ભારતીય અસ્મિતાના પ્રતિક એવા ભગવાન શ્રીરામ અને રામાયણને કલ્પના કહેનારાઓને ચીની વિદ્વાનોએ મોટો ઝટકો આપ્યો છે. તેમના જણાવ્યા મુજબ ભગવાન શ્રીરામ અને રામાયણ કલ્પના નથી તે વાસ્તવિક અને અધિકૃત છે. ચીને ભગવાન શ્રી રામના પગના નિશાન શોધી કાઢ્યા છે. એટલું જ નહી ચીનના વિદ્વાનોએ બૌદ્ધ ધર્મમાં પણ ભગવાન શ્રી રામના અસ્તિત્વને સ્વીકાર્યું છે.
ભગવાન શ્રી રામ અને તેમની રામાયણ ગાથાને કાલ્પનિક કહેનારાઓ વામપંથી, હિંદુ વિરોધીઓને અગાઉ નાસા સહિત અન્ય ઘણા અહેવાલોમાં ઝટકા મળી ચુક્યા છે ત્યારે હવે ચીની વિદ્વાનોએ પણ ભગવાન શ્રી રામના પગના નિશાનો શોધવાનો દાવો કરીને ભગવાન શ્રીરામના અસ્તિત્વની પુષ્ટિ કરી છે. ચીની વિદ્વાનોના આ દાવાથી ભારતીય ઈતિહાસ, ભગવાન શ્રીરામ અને રામાયણને કાલ્પનિક કહેનારાઓને ઝટકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે શ્રી રામ સેતુ સહિત અન્ય પુરાવાઓ દ્વારા ભગવાન શ્રી રામનું અસ્તિત્વ સાબિત થઈ ચુક્યુ જ છે.
શનિવારે બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત “રામાયણ – અ ટાઇમલેસ ગાઇડ” સિમ્પોઝિયમમાં લાંબા સમયથી ધાર્મિક પ્રભાવો પર સંશોધનની રુચિ ધરાવતા ચાઇનીઝ વિદ્વાનોએ એ ઐતિહાસિક માર્ગો કે જેના દ્વારા રામાયણ ચીન અને ચીનની સંસ્કૃતિ સુધી પહોંચી અને તેની અસર ચીની લોકો ઉપર પડી હતી તે અંગે સ્પષ્ટ રજૂઆત કરી હતી. ચીનના વિદ્વાનોએ કહ્યું છે કે ચીન પાસે સદીઓથી બૌદ્ધ ધર્મગ્રંથોમાં રહેલી રામાયણની વાતો છે. ચીની વિદ્વાનોની રજુઆત કદાચ પ્રથમ વખત ચીનના ઈતિહાસમાં હિંદુ ધર્મના પ્રભાવન ઉપર પ્રકાશ પાડે છે. ચીનના વિદ્વાનો માત્ર અહીં જ ન અટક્યા તેમણે તેમના સંશોધન દરમિયાન ભગવાન શ્રી રામના પગના નિશાનો શોધવાનો અધિકૃત દાવો કર્યો છે.
સિંઘુઆ યુનિવર્સિટી ખાતે ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ એન્ડ એરિયા સ્ટડીઝના પ્રોફેસર અને ડીન ડૉ. જિયાંગ જિંગકુઈએ જણાવ્યું હતું કે, “આ શોધથી ધાર્મિક અને બિનસાંપ્રદાયિક વિશ્વને જોડતા ક્લાસિક તરીકે રામાયણની અસર વાસ્તવિકમાં અનેકગણી વધી છે.” તેમણે વધુમાં કહ્યું, “જેણે માત્ર ચાઇનીઝ (બહુમતી) હાન સંસ્કૃતિમાં જ નિશાનો નથી છોડ્યા પરંતુ ચાઇનીઝ ઝિઝાંગ (તિબેટીયન) સંસ્કૃતિની પણ પુનર્વ્યાખ્યા કરી છે અને તેને નવા અર્થો આપ્યા છે એવા આ મહાકાવ્યના ઘટકોને ચીને આત્મસાત કરી લીધા છે” ઉલીખનીય છે કે ચીન સત્તાવાર રીતે તિબેટને ઝિઝાંગ કહે છે.
જિયાંગે આગળ કહ્યું “આ સાંસ્કૃતિક પ્રવાસ અને અનુકૂલન ક્લાસિક અને દુન્યવી પ્રશિક્ષણ તરીકે રામાયણની નિખાલસતા અને સુગમતા દર્શાવે છે.” ચીનમાં રામાયણને લગતી સૌથી પ્રાચીન સામગ્રી હાન સાંસ્કૃતિક ક્ષેત્રમાં મુખ્યત્વે બૌદ્ધ ગ્રંથો દ્વારા રજૂ કરવામાં આવી હતી. તેમણે બૌદ્ધ સ્ક્રિપ્ટોના ચીની અનુવાદોને ટાંકીને કહ્યું કે, જો કે હાન સાંસ્કૃતિક ક્ષેત્રમાં સંપૂર્ણ રીતે તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. રામાયણ મહાકાવ્યના કેટલાક ભાગોને બૌદ્ધ ગ્રંથોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં “દશરથ અને હનુમાન જેવા અગ્રણી વ્યક્તિઓને બૌદ્ધ પાત્રો તરીકે ઓળખવામાં આવ્યા હતા”.
જિયાંગે કહ્યું, “રામાયણના વાસ્તવિકતાનું એક પ્રસિદ્ધ ઉદાહરણ એ છે કે હનુમાનને ઉત્તમ બૌદ્ધ નૈતિક કથાઓ સાથે ભળી ગયેલા અને બૌદ્ધ ઉપદેશોને અનુસરતા વાનર રાજા તરીકે દર્શાવવામાં આવ્યા છે.” માનવ વિશેષતાઓ સાથેના વાનર રાજા સન વુકોંગને ચાઇનીઝ સાહિત્ય અને લોકકથાઓમાં સૌથી પ્રિય અને સૌથી વધુ લોકપ્રિય વ્યક્તિઓમાંના એક છે. ચાઈનીઝ એકેડેમી ઑફ સોશિયલ સાયન્સની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજિસના પ્રોફેસર લિયુ જિયાને પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે ઘણા ચાઇનીઝ વિદ્વાનો સહમત છે કે વાનર રાજ સન વુકોંગનું પાત્ર હનુમાન સાથે મળતું આવે છે તેથી સન વુકોંગ ભારતનું જ ચરિત્ર છે.
ચીનમાં ભગવાન શ્રીરામના પદચિહ્ન
“ચીનમાં શ્રીરામના પદચિહ્ન’ વિષય પર બોલતા સિચુઆન યુનિવર્સિટીના ચાઇના સાઉથ એશિયન સ્ટડીઝ સેન્ટરના ચીફ એક્સપર્ટ અને ડેપ્યુટી ડાયરેક્ટર પ્રોફેસર કિયુ યોંગહુઇએ તેમના પ્રેઝન્ટેશનમાં ક્વાંઝોઉના મ્યુઝિયમમાં વિવિધ હિંદુ દેવતાઓના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કર્યા હતા. તેમણે ચીનના ફુજિયાન પ્રાંતમાં હિંદુ પૂજારી દ્વારા સંચાલિત બૌદ્ધ મંદિરનો ફોટો પણ દર્શાવ્યો. “મુખ્યત્વે બૌદ્ધ ધર્મ દ્વારા જ ભારતીય સંસ્કૃતિએ ચીનમાં પગ જમાવ્યો. આ કારણે ભારત-ચીન સાંસ્કૃતિક સંબંધોના ઈતિહાસમાં હિન્દુ ધર્મનું સ્થાન નહિવત છે.” તેમણે વિશેષમાં કહ્યું કે “બહુપરિમાણીય ભારતીય સંસ્કૃતિ – બૌદ્ધ અને બિન-બૌદ્ધ બંનેએ ચીનની ધરતી પર તેની છાપ છોડી છે.”
જિઆંગે તેમના ભાષણમાં એ પણ યાદ કર્યું કે સાતમી સદીના પ્રસિદ્ધ ચીની વિદ્વાન ઝુઆનઝાંગે ભારતની મુલાકાત લીધી હતી, નાલંદા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ઘણા બૌદ્ધ ગ્રંથો વાંચ્યા હતા. પોતાની યાત્રા દરમિયાન તેમણે સાંભળેલી રામાયણ કથાઓનું વિગતવાર વર્ણન પ્રદાન કરતા અનેક બૌદ્ધ ગ્રંથ તેઓ ચીનમાં લાવ્યા હતા. “જો કે ચીનમાં બૌદ્ધ ધર્મના વર્ચસ્વને લીધે રામાયણની હિંદુ પૃષ્ઠભૂમિ અને તેનું લખાણ હાન સંસ્કૃતિમાં ન તો સંપૂર્ણ રીતે અનુવાદિત થયું કે ન તો વ્યાપકપણે પ્રસારિત થયું. 1980માં જી જિયાનલિન દ્વારા સંસ્કૃત રામાયણનો ચાઈનીઝ ભાષામાં પ્રથમ અનુવાદ કરવામાં આવ્યો હતો.
જિઆંગે જણાવ્યું હતું કે, આ અનુવાદ “ચીની શિક્ષણ જગત માટે એક નોંધપાત્ર સફળતા છે જેના દ્વારા ચીની વાચકોને ભારતીય સાહિત્યિકની ક્લાકૃતિ પહોંચાડી અને ચીન-ભારત સાંસ્કૃતિક વિનિમય માટે એક નવો સેતુ સ્થાપિત કર્યો.” તેમણે જણાવ્યુ, જી જિયાનલિને ચોવીસ હજાર શ્લોકોના અનુવાદના વિશાળ કાર્ય માટે લગભગ એક દાયકા જેટલો સમય સમર્પિત કર્યો, અને તેમની આવૃત્તિ ચીનમાં રામાયણના અભ્યાસ માટે આધારશિલા બની ગઈ છે.” જિઆંગે જણાવ્યું હતું કે ટ્યુબો સામ્રાજ્યના સમયગાળા દરમિયાન રામયણ પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું હતું તે તિબેટમાં રામાયણનો પ્રભાવ વધુ વ્યાપક અને લાંબા ગાળાનો ઇતિહાસ છે. સાહિત્યિક કૃતિઓ અને નાટ્ય પ્રદર્શન દ્વારા, રામાયણ તિબેટના વિદ્વાનોમાં માત્ર તીવ્ર અભ્યાસનો વિષય જ નથી બન્યો પરંતુ તિબેટમાં સામાન્ય લોકોમાં પણ વ્યાપક લોકપ્રિયતા મેળવી છે.
આદર્શ વ્યક્તિત્વનું વર્ણન છે રામાયણ
જિયાંગે કહ્યું. “રામાયણ એક આંતર-સાંસ્કૃતિક ક્લાસિક તરીકે પ્રચંડ જીવનશક્તિ દર્શાવે છે. રામાયણ માત્ર એક મહાકાવ્ય નથી પણ આદર્શ વ્યક્તિત્વ અને આદર્શ સમાજની ગહન સમજૂતી પણ છે. તેમણે કહ્યું કે “શ્રીરામની ક્રિયાઓ અને શબ્દો તેમજ ‘રામ રાજ્ય’ની સ્થાપના દ્વારા મહાકાવ્ય ભારતીય સંસ્કૃતિમાં ‘આદર્શ’ની વિભાવનાના અનેક પરિમાણો રજૂ કરે છે.
આ ઉપરાંત સિચુઆન યુનિવર્સિટીના યિન-શી-નાન અને ગાંસુ નેશનલ યુનિવર્સિટી ફોર નેશનાલિટીઝના ઝાઉ યુયુન સહિત ઘણા ચાઇનીઝ પ્રોફેસરોએ ચીનમાં સદીઓથી રામાયણના પ્રભાવ પર પ્રસ્તુતિઓ આપી હતી. ચીનમાં થાઈલેન્ડના રાજદૂત ચટચાઈ વિરિયાવેજાકુલ અને ઈન્ડોનેશિયાના ડેપ્યુટી એમ્બેસેડર પેરુલિયન જ્યોર્જ એન્ડ્રીયાસ સિલાલાહીએ પોતપોતાના દેશોમાં રામાયણની અસર વિશે વાત કરી હતી.