનીઓ ઉપર લગભગ 40,500 સાયબર હુમલા કરાવ્યા હતા. સ્ટડીમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ગલવાનમાં જૂનમાં થયેલી સશસ્ત્ર અથડામણના ચાર મહિના બાદ 12મી ઑક્ટોબરે મુંબઈમાં થયેલા બ્લેક આઉટમાં ચીનનો જ હાથ હતો.
12મી ઑક્ટોબરે મુંબઈમાં શું થયું હતું ?
12મી ઑક્ટોબર 2020નો દિવસ મુંબઈના ઈતિહાસમાં કદી નહીં વિસરાય કારણ કે કદી ન રોકાતુ મુંબઈ શહેર સ્થિર થઈ ગયું હતું. આ દિવસે સવારે વહેલા અચાનક જ સમગ્ર મુંબઈ શહેરમાં બંધ થઈ જતા અંધારપટ છવાયો હતો અને સનસનાટી ફેલાઇ ગઇ હતી. એક તરફ કોરોના સામે બાથ ભીડી રહેલા મુંબઈની હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સ કામ કરતા બંધ થઈ ગયા. હોસ્પિટલોમાં, ઓફિસોમાં વિજળી ડૂલ થઈ ગઈ બધે જ અંધારપટ છવાઇ ગયો. જોકે 2 કલાકની અવિરત જહેમત બાદ વિજળી સપ્લાયને પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. મુંબઈના આ અંધારપટ ફેલાવવા પાછળ ચીનના હેકર્સ જવાબદાર હતા એવું ન્યુયોર્ક ટાઈમ્સના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.
ચાઈનીઝ સાયબર હુમલાનું પરિણામ હતું મુંબઈ અંધારપટ ?
આ અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈનો અંધારપટ એ ભારતની પાવર ગ્રીડ વિરુદ્ધ ચીન દ્વારા ચલાવવામાં આવી રહેલા વ્યાપક સાયબર અભિયાનનો ભાગ જ હતો. ચીન એવું કશુંક બતાવી ફિરાકમાં હતું કે જો ભારત સરહદે ચીન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે તો તે ભારતમાં પાવર ગ્રીડ પર માલવેર હુમલો કરીને પાવર સપ્લાય ખોરવી નાખી શકે છે. આ અભ્યાસમાં એવું જણાવવામાં આવ્યું છે કે એ વખતે ચાઈનીઝ માલવેર ભારતમાં વિજળીના સપ્લાયને નિયંત્રિત કરતી પ્રણાલીમાં ઘુસણખોરી કરી ચુક્યો હતો જેમાં હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન સબસ્ટેશન અને થર્મલ પાવર સ્ટેશન પણ સામેલ હતા.
અમેરિકન સાયબર સિક્યુરિટી કંપનીનો દાવો ભારતીય વિજળી સપ્લાયની લાઈનમાં ચીની માલવેર
રેકોર્ડેડ ફ્યુચર નામની અમેરિકન સાયબર સિક્યુરિટી કંપનીએ પોતાના રિપોર્ટમાં ભારતના વિજળી સપ્લાયના લાઈનમાં ચીનની ઘુસણખોરીનો દાવો કરવામાં આવ્યો છે. જોકે સરકારી કંપનીઓ સાથે રહીને ઈન્ટરનેટના ઉપયોગ વિશે અભ્યાસ કરતી આ કંપનીને એવું કહેવામાં આવ્યું કે ચાઈનીઝ માલવેર કદી સક્રિય નહોતા થયા. રેકોર્ડેડ ફ્યુચર કંપનીના સીઈઓ સ્ટુઅર્ટ સોલોમને જણાવ્યું હતું કે ચીનની સરકારી હેકર્સની રેડ ઈકો નામની સંસ્થાએ ભારતના એક ડઝન જેટલા પાવર જનરેશન અને ટ્રાન્સમિશન લાઈનમાં ઘુસણખોરી કરવા માટે હેકિંગની એડવાન્સ સાયબર ટેકનિકનો ખુબ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન જ મુંબઈમાં વિજળીનો સપ્લાય ખોરવાયો હતો જોકે એવું સાબિત નહોતું કરી શકાયું કે આ સાયબર હુમલો હતો કે નહીં.