- 88મો ભારતીય વાયુસેના દિવસ.
- 8 ઑક્ટોબર 1932ના દિવસે સ્થાપના થઈ હતી.
- ભારતીય વાયુસેના વિશ્વની ચોથા નંબરની વાયુસેના
88 મો વાયુસેના દિવસ
દર વર્ષે 8મી ઑક્ટોબરના દિવસે ભારતીય વાયુસેના પોતાનો સ્થાપના દિન વાયુસેના દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે ભારતીય વાયુસેના જાહેર કાર્યક્રમ દ્વારા પોતાની શક્તિનો પરિચય સમગ્ર વિશ્વને કરાવે છે.
1932 માં સ્થાપના
8મી ઑક્ટોબર 1932 માં ભારતીય વિધાયિકા દ્વારા વિધેયક પસાર કરીને વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. ભારતીય વાયુસેના વખતોવખત વિશ્વને પોતાના સાહસ, શૌર્ય તથા પરાક્રમનો પરિચય કરાવતી રહી છે.
સ્વતંત્ર ભારતના વાયુસેના અધ્યક્ષ
1 લી એપ્રિલ 1954ના દિવસે એર માર્શલ સુબ્રોતો બેનરજીએ સ્વતંત્ર ભારતના પ્રથમ વાયુસેનાના કમાન્ડર ઈન ચીફ તરીકે જવાબદારી સંભાળી હતી. એર માર્શલ સુબ્રોતો બેનરજી 1931ની ભારતીય પાઈલોટની સૌપ્રથમ બેચના સદસ્ય હતા.
અનેક વખત વિશ્વને પોતાની શક્તિ શૌર્ય અને સાહસ નો પરિચય કરાવ્યો
વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી વાયુસેના એવી ભારતીય વાયુસેનાએ અનેક વખત વિશ્વને પોતાની શક્તિ, શૌર્ય, સાહસ તથા પરાક્રમનો પરિચય કરાવ્યો છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન 1945 માં વાયુસેનાનાએ દર્શાવેલા અદભૂત પરાક્રમ બદલ વાયુસેના સાથે “રોયલ” શબ્દ જોડવામાં આવ્યો અને વાયુસેનાને “રોયલ ઈન્ડિયન એર ફોર્સ તરીકે ઓળખ મળી. 1945 માં દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ રોયલ ઈન્ડિયન એર ફોર્સમાં લગભગ 28,000 સૈનિકો હતા જેમાં 1600 જેટલા અધિકારીઓ હતા.
ભારતના ભાગલા અને વાયુસેનાની સંપત્તિની વહેંચણી
15 ઑગસ્ટ 1947ના દિવસે ભારત સ્વતંત્ર થયું અને ભારતના ભાગલા પડ્યા. ભાગલા થતા દેશની અન્ય સંપત્તિ સાથે વાયુસેનાની સંપત્તિની પણ ભારત પાકિસ્તાન વચ્ચે વહેંચણી કરવામાં આવી. આ વહેંચણી દરમિયાન રોયલ ઈન્ડિયન એર ફોર્સની 10 સ્ક્વોડ્રનમાંથી 2 સ્ક્વોડ્રન પાકિસ્તાનને આપવામાં આવી.
‘રોયલ’ શબ્દ દૂર થયો
જાન્યુઆરી 1950 માં ગણતંત્ર રાષ્ટ્ર બનતા જ બ્રિટિશ કોમનવેલ્થ અંતર્ગત ભારતીય વાયુસેનામાંથી “રોયલ” શબ્દ હટાવવામાં આવ્યો.
ફાઈટર વિમાનો
ભારતીય વાયુસેના દ્વારા હમણાં સુધીમાં લગભગ જુદા જુદા દેશોમાં બનેલા 73 પ્રકારના લડાયક વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં ભારતીય વાયુસેના પાસે સ્પિટફાયર, વેમ્પાયર તથા ટેમ્પેસ્ટ લડાયક વિમાનોની છ સ્ક્વોડ્રન હતી, સ્વતંત્રતા બાદ રશિયાના મિગ તથા સુખોઈ શ્રેણીના વિમાનો ભારતીય વાયુસેનામાં ઉમેરાયા તથા વર્તમાનમાં ભારતીય વાયુસેના પાસે વિશ્વના સૌથી આધુનિક મનાતા ફ્રાંસમાં નિર્મિત રાફેલ લડાયક વિમાનો છે. આ ઉપરાંત મિગ શ્રેણીના તથા ફ્રાંસમાં નિર્મિત મિરાજ 2000 અને જેગુઆર વિમાનો ઉપલબ્ધ છે.
પાંચ કમાન્ડ
ભારતીય વાયુસેનાના સમગ્ર દેશમાં 5 કમાન છે, 1.પશ્ચિમ કમાન્ડ જેનું મુખ્યાલય દિલ્હીમાં છે, 2. કેન્દ્રીય કમાન્ડ જેનું મુખ્યાલય પ્રયાગરાજમાં છે. 3. પૂર્વીય કમાન્ડ જેનું મુખ્યાલય શિલોંગમાં છે 4. દક્ષિણ પશ્ચિમ કમાન્ડ જેનું મુખ્યાલય જોધપુરમાં આવેલું છે તથા 5. દક્ષિણ કમાન્ડ જેનું મુખ્યાલય તિરૂઅનંતપુરમમાં આવેલું છે.
પાંચેય કમાન્ડના પ્રશાસનિક વિભાગો દ્વારા 45 લડાયક વિમાનોની સ્ક્વોડ્રન, 20 હેલિકોપ્ટરની ટુકડીઓ તથા અનેક મિસાઈલોની સંભાળ રાખે છે. 1700 જેટલા વાયુયાનોની દેખરેખમાં આશરે સવા લાખ સૈનિકો જોતરાયેલા છે.
ભારતીય વાયુસેનાના પરાક્રમ
ભારતીય વાયુસેનાના પરાક્રમની દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઈ હતી. આ ઉપરાંત ભારતીય વાયુસેનાના પરાક્રમની યાદી આ મુજબ છે.
1. 1947 સ્વતંત્રતા બાદ તુરંત પાકિસ્તાન સાથે લડાયેલા યુદ્ધમાં હિસ્સો
2. 1961 કોંગો કટોકટી વખતે ભારતીય વાયુસેનાની કામગીરી
3. 1962 ભારત ચીન યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાના પરાક્રમ.
4. 1965 પાકિસ્તાન સાથે બીજુ કાશ્મીર યુદ્ધ
5. 1971 બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ
6. 1971 મેઘના હેલી બ્રિગેડ
7. 1971 ટેન્ગાઈલ એર ડ્રોપ
8. ઓપરેશન મેઘદૂત 1984
9. 1987 ઓપરેશન પુમલાઈ
10. ઓપરેશન કેક્ટસ 1988
11. 1999 કારગિલ યુદ્ધના મેદાનમાં ચલાવાયેલુ ઓપરેશન સફેદ સાગર
12. 1999 એટલાન્ટિક ઈન્સીડન્ટ
13. 2013 માં ઉત્તરાખંડમાં આવેલા ભયાનક પૂર વખતે ચલાવેલુ ઓપરેશન રાહત
14. 2015 માં નેપાળમાં આવેલા વિનાશક ભૂકંપ વખતે રાહત કાર્ય માટે ચલાવેલુ ઓપરેશન મૈત્રી
15. 2016 માં જુબા અથડામણ વખતે સુદાન યુદ્ધમાં ભારતીય નાગરિકોના બચાવ માટે થયેલું ઓપરેશન સંકટ મોચન
16. 2019 માં પુલવામામાં ભારતીય સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલાનો વળતો જવાબ આપવા પાકિસ્તાનમાં ચાલતા આતંકવાદી અડ્ડાઓના નાશ કરવા કરવામાં આવેલી ઐતિહાસિક એર સ્ટ્રાઈક જેનું નામ હતું ઓપરેશન બંદર
ઉપર જણાવેલા ઓપરેશન એવા ચુંટેલા તથા જાહેર ઓપરેશન છે જેની નોંધ સમગ્ર વિશ્વમાં લેવામાં આવી છે આ ઉપરાંત એવા અનેક ઓપરેશન ભારતીય વાયુસેનાએ રાષ્ટ્રીય સુરક્ષા માટે પુરા કર્યા છે.