ભારતીય સેનાને અત્યાધુનિક અને મજબૂત બનાવવાની પ્રક્રીયા સતત ચાલી રહી છે. આ પ્રક્રીયા અંતર્ગત આવનારા નજીકના ભવિષ્યમાં ભારતીય નૌકાદળને વધુ એક અત્યાધુનિક યુદ્ધ જહાજ મળવા જઈ રહ્યું છે. આ યુદ્ધ જહાજ 9 ડિસેમ્બરે રશિયાના કેલિનિનગ્રાડમાં ભારતને સોંપવામાં આવશે. આ મલ્ટી રોલ સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટને આઈએનએસ તુશીલ નામ આપવામાં આવ્યું છે. રશિયામાં ભારતીય યુદ્ધ જહાજની ડિલિવરી માટે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેની અધ્યક્ષતા ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કરશે. આ પ્રસંગે રશિયા અને ભારતના કેટલાક ઉચ્ચ રક્ષા અધિકારીઓ પણ હાજર રહેવાના છે.
રશિયન અને ભારતીય અત્યાધુનિક ટેકનોલોજી અને યુદ્ધ જહાજના નિર્માણનું પ્રભાવશાળી મિશ્રણ સમાન આ અત્યંત મારકણું જહાજ 125 મીટર લાંબુ અને 3900 ટન વજન ધરાવે છે. જહાજની નવી ડિઝાઇન તેને રડાર બચવાની સક્ષમતા અને વધુ સારી સ્થિરતા આપે છે. ભારતીય નૌકાદળના નિષ્ણાતો અને સવનોય ડિઝાઇન બ્યુરોના સહયોગથી જહાજની સ્વદેશી સામગ્રી વધારીને 26 ટકા સુધી કરવામાં આવી છે. અહીં ભારતમાં ઉત્પાદિત સિસ્ટમ્સની સંખ્યા બમણીથી વધીને 33 થઈ ગઈ છે.
એકવાર કાર્યરત થયા પછી, INS તુશીલ ભારતીય નૌકાદળના સ્વોર્ડ આર્મ પશ્ચિમી નૌકાદળ કમાન્ડ હેઠળના સૌથી વધુ તકનીકી રીતે અદ્યતન ફ્રિગેટ તરીકે વેસ્ટર્ન ફ્લીટમાં જોડાશે. INS તુશીલ યુદ્ધ જહાજ ભારતીય નૌકાદળની વધતી જતી ક્ષમતાઓ જ નહીં પરંતુ ભારત-રશિયા ભાગીદારીનું પણ પ્રતિક બનશે. INS તુશીલ એ અપગ્રેડે કરવામાં આવેલા પ્રોજેક્ટ 1135.6 ની ક્રિવાક-3 ક્લાસ ફ્રિગેટ છે. આમાંમા છ યુદ્ધ જહાજો પહેલેથી જ સેવામાં છે. આ છ યુદ્ધ જહાજોમાંથી તલવાર વર્ગના ત્રણ જહાજોનું નિર્માણ સેન્ટ પીટર્સબર્ગના બાલ્ટિસ્કી શિપયાર્ડમાં કરવામાં આવ્યું છે. ત્યારપછીના ત્રણ ટેગ-ક્લાસ જહાજો કેલિનિનગ્રાડનું નિર્માણ યાનતાર શિપયાર્ડમાં કરવામાં આવ્યું છે.
આ શ્રેણીનું સાતમું જહાજ INS તુશીલ છે. JSC Rosoboronexport, ભારતીય નૌકાદળ અને ભારત સરકાર વચ્ચે ઓક્ટોબર 2016માં આ માટેનો કરાર થયો હતો. કાલિનિનગ્રાડમાં જહાજના નિર્માણની કામગીરી મોસ્કોમાં ભારતીય દૂતાવાસના નેજા હેઠળ યુદ્ધ જહાજ સર્વેલન્સ જૂથના નિષ્ણાતોની ભારતીય ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે આ યુદ્ધ જહાજ શિપયાર્ડના સેંકડો શ્રમિકો અને અનેક રશિયન અને ભારતીય મૂળ ઉપકરણોના ઉત્પાદકો (OEMs)ની સતત મહેનતનું પરિણામ છે. બાંધકામ અને તૈયારી બાદ જાન્યુઆરીથી જહાજનું વ્યાપક પરીક્ષણો થયા છે. આમાં ફેક્ટરી સી ટ્રાયલ, સ્ટેટ કમિટી ટ્રાયલ અને અંતે ભારતીય નિષ્ણાતોની ટીમ દ્વારા ડિલિવરી સ્વીકૃતિ ટ્રાયલનો સમાવેશ થાય છે. જહાજ પર સ્થાપિત તમામ રશિયન સાધનો અને શસ્ત્રોનું પણ સખત પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ દરમિયાન જહાજે 30 નોટથી વધુની ઝડપ રેકોર્ડ કરી હતી. આ પરીક્ષણોની સફળતા બાદ જહાજ યુદ્ધ માટે તૈયાર સ્થિતિમાં ભારત પહોંચશે.
જહાજનું નામ તુશીલ છે. તેનો અર્થ છે રક્ષણાત્મક કવચ અને તેની ટોચ અભેદ્ય કવચનું પ્રતિનિધિત્વ કરે છે. નિર્ભય, અભેદ્ય અને બલશીલ* (નિડર, અદમ્ય, નિશ્ચય) ના સૂત્ર સાથે આ જહાજ ભારતીય નૌકાદળની દેશની દરિયાઈ સરહદોની રક્ષા અને સુરક્ષિત કરવા માટેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ જહાજના નિર્માણમાં મુખ્ય ભારતીય OEMs બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, કેલ્ટ્રોન, ટાટા ની નોવા ઈન્ટીગ્રેટેડ સિસ્ટમ્સ, એલ્કોમ મરીન, જોન્સન કંટ્રોલ્સ ઈન્ડિયા અને અન્ય ઘણા સામેલ હતા.