- ચુંટણી પંચે બિહાર વિધાનસભા ચુંટણીની તારીખો જાહેર કરી.
- ત્રણ ચરણમાં થશે મતદાન.
- કોરોના મહામારી અંગે ચુંટણી પંચના વિસ્તૃત દિશાનિર્દેશ
ચુંટણી પંચે બિહાર વિધાનસભા ચુંટણીની તારીખો જાહેર કરી
બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ત્રણ ચરણોમાં યોજાશે. આ અંગેની જાહેરાત આજે મુખ્ય ચુંટણી આયુક્ત સુનિલ અરોરાએ અન્ય ચુંટણી આયુક્તોની હાજરીમાં કરી હતી.
ત્રણ ચરણોમાં યોજાશે મતદાન
ચુંટણી પંચે કરેલી જાહેરાત મુજબ બિહાર વિધાનસભા ચુંટણી ત્રણ ચરણોમાં યોજાશે. તારીખ 28 ઓક્ટોબરે પ્રથમ ચરણમાં 71 વિધાનસભા બેઠકો માટે, દ્વિતીય ચરણમાં 94 વિધાનસભા બેઠકો માટે 3 નવેમ્બરે અને ત્રીજા તથા અંતિમ ચરણમાં 78 વિધાનસભા બેઠકો માટે 7 નવેમ્બરે ચુંટણી યોજાશે.
મતગણતરી નવેમ્બર મહિનામાં
ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ત્રણ ચરણોમાં થયેલી ચુંટણીની મતગણતરી નવેમ્બર મહિનાની 10 તારીખે થશે એવી જાહેરાત ચુંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.
કોરોના મહામારી અંગે વિસ્તૃત દિશાનિર્દેશ ચુંટણી પંચે આપ્યા
વિશ્વમાં ચાલી રહેલી તથા ભારતમાં પણ ગંભીર બનતી જતી કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને ચુંટણી પંચે વિશેષ દિશાનિર્દેશ આપ્યા છે. ચુંટણી પંચે આપેલા દિશાનિર્દેશમાં ચુંટણી સાથે જોડાયેલા કર્મચારીઓ, રાજકીય પક્ષો, ઉમેદવારો, મતદાતાઓ, રાજકીય પક્ષોના સમર્થકોએ સમગ્ર ચુંટણી પ્રક્રિયા દરમિયાન માસ્ક પહેરવો અનિવાર્ય હશે. આ ઉપરાંત સેનેટાઈઝરનો ઉપયોગ, ગ્લોવ્ઝનો ઉપયોગ વગેરે વિશે દિશાનિર્દેશ આપ્યા છે.
ચુંટણી ઉમેદવારો માટે મહત્વપૂર્ણ દિશાનિર્દેશ
ચુંટણી પંચે ચુંટણી લડતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ દિશાનિર્દેશ આપ્યા છે. ઉમેદવારે ડોર ટુ ડોર પ્રચારમાં પોતાના સિવાય સાથે માત્ર 4 વ્યક્તિને રાખી શકશે,. નામાંકન કરાવવા જતી વખતે પોતાની સાથે બે વ્યક્તિ તથા બે જ ગાડીઓ લઈને જવાની પરવાનગી રહેશે. આ ઉપરાંત જાહેર સભા, મીટીંગો કરવા માટે ગૃહમંત્રાલય તથા રાજ્યના કોરોના સંબંધિત નિર્દેશો અનુસાર અનુમતિ આપવામાં આવશે. રોડ-શો માં 5-5 ગાડીઓ વચ્ચે અડધા કલાકનું અંતર રાખવાનું રહેશે. આ વખતે પ્રથમ વખત ચુંટણી જામીનની રકમ ઓનલાઇન ભરવાની છુટ આપવામાં આવી છે.
કોરોના પોઝિટિવ વ્યક્તિ માટે અલગ વ્યવસ્થા
વૈશ્વિક કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કોરોના પોઝિટિવ દર્દીઓ માટે અલગ સમયે મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા અનુસાર કોરોના સંક્રમિત વ્યક્તિ સાંજે છેલ્લા બે કલાક દરમિયાન મતદાન કરી શકશે. આ દરમિયાન સ્વાસ્થ્ય અધિકારી ઉપસ્થિત રહેશે જેથી કોરોના મહામારી અંગે વિસ્તૃત દિશાનિર્દેશનું પાલન કરી શકાય.
સંદિગ્ધ કોરોના સંક્રમિત વ્યક્તિ માટે નિર્દેશ
કોઈ મતદાતા કોરોના સંક્રમિત રિપોર્ટ ધરાવતા નથી પરંતુ તેનું શારિરીક તાપમાન સ્વાસ્થ્ય મંત્રાલયે નક્કી કરેલા તાપમાન કરતા વધુ હશે તેવા મતદાતાઓને ટોકન/સર્ટીફીકેટ આપવામાં આવશે અને તેમને તેમને મતદાનના અંતિમ કલાકમાં બોલાવવામાં આવશે. આ ઉપરાંત ખાસ બાબત એ છે કે ચુંટણી પંચે કોરોના સંક્રમિત અને સંદિગ્ધ મતદાતાઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
પોસ્ટલ બેલેટમાં 4 કેટેગરીના મતદાતાઓ
પોસ્ટલ બેલેટથી મતદાન કરનારા મતદાતાઓ 4 કેટેગરીમાં હશે.
1. દિવ્યાંગ મતદાતાઓ
2. 80 વર્ષથી ઉપરની આયુ ધરાવતા મતદાતાઓ
3. આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા મતદાતાઓ
4. કોરોના સંક્રમિત અને સંદિગ્ધ મતદાતાઓ.
વર્તમાન વૈશ્વિક કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચુંટણી પંચે કોરોના પોઝિટિવ તથા સંદિગ્ધ મતદાતાઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
બિહાર વિધાનસભાની વર્તમાન પક્ષ મુજબ સ્થિતિ
વર્તમાન સમયમાં બિહારમાં NDA નું શાસન છે. આ પહેલાની ચૂંટણી 7 ચરણોમાં યોજાઈ હતી. છેલ્લી ચુંટણીમાં NDA ગઠબંધનને 59 બેઠકો મળી હતી જેમાં ભાજપને 54, રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીને 2, આરએલએસપી ને 1 તથા હિંદુસ્તાન અવામ મોરચાને 1 બેઠક મળી હતી. સામે ચુંટણી જીતવામાં સફળ મહાગઠબંધન રહ્યું હતું જેમાં નિતિશકુમારના નેતૃત્વમાં જેડીયુને 80 બેઠકો, લાલુપ્રસાદ યાદવની આરજેડીને 70 બેઠકો તથા કોંગ્રેસને 26 બેઠકો મળી હતી. છેલ્લી ચુંટણીમાં વર્તમાન જેડીયુ NDA નો હિસ્સો નહોતું. મહાગઠબંધનની સરકાર લાંબો સમય સુધી ટકી શકી નહોતી અને નિતિશકુમારે મહાગઠબંધનથી છેડો ફાડીને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.
વર્તમાન રાજકીય સ્થિતિ
વર્તમાનમાં એનડીએની સરકાર બિહારમાં છે જોકે એનડીએમાં બધું જ સમુંસૂતરું ચાલતું હોય એવું દેખાતું નથી. રામવિલાસ પાસવાનની એલજેપી બેઠકોની વહેંચણીના મુદ્દે આડી ચાલી રહી છે. સામે મહાગઠબંધનના નેતા ગણાતા લાલુપ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડમાં જેલમાં બંધ છે અને તેમના બંને પુત્રો વચ્ચે સત્તાનો સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ રાજ્યમાં ક્યાં છે એ પ્રશ્ન છે.