ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાને લઈને વડાપ્રધાન મોદીએ કડક વલણ દાખવ્યું છે. વડાપ્રધાન મોદીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે કેનેડામાં હિંદુ મંદિર પર ઈરાદાપૂર્વકના હુમલાની હું સખત નિંદા કરું છું. આમારા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ નિંદનીય છે. આવા હિંસક કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડી શકે નહીં. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે અમને આશા છે કે કેનેડાની સરકાર ન્યાય સુનિશ્ચિત કરશે અને કાયદાનું શાસન જાળવી રાખશે.

ઉલ્લેખનીય છે કે રવિવારે બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા, તેઓએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. ત્યાર બાદ ઘટનાસ્થળે પહોંચેલી કેનેડિયન પોલીસે હુમલાખોર ખાલીસ્તાનીઓને પકડવાને અને દંડિત કરવાને બદલે શ્રદ્ધાળુઓની મારપીટ કરી હતી. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો લાંબા સમયથી હિંસક ઘટનાઓને અંજામ આપતા રહ્યા છે. કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકાર તેમની પ્રવૃત્તિઓ રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તર અમેરિકાના દેશ કેનેડા દ્વારા ખાલિસ્તાની અલગતાવાદીઓને સમર્થન અને હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યા બાદ ભારત-કેનેડાના સંબંધોમાં તાજેતરના તણાવ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પ્રથમ નિવેદન છે. નિજ્જર કેનેડાનો નાગરિક અને ખાલિસ્તાની અલગતાવાદી હતો, જેને ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ મજબૂત નિવેદન એનું ઉદાહરણ છે કે ભારતના પ્રધાનમંત્રી મોદી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભારતીયોની સાથે ઉભા છે. ખાલિસ્તાની ધ્વજ લઈને આવેલા હુમલાખોર ખાલીસ્તાનીઓએ બ્રામ્પટનના એક હિન્દુ મંદિરમાં લોકો સાથે હિંસક અથડામણ કરી હતી જેની કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ નિંદા કરતા કહ્યું કે દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.