યુરોપનો આ નાનકડો દેશ હવે શસ્ત્રો માટે ભારત પર નિર્ભરતા વધારી રહ્યો છે. અગાઉ તે આ માટે મોટાભાગે રશિયાપર નિર્ભર રહેતું હતું. 30 લાખની વસ્તીવાળા આ દેશના વલણમાં પરિવર્તન 2020ના તેના અને અઝરબૈજાન વચ્ચે થયેલા યુદ્ધ પછી આવ્યું છે. આ એ સમ્ય હતો જ્યારે તે દેશને રશિયાના સમર્થનની આવશ્યકતા હતી પરંતુ તેને રશિયા તરફથી સંપૂર્ણ સમર્થન ન મળ્યું.
રશિયા તરફથી પુર્ણરુપે સમર્થન ન મળતા અગાઉ જેને માટે આ દેશ મોટાભાગે રશિયા પર નિર્ભર રહેતો હતો તે યુરોપનો આ નાનકડો દેશ હવે પોતાની સેનાના શસ્ત્રો માટે ભારત ઉપર નિર્ભરતા વધારી રહ્યો છે. માત્ર 30 લાખની વસ્તીવાળા આ દેશના વલણમાં પરિવર્તન 2020ના યુદ્ધ પછી આવ્યું છે. આ દેશ છે યુએસએસઆરથી છુટા પડેલા દેશોમાંનો એક આર્મેનિયા.
2011 થી 2020 દરમિયાન આર્મેનિયાએ તેના કુલ શસ્ત્રોના 94% શસ્ત્રો રશિયાથી આયાત કર્યા હતા આમ જોતા આર્મેનિયા લાંબા સમયથી શસ્ત્રો અને સંરક્ષણ સાધનો માટે રશિયા પર નિર્ભર હતો. આર્મેનિયા જે શસ્ત્રો રશિયાથી આયાત કરતો હતો તેમાં ઈસ્કેન્ડર મિસાઈલ સિસ્ટમ, Su-30SM ફાઈટર જેટ, એર ડિફેન્સ સિસ્ટમ જેવા શસ્ત્રોનો સમાવેશ થાય છે. પરંતુ 2020 માં આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન રશિયાએ આર્મેનિયાની અપેક્ષા મુજબ મદદ ન કરતા આર્મેનિયાએ રશિયામાં વિશ્વાસ ગુમાવવાનું શરૂ કર્યું.
2020 માં આર્મેનિયા અને આઝરબૈજાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન રશિયાના અભિગમ બાદ આર્મેનિયાએ તેની સંરક્ષણ જરૂરિયાતો માટે વૈકલ્પિક ભાગીદારો શોધવાનું શરૂ કર્યું અને ભારત તરફ વળ્યું અને ભારત સાથે તેની મહત્વપૂર્ણ ભાગીદારી 2020 માં શરૂ થઈ. આર્મેનિયાએ ભારત સાથે $2 બિલિયનના સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કર્યા. આ કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વર્ષોવર્ષ મજબૂત થતા ગયા. તેના પાડોશીઓ ખાસ કરીને અઝરબૈજાન તરફથી ખતરાને ધ્યાનમાં રાખીને આર્મેનિયા ભારત પાસેથી અદ્યતન શસ્ત્રો ખરીદી રહ્યું છે.
તાજેતરમાં નાણા મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે ભારતની પિનાકા મલ્ટીપલ-લોન્ચ રોકેટ સિસ્ટમ અને આકાશ એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ માટે આર્મેનિયા વચ્ચે સોદો થયો અને આ સોદા બાદ આર્મેનિયા ભારતમાંથી હથિયારોની આયાત કરતો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો છે. આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2024-25ની શરૂઆતમાં આર્મેનિયા દ્વારા ભારત પાસેથી કરવામાં આવતી હથિયારોની કુલ ખરીદી $600 મિલિયન સુધી પહોંચી ગઈ છે.
ભારતની પિનાકા સિસ્ટમ તેની શ્રેણી અને ચોકસાઈ માટે જાણીતી છે. પિનાકા સિસ્ટમ આર્મેનિયાની ક્ષમતાઓને અસરકારક રીતે વધારશે જ સાથે સાથે તેને પર્વતીય વિસ્તારોમાં વ્યૂહાત્મક તિક્ષ્ણતા આપશે. આર્મેનિયાએ 2022માં 15 આકાશ-1S સિસ્ટમ્સ માટે $720 મિલિયનનો ઓર્ડર આપ્યો હતો. ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા વિકસિત આ એર ડિફેન્સ સિસ્ટમનું આ પ્રથમ આંતરરાષ્ટ્રીય વેચાણ હતું, જે આ વર્ષે ડિલિવરી કરવામાં આવનાર છે. આકાશ-1 આર્મેનિયાને ફાઈટર એરક્રાફ્ટ, ગાઈડેડ મિસાઈલ અને ડ્રોન જેવા હવાઈ જોખમો સામે અસરકારક રીતે બચાવ કરવામાં સક્ષમ બનાવશે.
ડોર્નિયર-228 એરક્રાફ્ટનો પુરવઠો આર્મેનિયાની જાસૂસી અને દેખરેખ ક્ષમતામાં વધારો કરશે, જેનાથી તે તેના એરસ્પેસનું વધુ અસરકારક રીતે નિરીક્ષણ અને નિયંત્રણ કરી શકશે. ભારતે આર્મેનિયાને એન્ટી-ટેન્ક ગાઈડેડ રોકેટ, બુલેટ-પ્રૂફ જેકેટ્સ, નાઈટ-વિઝન ગોગલ્સ, આર્ટિલરી અને દારૂગોળો અને અદ્યતન હથિયાર-શોધ રડાર પણ પૂરા પાડ્યા છે.
આર્મેનિયાને શસ્ત્રો વેચવાથી ભારત માત્ર આર્થિક રીતે જ મજબૂત નથી બની રહ્યું પરંતુ આ ભાગીદારી બંને દેશોની ભૌગોલિક રાજનીતિક વ્યૂહરચનાનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ દક્ષિણ કાકેશસમાં તેનો પ્રભાવ વધારવાનો અને પાકિસ્તાન અને તુર્કીના પ્રભાવને સંતુલિત કરવાનો છે. પાકિસ્તાન અને તુર્કીના અઝરબૈજાન સાથે સારા સંબંધો છે. પાકિસ્તાને 2020ના યુદ્ધ દરમિયાન અઝરબૈજાનનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. આવી સ્થિતિમાં આર્મેનિયા સાથે ભારતની ભાગીદારી કુદરતી સંતુલનનું કામ કરે છે.