ભારત અને કંબોડિયા બન્ને દેશો વચ્ચે પ્રથમ વખત શરુ થયેલો આ સૈન્ય અભ્યાસ 8 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં બંને સેનાના 20-20 જવાનો ભાગ લેશે. ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ ઇન્ફન્ટ્રી બ્રિગેડના સૈનિકો કરી રહ્યા છે.
ભારતીય સેના અને કંબોડિયન આર્મી વચ્ચે સંયુક્ત ટેબલ ટોપ એક્સરસાઇઝ ‘સિનબોક્સ’ રવિવારે પૂણેમાં ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે શરૂ થઈ હતી. પ્રથમ વખત શરૂ થયેલી આ કવાયત 8 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં બંને સેનાના 20-20 જવાનો ભાગ લઈ રહ્યા છે.
ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ ઇન્ફન્ટ્રી બ્રિગેડના સૈનિકો કરે છે. ‘CINBAX’ નો ઉદ્દેશ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના પ્રકરણ VII હેઠળ સંયુક્ત આતંકવાદ વિરોધી કામગીરીની યુદ્ધ પ્રેક્ટિસ હાથ ધરવાનો છે.
સૈન્ય પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ કવાયત ઓપરેશનલ પ્લાનિંગ ઉપરાંત ગુપ્તચર માહિતી, દેખરેખ અને જાસૂસી માટે સંયુક્ત તાલીમ ટાસ્ક ફોર્સની સ્થાપના સંબંધિત ચર્ચાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. વિવિધ આકસ્મિક પરિસ્થિતિઓ પર દાવપેચ હાથ ધરીને પેટા-પરંપરાગત કામગીરીમાં લશ્કરી દળના ઉપયોગની પણ ચર્ચા કરવામાં આવશે. કવાયત દરમિયાન, માહિતી કામગીરી, સાયબર યુદ્ધ, હાઈબ્રિડ યુદ્ધ, લોજિસ્ટિક્સ અને અકસ્માત વ્યવસ્થાપન, રાહત અને બચાવ કામગીરી વગેરે પર પણ ચર્ચા કરવામાં આવશે.
તેમણે કહ્યું કે આ કવાયત ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં યુએન પીસકીપીંગ મિશન દરમિયાન આતંકવાદ વિરોધી કામગીરી માટે સહભાગીઓને તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બીજા તબક્કામાં, ટેબલ ટોપ કવાયત થશે અને ત્રીજા તબક્કામાં, યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ થીમ આધારિત તાલીમના વ્યવહારુ પાસાઓને બહાર લાવશે અને પરિસ્થિતિ આધારિત ચર્ચાઓ અને વ્યૂહાત્મક અભ્યાસો દ્વારા સહભાગીઓને પ્રક્રિયાઓ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કવાયતમાં સંરક્ષણ ઉત્પાદનમાં ‘આત્મનિર્ભરતા’ અને સ્વદેશી ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે ભારતીયમાં નિર્મિત શસ્ત્રો અને સાધનોનું પણ પ્રદર્શન કરવામાં આવશે. પ્રથમ વખત યોજાતા પ્રશિક્ષણ ‘CINBAX’ દ્વારા વિશ્વાસ, સહાનુભૂતિ વધારવા અને બંને દેશોના સૈનિકો વચ્ચે યોગ્ય સ્તરની આંતરકાર્યક્ષમતા હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ અભ્યાસ શાંતિ રક્ષા કામગીરી હાથ ધરતી વખતે બંને સેનાઓની સંયુક્ત ઓપરેશનલ કાર્યક્ષમતામાં પણ વધારો કરશે.