Spread the love

Waiting for VISA માં સંકલ્પ દિવસની ઘટના

ડૉ. બાબાસાહેબ આંબેડકરે સ્વયંને થયેલાં અનુભવોનું વર્ણન કરવાની શરૂઆત અમેરિકા અને યુરોપથી ભારતમાં પરત આવ્યાના લગભગ અઢાર વીસ વર્ષ બાદ એટલે કે કદાચિત 1935-1936 માં કરી હતી. Waiting for Visa નામથી આ લખાણોને સંકલિત કરવામાં આવ્યા. ડૉ. બાબાસાહેબ આંબેડકર રાઈટીંગ એન્ડ સ્પીચિસ ભાગ 12/1 (શિક્ષણ વિભાગ મહારાષ્ટ્ર સરકાર :1993) માં પાના નંબર 661 થી 691 માં શ્રી વસંત મુને સંકલિત કર્યાં. આ લખાણો Waiting for Visa નું અન્ય સંકલન કોલંબિયા યુનિવર્સિટીમાં ભણાવવા માટે કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી ફ્રાન્સિસ પ્રિશેટ દ્વારા પણ કરવામાં આવ્યું છે.

23 સપ્ટેમ્બર 1917, ડૉ બાબાસાહેબ આંબેડકરના જીવનના અનેક અમાનવીય, ઘૃણાસ્પદ અનુભવોનું સૌથી મહત્વપૂર્ણ પ્રકરણ છે જેને સંકલ્પ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના વડોદરાના અનુભવ વિશે પ્રચાર અને પ્રસાર થાય છે ત્યારે સ્વયં ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતે પોતાના વડોદરાના અનુભવ કેવી રીતે વર્ણવ્યા છે એ વાંચવા, જાણવા, સમજવા મળશે એ વિચાર જ આંદોલિત કર્તા અને ઉત્તેજના પ્રેરક છે એ વિચારથી તથા સાથે સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકરના લખાણોથી પ્રેરણા મેળવી ને જીવનના વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં માર્ગદર્શન સમાજ તથા દેશ સતત મેળવતો જ રહ્યો છે. Waiting for Visa નામે લખાયેલા લેખોમાં ડૉ બાબાસાહેબ આંબેડકરે સ્વયં વર્ણવેલા એમનાં વડોદરાના અનુભવનુ વર્ણન કર્યું છે. અંગ્રેજી ભાષામાં લખાયેલા એ લેખનું ગુજરાતી અનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ છે. હવે પછીનું વર્ણન ડૉ. બાબાસાહેબ આંબેડકરના શબ્દોમાં જ છે.

વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને થયેલો અનુભવ ડૉ. બાબાસાહેબ આંબેડકરના શબ્દોમાં

હું 1916 માં ભારત પરત આવ્યો. મને વડોદરાના હીઝ હાઈનેસ મહારાજા દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવામાં આવ્યો હતો. મેં ન્યુયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં 1913 થી 1917 સુધી અભ્યાસ કર્યો. હું 1917 માં લંડન આવ્યો અને લંડન યુનિવર્સિટીની સ્કુલ ઓફ ઇકોનોમિક્સના અનુસ્નાતક ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ શરૂ કર્યો. 1918માં મારે અભ્યાસ પૂરો કર્યા વગર ભારત પરત આવવું પડ્યું. મને અભ્યાસ વડોદરા રાજ્ય દ્વારા કરાવવામાં આવ્યો હતો તેથી હું વડોદરા રાજ્યને સેવા આપવા બંધાયેલો હતો. (નોંધ : અહીં સમયગાળા, તારીખ મુંઝવણ ઉભી કરે છે.)

તદાનુસાર, મારા આગમન સાથે જ હું સીધો જ વડોદરા પહોંચી ગયો. મારા વર્તમાન હેતુથી મેં શા માટે વડોદરા છોડ્યું એ કારણો તદ્દન અસંગત છે તેથી હું તેમાં પડવા નથી માંગતો. હું વડોદરાના મારા સામાજિક અનુભવોથી જ સંબંધ રાખુ છું અને હું તેનું વર્ણન કરવામાં મારી જાતને મર્યાદિત રાખીશ.

મારા પાંચ વર્ષના અમેરિકા અને યુરોપના અભ્યાસ દરમિયાન મારા મગજમાંથી હું અસ્પૃશ્ય છું અને એક અસ્પૃશ્ય ભારતમાં ક્યાંય પણ જાય તેનાથી તેને પોતાને તથા અન્ય માટે મુશ્કેલી થાય છે એ મારાં માનસમાંથી સંપૂર્ણ રીતે ભૂંસાઈ ગયું હતું. પરંતુ જ્યારે હું સ્ટેશન પર ઉતર્યો ત્યારે ક્યાં જવું ? કોણ મને લઈ જશે ? એ પ્રશ્નોથી મારું મન વ્યગ્ર થઈ ગયું હતું. હું આંદોલિત અનુભવતો હતો. મારા ધ્યાનમાં એ હતું કે વિશી નામે ઓળખાતી હિંદુ હોટેલો અહીં છે. તેઓ મને રાખતાં નહોતા. ત્યાં આવાસ મેળવવાનો એક માત્ર રસ્તો અન્ય વેશ ધારણ કરવાનો હતો, પરંતુ મારી ઓળખાણ છતી થઈ જશે તો ! જે થવાનો મને વિશ્વાસ છે, તો શું પરિસ્થિતિ ઊભી થશે તે હું જાણતો હોવાથી એને માટે તૈયાર નહોતો.

મારી સાથે અમેરિકામાં ભણતા હતા એવા મારાં મિત્રો વડોદરામાં હતા. “હું એમને ત્યાં જાઉં તો તેઓ મને આવકારશે ?” હું મારી જાતને આ ખાતરી આપી શક્યો નહોતતો. તેઓ કદાચ તેમના ઘરમાં એક અસ્પૃશ્યને પ્રવેશ આપતાં શરમ અનુભવી શકે છે. ક્યાં જવું ? શું કરવું ? એવું વિચારીને હું થોડો સમય સ્ટેશન ની છત નીચે ઊભો રહ્યો. ત્યાં અચાનક મને વિચાર આવ્યો કે કેમ્પમાં કોઈ સ્થાન છે કે એની તપાસ કરું. બધા જ પ્રવાસીઓ ત્યાંથી ચાલ્યા ગયાં હતા, હું એકલો જ ઊભો હતો. જે કેટલાક હેકની (ઘોડાગાડી) ડ્રાઈવરો જેમને મુસાફર નહોતાં મળ્યા તેઓ મારી તરફ જોતાં મારી રાહ જોઈ રહ્યા હતા.

મેં એમાંના એક ડ્રાઈવરને બોલાવ્યો અને પુછ્યુ કે કેમ્પમાં કોઈ હોટલની એને જાણકારી છે કે કેમ. તેણે કહ્યું અહીં એક પારસી લૉજ છે જે પેઈંગ ગેસ્ટને રાખે છે. એક લૉજ (ધર્મશાળા ?) છે જે પારસીઓ દ્વારા ચલાવવામાં આવતી કોઈ રૉજ (ધર્મશાળા ?) છે એવું સાંભળીને મારું મન પ્રસન્ન થઈ ગયું. પારસીઓ ઝોરાસ્ટ્રીયન ધર્મના અનુયાયીઓ છે. મારી સાથે એક અસ્પૃશ્ય જેવો વ્યવહાર કરવામાં આવશે એવો ડર નહોતો કારણકે તેઓનાં ધર્મમાં અસ્પૃશ્યતાને સ્થાન નથી મળતું. આશા ભર્યા પ્રફુલ્લિત હ્રદયે તથા મગજમાંથી ડર કાઢીને મેં મારો સામાન ઘોડાગાડીમાં (હેકની) મુક્યો અને ગાડી ચલાવનારને કેમ્પમાં આવેલી પારસી લૉજ (ધર્મશાળા) માં લઈ જવાનું કહ્યું.

પારસી લૉજ (ધર્મશાળા) બે માળનું મકાન હતું. ભોંયતળિયે એક વૃદ્ધ પારસી એમના પરિવાર સાથે રહેતા હતાં. તે વૃદ્ધ પારસી લૉજ (ધર્મશાળા) નું ધ્યાન રાખવાનું તથા લૉજ (ધર્મશાળા) માં આવતા મુસાફરોને જમવાની સગવડ કરી આપતા હતા. ગાડી આવી ગઈ અને પેલા લૉજનું ધ્યાન રાખતા પારસીએ મને ઉપરનો માળ બતાવ્યો. હું બીજે માળે ગયો ત્યાં ગાડી ચાલક મારો સામાન ઉપર લઈ આવ્યો. મેં એને ભાડુ ચુકવ્યુ અને એ ચાલ્યો ગયો. હું હર્ષિત થયો કેમકે છેવટે મેં મારી રહેવાની જગ્યાની સમસ્યાનો ઉકેલ શોધી લીધો હતો. સરળતા રહે તે માટે મેં કપડા બદલ્યા, એટલામાં જ લૉજના કેરટેકર પોતાના હાથમાં ચોપડો લઈને આવી પહોંચ્યા, મારા અર્ધખુલ્લા શરીર પર એ સ્પષ્ટ રીતે જોઈ શકે તેમ હતાં કે મારાં શરીર પર સદરો અને કસ્તી નથી જે બંને વસ્તુઓ એક વ્યક્તિને પારસી હોવાનું સાબિત કરે છે. એમણે તિક્ષ્ણ સ્વરે મને પુછ્યું હું કોણ છું ?

આ લૉજ (ધર્મશાળા) પારસી સમાજ દ્વારા માત્ર પારસીઓ માટે ચલાવવામાં આવતી હતી તે નહોતો જાણતો તેથી મેં કહ્યું કે હું હિંદુ છું. એ ચોંકી ઉઠ્યા અને કહ્યું કે હું આ લૉજ (ધર્મશાળા) માં રહી શકું નહીં. એમના આ ઉત્તરથી હું આશ્ચર્યચકિત અને બધી રીતે ઠંડો પડી ગયો. ફરીથી એ જ પ્રશ્ન ઘુમરાવા માંડ્યો, ક્યાં જવું ? મેં તેમને કહ્યું કે હિંદુ હોવા છતાં મને ત્યાં રહેવામાં કોઈ જ વાંધો નથી જો તેમને વાંધો ના હોય તો. તેમણે ઉત્તર વાળ્યો, તમે કેવી રીતે રહી શકો ? આ લૉજમાં જેટલા પ્રવાસીઓ રોકાય તેમનું મારે આ રજીસ્ટર જાળવવાનું હોય છે. હું એમની મુશ્કેલી જોઈ શક્યો. મેં કહ્યું હું રજીસ્ટરમાં લખવાના હેતુથી પારસી નામ રાખી લઉં છું. જો મને કોઈ વાંધો નથી તો આપને શું વાંધો હોઈ શકે ? તમારે કશું જ ગુમાવવાનું નથી, જો હું અહીં રોકાઈશ તો તમે પણ થોડુંક કમાઈ શકશો.

હું એમનો મારી તરફેણમાં ઝુકાવ જોઈ શક્યો. દેખીતી રીતે જ એમને ત્યાં ઘણાં વખતથી કોઈ પ્રવાસી નથી આવ્યા અને તે પણ થોડા નાણાં કમાઈ લેવાની તક ગુમાવવા નહોતા માંગતા. આખરે તેઓ એ શરતે સહમત થયા કે મારે રોજનો દોઢ રૂપિયો એમને રહેવા જમવાનો ચુકવવો તથા રજીસ્ટરમાં પારસી તરીકે નામ લખવું. તેઓ સીડીઓ ઉતરી નીચે ગયા અને મેં રાહતનો ઊંડો શ્વાસ લીધો. સમસ્યાનો ઉકેલ આવી ગયો હતો અને મને હર્ષની લાગણી થતી હતી. પરંતુ અરે ! હું એ નહોતો જાણતો કે આ હર્ષ કેટલો ટુંકો નીવડશે. મારા નિવાસનાં દુઃખદ અંતનુ નિરૂપણ કરું એ પહેલાં મેં અહીં જે થોડોક સમય વિતાવ્યો છે એનું વર્ણન ચોક્કસ કરવું જોઈએ મારે.

લૉજ (ધર્મશાળા) ના પ્રથમ (બીજા) માળ ઉપર એક બેડરૂમ હતો, તેને સંલગ્ન એક નાનું બાથરૂમ હતું, એમાં પાણીનો નળ હતો, બાકી એક મોટો હૉલ હતો. જ્યાં સુધી હું ત્યાં રહ્યો ત્યાં સુધી એ મોટો હૉલ કચરો, પાટીયા, પાટલીઓ, તુટેલી ખુરશીઓ વગેરેથી ખીચોખીચ ભરાયેલો હતો, આસપાસ આ બધાની વચ્ચે હું રહેતો હતો, એકલો એકાંતમય. કેરટેકર સવારમાં ચાનો કપ લઈને ઉપર આવતાં, પછી ફરીથી લગભગ 9:30 વાગ્યે મારા માટે નાસ્તો અથવા સવારનું ભોજન લઈને આવતાં, સાંજે લગભગ 8:30 વાગ્યે ત્રીજી વખત કેરટેકર રાત્રીનું ભોજન આપવા ઉપર આવતા હતા. કેરટેકર ઉપર આવવાનું ટાળી શકાય એમ ના હોય ત્યારે જ ઉપર આવતા, અને આ પ્રસંગોમાં ક્યારેય એ મારી સાથે વાત કરવા રોકાતા નહીં. દિવસ ગમે તેમ કરીને નીકળી જતો.

વડોદરાના મહારાજાએ મારી નિમણૂંક એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં પ્રોબેશનર તરીકે કરી. હું સવારે લગભગ 10 વાગ્યે ઓફિસ જવા માટે લૉજથી નીકળી જતો અને સાંજે મોડેથી લગભગ 8 વાગ્યે પાછો જતો. લૉજ (ધર્મશાળા) માં ઓછો સમય વિતાવવો પડે તે માટે હું મિત્રો સાથે બને એટલો સમય પ્રયત્નપૂર્વક બહાર પસાર કરતો. લૉજ (ધર્મશાળા) માં પરત ફરીને રાત વિતાવવાનો વિચાર અત્યંત ભયંકર હતો મારા માટે, અને હું લૉજમાં પાછો એટલા માટે જ આવતો કારણ કે આરામ કરવા માટે આકાશ નીચે મારી પાસે બીજી કોઈ જગ્યા નહોતી. લૉજના પહેલા (બીજા) માળે આવેલા મોટા હૉલમાં કોઈ જ માનવ નહોતો જેની સાથે વાતચીત કરી શકાય, હું એકલો જ હતો. આખા હૉલમાં સંપૂર્ણ અંધકાર છવાયેલો હતો. અંધકારથી છૂટકારો મેળવવા માટે ના તો ત્યાં વિજળી નો પ્રકાશ હતો ના તેલનો દીવો, કેરટેકર મારા ઉપયોગ માટે એક નાનકડો હરીકેન દીવો લાવતા હતાં જેનો પ્રકાશ થોડા ઈંચથી આગળ જતો જ નહોતો.

મને એવું લાગ્યું કે હું અંધારકોટડીમાં છું અને કોઈ માણસ સાથે વાત કરવા ઈચ્છું છું પરંતુ ત્યાં કોઈ જ નથી. કોઈ પણ માનવીની કંપની નહીં હોવાથી મેં પુસ્તકોનો સાથ લેવાનું નક્કી કર્યું, અને વાંચ્યા જ કર્યું વાંચ્યા જ કર્યું. હું મારું એકલવાયાપણું ભુલી ગયો, એ વાંચનમાં શોષાઈ ગયું. સતત ઉડતા અને ઘોંઘાટ કરતા ચામાચીડિયાઓએ આ હૉલને પોતાનું ઘર બનાવી દીધુ હતું તે મારાં મનને વિચલિત કરતા હતા અને ઠંડી ધ્રુજારી ઉત્પન્ન કરી જતા હતા, જે હું ભુલી જવા ઇચ્છતો હતો એની યાદ અપાવી જતા હતા કે હું કેવી વિચિત્ર જગ્યાએ કેવી વિચિત્ર પરિસ્થિતિમાં છું.

ઘણી વખત મને ખુબ ગુસ્સો આવી જતો હતો. પરંતુ મારા ગુસ્સાને હું એવું સમજી ને વાળી લેતો હતો કે ભલે આ અંધારકોટડી છે છતાં કોઈ જ આશ્રયસ્થાન ન હોવા કરતાં આશ્રયસ્થાન હોવું એ સારું જ છે. જે સામાન હું મુંબઈ મુકીને આવ્યો હતો તે લઈને જ્યારે મારા બહેનનો દિકરો વડોદરા આવ્યો ત્યારે મારી સ્થિતિ સૌથી વધુ કફોડી બની ગઈ હતી. હું જે અવસ્થામાં પારસી બનીને પારસી લૉજમાં રહેતો હતો, મારી એ સ્થિતિ જોઈને જોર જોરથી રડવા લાગ્યો જેથી મને લાગ્યું એને તરત જ પાછો મોકલી આપવો જોઈએ. હું જે અવસ્થામાં પારસી લૉજમાં રહેતો હતો.

હું જાણતો હતો કે મારું અહીં નામ બદલીને રહેવું વધુ સમય સુધી છુપું નહીં રહે અને બહાર આવશે જ, તેથી રહેવા માટે હું રાજ્ય તરફથી બંગલો મળે એના પ્રયાસો કરી રહ્યો હતો. પરંતુ જે તાકીદ કરતો હતો એટલી તાકીદથી પ્રધાન મંત્રી મારી વિનંતી પર ધ્યાન આપતા નહોતા. મારી અરજી અધિકારીથી અધિકારી વચ્ચે ફરતી રહી એનો અંતિમ ઉત્તર આવે તે પહેલાં જ મારૂં દુર્ભાગ્ય આવી પહોંચ્યું.

મારો લૉજ (ધર્મશાળા) માં રહેવાનો એ અગિયારમો દિવસ હતો. મેં મારું સવારનું ભોજન કરી લીધું હતું, કપડાં બદલીને તૈયાર થઈ ગયો હતો અને બસ ઓફિસ જવા માટે નીચે ઊતરવાની તૈયારીમાં હતો, જે પુસ્તકો રાત્રે વાંચવા લાયબ્રેરીમાંથી લાવ્યો હતો એ પુસ્તકો પરત કરવા માટે સાથે લઈ લીધાં ! ત્યાં જ કેટલાંક લોકો દાદરો ચઢતા હોય એનો અવાજ મારા કાને પડ્યો. મને લાગ્યું કે અહીં રહેવા આવેલા પ્રવાસીઓ હશે તેથી તે મિત્રો કોણ છે તે તરફ ધ્યાન ન આપ્યુ. તરત જ મેં જોયું કે ડઝનબંધ લાંબા ખડતલ પારસીઓ ગુસ્સે થયેલાં હાથમાં લાકડીઓ લઈને મારા ઓરડા તરફ આગળ વધી રહ્યા હતાં. મને સમજાયું કે આ લોકો કોઈ પ્રવાસીઓ નથી અને તેમણે એનો પુરાવો પણ તરત જ આપી દીધો.

તે બધા મારા ઓરડા સામે હારબંધ ઉભાં રહી ગયા અને ગાળો સહિત પ્રશ્નોની ઝડી વરસાવી દીધી. કોણ છે તું ? તું અહીં કેમ આવ્યો છે ? તારી હિંમત કેવી રીતે ચાલી પારસી નામ રાખવાની ? બદમાશ તે પારસી લૉજને અપવિત્ર કરી નાખી. હું ચુપચાપ ઊભો રહ્યો. હું કોઈ જવાબ આપી શક્યો નહીં. મેં જે ધારણ કર્યું હતું એ ટકાવી શક્યો નહીં. એ એક છદ્મ વેશ હતો જે જાહેર થઈ ગયો હતો અને મને ખાતરી થઈ ગઈ હતી કે જો હું એ છદ્મવેશ ચાલુ રાખીશ તો આ ક્રોધિત અને કટ્ટરપંથી પારસીઓનું ટોળું મારી ઉપર હુમલો કરી શકે છે અને કદાચ મને જાનથી મારી પણ નાંખે. મારી નમ્રતા તથા મૌનથી આ દુર્ભાગ્ય ટળી ગયું.

એ સમયે મારૂં રહેઠાણ મારા માટે મારાં જીવન કરતાં પણ કિંમતી હતું. એ પ્રશ્નોમાં રહેલી સૂચિત ધમકી એક ગંભીર બાબત હતી. મેં મારૂં મૌન તોડતા એમને વિનંતી કરી કે મને ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી રહેવા દો, આવું મેં એવું વિચારીને કહ્યું કે ત્યાં સુધી મંત્રી દ્વારા મારી બંગલા માટેની અરજીનો નિર્ણય આવી જશે. પરંતુ પારસીઓ કશું જ સાંભળવાના મિજાજમાં નહોતા. મારે બિસ્તરા-પોટલા ભરી લેવા, તેઓ મને સાંજે ઈનમાં જોવા ઈચ્છતા નથી અન્યથા ગંભીર પરિણામ આવશે એવું આખરીનામુ આપીને તેઓ ચાલ્યા ગયા. હું અચંબામાં પડી ગયો, મારૂં હ્રદય મારામાં જ ડુબી ગયું. મેં ભારે મનથી તેમને કડવી ભાષામાં શાપ આપ્યા. હું મારા માટે કિંમતી એવા રહેઠાણ પરથી કબ્જો ગુમાવી બેઠો હતો. એ એક કેદીની કોટડી કરતાં વિશેષ નહોતું પરંતુ મારા માટે એ ખુબ જ કિંમતી હતું.

પારસીઓના ગયા બાદ હું કોઈ રસ્તો શોધવાના વિચારોમાં મગ્ન થઈ ગયો. મને આશા હતી કે મને ઝડપથી સરકારી બંગલો મળશે અને મારી સમસ્યાનો અંત આવશે. મારી સમસ્યા એ થોડા સમય પુરતી હતી તેથી મિત્રો પાસે જવું યોગ્ય નિરાકરણ રહેશે. વડોદરા રાજ્યમાં મારો કોઈ મિત્ર અસ્પૃશ્ય ગણાતા વર્ગમાંથી નહોતો, પરંતુ અન્ય વર્ગમાંથી આવતા હતા, એક હિંદુ હતો અને અન્ય ભારતીય ખ્રિસ્તી. હું પહેલાં મારા હિંદુ મિત્ર પાસે ગયો, અને મારી સાથે જે બન્યું તે બધું જ જણાવ્યું, તે એક ઉમદા વ્યક્તિ હતા અને મારા ખુબ જ સારાં વ્યક્તિગત મિત્ર હતા. તે સાંભળીને દુઃખી થયા, એમને ગુસ્સો આવ્યો. પરંતુ તેમણે એક નિરીક્ષણ કર્યું અને કહ્યું “જો તમે મારાં ઘેર આવશો તો મારા નોકરો જતાં રહેશે” હું સંકેત સમજી ગયો અને મને રહેવા દેવા માટે એમને દબાણ ના કર્યું.

મેં ખ્રિસ્તી મિત્રને ત્યાં જવાનું યોગ્ય ના સમજ્યું. તેણે એક વખત મને તેની સાથે રહેવા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ મેં તેને નકારી દીધું હતું અને પારસી લૉજમાં રહેવાનું પસંદ કર્યું હતું. એનું કારણ એની ટેવો મારાં માટે સહજ નહોતી. અત્યારે ત્યાં જવું એટલે ઠપકાને આમંત્રણ આપવા જેવું હતું તેથી હું ઓફિસ જતો રહ્યો, પરંતુ રહેઠાણ શોધવાની આ તક હું ખરેખર ગુમાવવા નહોતો ઈચ્છતો. એક મિત્ર સાથે મસલત કર્યા બાદ મેં ખ્રિસ્તી મિત્રને ત્યાં જવાનું તથા એ મને રહેવા દેશે ? એવું પુછવા નું નક્કી કર્યું. જ્યારે મેં તેની સમક્ષ આ પ્રશ્ન રજૂ કર્યો ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, “તેની પત્ની કાલે વડોદરા આવવાની છે અને એણે પોતાની પત્ની સાથે વિમર્શ કરવો પડશે.”

પછીથી મને સમજાયું કે આ એક રાજદ્વારી ઉત્તર હતો. તે અને તેના પત્ની અસલમાં બ્રાહ્મણ જાતિના પરિવારમાંથી આવતા હતાં, ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ પતિના વિચારો ઉદાર થયા હતા પરંતુ પત્ની પોતાની રીતે હજુ રૂઢિચુસ્ત જ હતી અને તે પોતાના ઘરમાં એક અસ્પૃશ્યને રહેવા દેવાં અનુમતિ ન જ આપતા. આશાનું છેલ્લું ચમકતું કિરણ પણ ઓલવાઈ ગયું. હું બપોરે 4:00 વાગ્યે મારા ખ્રિસ્તી મિત્રના ઘેરથી નીકળ્યો હતો. મારી સમક્ષ સૌથી મોટો પ્રશ્ન ઉભો હતો, ક્યાં જવું ? મારે લૉજ છોડી જ દેવાની હતી અને એવો કોઈ મિત્ર નહોતો જેને ત્યાં જઈ શકું. પાછા બોમ્બે જતા રહેવાનો એક માત્ર વિકલ્પ બચ્યો હતો.

વડોદરાથી બોમ્બે જતી ટ્રેન રાત્રે 9 વાગ્યે હતી. પાંચ કલાક વિતાવવાના હતાં. ક્યાં વિતાવવા ? લૉજમાં પાછા જવું જોઈએ ? મારે મારા મિત્ર પાસે જવું જોઈએ ? હું લૉજમાં જવા માટે પુરતી હિંમત ભેગી ના કરી શક્યો. મને ડર હતો કે પારસીઓ ફરીથી આવીને મારા ઉપર હુમલો કરશે. મને મારા મિત્ર પાસે જવું ગમતુ નહોતું. મારી સ્થિતિ જોકે દયનીય હતી, મને દયનીય બનવું ગમતું નહીં. શહેર અને કેમ્પની સરહદે આવેલા કમાટીબાગ નામના જાહેર બગીચામાં મેં પાંચ કલાક વિતાવવાનું નક્કી કર્યું. મારી સાથે જે બન્યું હતું એ વિચાર કરતો હું થોડો દુઃખી અને થોડો શુન્યમનસ્ક બનીને બેઠો, એક બાળકને એકલવાયું લાગે ત્યારે જવું કરે તેમ હું મારાં માતા-પિતા વિશે વિચારતો રહ્યો.

રાત્રે 8 વાગ્યે હું બગીચામાંથી બહાર આવ્યો, ગાડી કરીને લૉજ પર ગયો, મારો સામાન નીચે ઉતારી લાવ્યો. કેરટેકર બહાર આવી ગયા, ના તે કે ના હું એક બીજા સાથે એક શબ્દ બોલ્યા. તેમને એવું લાગતું હતું કે મને આ તકલીફમાં મુકવા માટે તે પોતે પણ કંઈક અંશે જવાબદાર છે. મેં એમને એમનું બિલ ચુકવ્યું, તેમણે તે ચુપચાપ લઈ લીધું. અને ચુપચાપ મેં એમની રજા લીધી.

હું વડોદરા ખુબ જ આશાઓ સાથે આવ્યો હતો. મેં ઘણાં પ્રસ્તાવો છોડી દીધા હતાં. તે યુદ્ધનો સમય હતો. ભારતીય શૈક્ષણિક સેવામાં ઘણી જગ્યાઓ ખાલી હતી. હું ઘણાં પ્રભાવશાળી વ્યક્તિઓને લંડનમાં ઓળખતો હતો પરંતુ મેં એમાંથી કોઈનો ઉપયોગ નહોતો કર્યો. મારૂં એ કર્તવ્ય હતું કે જેમણે મારા અભ્યાસ માટે નાણાં પુરા પાડ્યા હતા એવા વડોદરાના મહારાજાને સૌપ્રથમ મારી સેવા આપવી જોઈએ. અને અહીં મારે માત્ર અગિયાર દિવસ જ રોકાઈને બોમ્બે પાછા ફરવું પડી રહ્યું છે.

ડઝન પારસીઓ લાકડીઓથી સજ્જ તેમનાં ભયંકર ઈરાદા સાથે મારી સામે લાઈનબંધ ઊભા રહ્યા છે અને હું એમની સામે ભયભીત થઈ ને દયાની વિનંતી કરું છું આ દ્રશ્ય અઢાર વર્ષ જેટલો લાંબો સમય થવા છતાં મારી દ્રષ્ટિમાંથી ધુંધળુ નથી થતું. હું આજે પણ એને આબેહુબ રીતે યાદ કરી શકું છું, અને યાદ કરતાં વખતે મારી આંખ ભરાઈ ના આવે એવું બનતું નથી. એ પછી મને પ્રથમ વખત શિખવા મળ્યું કે જે વ્યક્તિ હિંદુ માટે અસ્પૃશ્ય છે તે પારસી માટે પણ અસ્પૃશ્ય છે.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.