- આદિત્ય ઠાકરેએ ટ્વિટર પર પોતાની પ્રોફાઇલ પરથી મહારાષ્ટ્ર સરકારના મંત્રીનો ઉલ્લેખ દૂર કર્યો
- મંત્રીપદ પરથી રાજીનામું આપશે એવી ચર્ચા
- બહુ ચર્ચિત સુશાંતસિંહ રાજપૂત કેસમાં આદિત્ય ઠાકરેનું નામ ઉછાળવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારમાંથી મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેનો પુત્ર તથા શિવસેનાનો યુવા ચહેરો આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર કૅબિનેટમાંથી રાજીનામું આપશે તથા એ સિવાય જુદી જુદી અટકળોએ રાજનીતિક વર્તુળમાં ત્યારે વેગ પકડ્યો જયારે એવી વાતો વહેતી થઈ કે આદિત્ય ઠાકરેએ શુક્રવારે પોતાની ટ્વિટર પ્રોફાઇલમાંથી મહારાષ્ટ્ર સરકારના મંત્રી હોવાનો ઉલ્લેખ ડિલીટ કરી દીધો.
રાજકીય વર્તુળોમાં આદિત્યના રાજીનામાની અટકળોએ જોર પકડ્યું
ટ્વિટર હેન્ડલ પરથી પોતાના બાયોમાંથી મંત્રી હોવાનો ઉલ્લેખ હટાવ્યો એવી વાતો વહેતી થતાં જ રાજકીય વર્તુળોમાં આદિત્ય ઠાકરે મહારાષ્ટ્રની વિકાસ આઘાડી સરકારમાંથી રાજીનામું એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. એવી ચર્ચા ચાલવા લાગી કે ઉધ્ધવ ઠાકરે પોતાના પુત્ર આદિત્ય ઠાકરેને મહારાષ્ટ્ર સરકારમાંથી રાજીનામું અપાવીને શિવસેનાના પ્રમુખપદનો હવાલો આપી શકે છે. એવી પણ વાતો વહેતી થઈ કે ઉધ્ધવ સંગઠન પર પુરતું ધ્યાન આપી શકતા નથી તેથી કાર્યકરો નારાજ છે તેથી આદિત્યને શિવસેના પ્રમુખ બનાવીને કાર્યકરોને ઉત્સાહ આપી શકાય અને તેમની નારાજગી દૂર કરી શકાય.
આદિત્ય ઠાકરેનું નામ જોડાયું સુશાંતસિંહ રાજપૂત રહસ્યમય મૃત્યુ કેસમાં
સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુ બાદ આદિત્ય ઠાકરેના સંબંધો સુશાંતસિંહની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી સાથે હોવાની વાતો ઊડી હતી. આ વાતોને સ્વયં રીયા ચક્રવર્તીએ પોતાના કોઈ જ સંબંધ આદિત્ય ઠાકરે સાથે નથી તથા પોતે આદિત્ય ઠાકરેને જણાતી નથી તેમ કહીને ફગાવી દીધી હતી.
આદિત્ય ઠાકરે ઉપર વિરોધપક્ષ ભાજપના આડકતરા આરોપો
આદિત્ય ઠાકરેનું નામ હાઇ પ્રોફાઇલ સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં જોડવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના ભુતપૂર્વ મુખ્યમંત્રી તથા ભાજપના સાંસદ નારાયણ રાણેએ સુશાંતસિંહ રાજપૂત કેસમાં શિવસેનાના યુવાનેતા નો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ગુરુવારે ભાજપના ધારાસભ્ય આશિષ શેલારે એવું કહ્યું હતું કે મુંબઈની નાઇટ લાઇફ સંસ્કૃતિ ડ્રગ, પબ એન્ડ પાર્ટી ગેંગનું સમર્થન કરનારાઓએ સુશાંતસિંહ નો જીવ લીધો છે, આ નાઇટ લાઇફ પાર્ટી ગેંગને કોણ બચાવી રહ્યું છે. પુણેના એક કાર્યક્રમમાં ભાજપના નેતા તથા ભુતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાજપના કોઈ નેતાએ આદિત્ય ઠાકરેનું નામ લીધું હોવાનો દાવો નકારી દીધો હતો.
શિવસેનાએ અટકળોને આપ્યો જવાબ
આદિત્ય ઠાકરેએ પોતાની ટ્વિટર પ્રોફાઇલ પરથી મહારાષ્ટ્ર સરકારના મંત્રી હોવાનો ઉલ્લેખ હટાવ્યો એવી ચર્ચાઓએ વેગ પકડાતાં જ શિવસેનાએ પ્રેસ રીલીઝ કરીને સમગ્ર મામલો ઉપજાવી કાઢેલો જણાવીને જવાબ આપ્યો હતો. શિવસેનાએ પોતાની પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યુ કે આદિત્ય ઠાકરેએ પોતાના ટ્વિટર બાયોમાં મિનિસ્ટર હોવાનો ઉલ્લેખ કર્યો જ નથી તથા છેલ્લા એક વર્ષથી પોતાના ટ્વિટર બાયોમાં કોઈ બદલાવ કર્યો નથી. આદિત્યએ પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં જ પોતે મહારાષ્ટ્ર સરકારના મંત્રી હોવાનો ઉલ્લેખ કર્યો છે અને તે પ્રોફાઇલ બાયો હજુ બદલાયો નથી. પ્રેસ વિજ્ઞપ્તિમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર સરકારમાં ટુરિઝમ, પર્યાવરણ તથા પ્રોટોકોલ મંત્રી છે