Spread the love

માતા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3જી જાન્યુઆરી 1831ના દિવસે થયો હતો. માતા સાવિત્રીબાઈ ફૂલે એટલે વિશ્વના એકમાત્ર “શિક્ષણાગ્રહ” ના અગ્રદૂત, શિક્ષણાગ્રહી.

આખો દેશ મીઠાના સત્યાગ્રહ વિશે રજેરજની જાણકારી ધરાવે છે, અરે મીઠાના સત્યાગ્રહ તથા સત્યાગ્રહીઓની યાદગીરી રૂપે દર વર્ષે એની ઉજવણી કરવામાં આવે છે. અંગ્રેજોના અન્યાયકર્તા કાયદા વિરુદ્ધનો એ સત્યાગ્રહ અનન્ય જ છે પરંતુ જેનું મહત્વ આજના આધુનિક યુગમાં પણ એટલું જ છે કદાચ એ વખત કરતાં વધારે છે એવા “શિક્ષણાગ્રહ” અને શિક્ષણના આગ્રહમાં સામા પવને અડીખમ ઊભા રહેલા મહાત્મા જયોતિબા ફુલે અને માતા સાવિત્રીબાઈના કર્તૃત્વને ખબર નહીં કેમ પરંતુ વાંચી પણ ના શકાય એવા કોઈ અજાણ્યા ઈતિહાસના પુસ્તકના પાના પર લખીને અંધારા ખૂણામાં શા માટે સંતાડી રાખ્યું હશે ?

મહાત્મા જયોતિબા-સાવિત્રીબાઇના જમાનામાં (ઇ.સ.૧૮૫૦ની આસપાસ) સ્ત્રીઓ અને શુદ્રોની સરખી અવદશા હતી. એમાં પણ સ્ત્રી શુદ્ર સમાજની હોય તો તેની દશા બમણી ખરાબ. સમાનતા જેવો કોઇ શબ્દ તેમની જિંદગીમાં અસ્તિત્ત્વ ધરાવતો ન હતો. બાળલગ્નો સામાન્ય હતા અને કોઇ પણ સમાજની છોકરીઓના જીવનનું સાર્થક્ય પરણી જવામાં હતુ. મહાત્મા જયોતિબા ફુલે અને સાવિત્રીબાઇના લગ્ન પણ નાની ઉંમરે થયેલાં બાળલગ્ન જ હતા. લગ્ન વખતે જયોતિબા ની ઉંમર 13 વર્ષ તથા સાવિત્રીબાઈની ઉંમર માત્ર 8 વર્ષની હતી. (જન્મઃ 1831). પરંતુ સુધારક મિજાજ ધરાવતા જયોતિબાએ સમાજસુધારાની શરૂઆત પોતાના ઘરથી કરી. જ્યોતિરાવના પત્ની સાવિત્રીબાઈ ભણેલા નહોતા, જયોતિરાવે સાવિત્રીબાઇને ઘરકામમાં ગોંધી રાખવાને બદલે એમને શિક્ષિત કરવાની શરૂઆત કરી. સામે પત્ની સાવિત્રીબાઈ પણ પતિ જ્યોતિરાવના અભિયાનમાં એટલી જ ત્વરા તથા ઉત્સાહથી પ્રતિભાવ આપ્યો. જ્યોતિરાવનું પોતાનાં પત્નીને શિક્ષિત બનાવવાનું કાર્ય કોઈ ડિગ્રી માટે નહીં પરંતુ સમાજમાં મહિલાઓને શિક્ષણ નહીં આપવાની પ્રથાને કારણે સમાજમાં મહિલાઓની ખોવાઈ રહેલી ડિગ્નિટી પરત અપાવવાના પવિત્ર હેતુસર હતુ, અન્યાય સામેની લડતની તૈયારી માટે હતુ. પત્ની સાવિત્રીબાઈને જયોતિરાવે એવા શિક્ષિત કર્યાં કે તે પોતે અન્યને ભણાવી શકે. 

આ તરફ સાવિત્રીબાઈનું શિક્ષણ પુરું થતા જ જ્યોતિબા ફુલેએ મહિલાઓ માટે શાળા શરૂ કરવાનુ નક્કી કર્યું. પરંતુ જ્યાં સ્ત્રીને ભણાવવાની કલ્પના જ મરણપથારીએ પડી હોય ત્યારે કોણ મહાત્મા જયોતિબા-સાવિત્રીબાઈને સમર્થન આપે? આત્યંતિક અને ભારે વિરોધ વચ્ચે મહાત્મા જયોતિબા તથા માતા સાવિત્રીબાઈ કન્યાઓ માટે શાળાની શરૂઆત કરી. જ્યોતિબા ફુલેની દૂરંદેશી અહીં જોવા જેવી છે, રૂઢિચુસ્ત સમાજ કદાચ કહેવા પુરતો દિકરીને ભણાવવાની હા પાડી પણ દે પરંતુ જો શિક્ષક પુરુષ હોય તો એમને દિકરીને, મહિલાઓને નહીં ભણાવવાનું અન્ય બહાનું મળી જાય આ વિચાર થી જ દૂરંદેશી મહાત્મા ફુલેએ પોતે શરૂ કરેલી કન્યાઓ માટેની શાળામાં, શિક્ષિકા તરીકે જવાબદારી સાવિત્રીબાઈને આપી, માતા સાવિત્રીબાઈ પણ અદ્ભુત વ્યક્તિત્વના સ્વામિની પતિના આદર્શ, ધ્યેયને સમજી ગયેલા અર્ધાંગિની તુરંત જ કન્યાશાળાની જવાબદારી ઉપાડી લીધી.

પ્રશ્ન મોટો તો એ પણ હતો રૂઢિચુસ્તતા અને મિથ્યાભિમાનમાં રાચતા સમાજના કથિત ઉપલા વર્ગની સામે પડીને શુદ્ર કન્યાઓને ભણાવવાનું સહેલું ન હતું. આખરે શૈતાનો ની શૈતાનિયત છુપી થોડી રહે. માતા સાવિત્રીબાઈને કથિત ઉજળિયાત વર્ગોએ મહેણાં-ટોણાં મારવાની શરુઆત કરી, પરંતુ હિમાલય સમ અડગ એવા મહાત્મા જ્યોતિબા જેવા પતિના પત્ની એમ કાંઈ ડગે ખરા ? સમાજની મહિલાઓને તેમના સ્વમાન અને સન્માનને શિક્ષણથી વિભુષિત કરવાના મહાત્મા જયોતિબા ફુલેના સ્વપ્નને સાકાર કરવા માટે સાવિત્રીબાઈને મન મહેણાં-ટોણાં સાંભળવા કશું વિસાતમાં નહોતા. પોતાના મહેણા-ટોણાથી સાવિત્રીબાઈને કશો જ ફરક નથી પડતો એવું જોઈને રૂઢિચુસ્ત અને મિથ્યાભિમાનીઓ વધુ નીચલી કક્ષાએ પહોંચી ગયા અને સાવિત્રીબાઈ જ્યારે શાળામાં કન્યાઓને ભણાવવા માટે ઘેરથી નીકળે એટલે રસ્તામાં સાવિત્રીબાઈ ઉપર કાદવકીચડ, છાણ, ગંદકી ફેંકવાની શરૂઆત કરી અરે પથ્થરો મારતા પરંતુ માતા સાવિત્રીબાઈ જેમનું નામ ડગવાનુ કે પાછા પગલા ફરવાનું તો શિખ્યા જ નહોતા સાવિત્રીબાઈ મેરુ પર્વત જેવા મક્કમ અને અડગ હતા. પરંતુ કાદવકીચડ, છાણ, ગંદકી વાળા કપડા પહેરીને શાળામાં જવાય નહી અન્યથા દિકરીઓને ખોટો સંદેશો જાય કે ગંદા કપડા પહેરી શકાય, પહેરીને શાળામાં આવી શકાય તો સ્વચ્છતાના શિક્ષણનું શું ? પતિ જેટલા જ દૂરંદેશી તથા અડગ મનોબળ ધરાવતા માતા સાવિત્રીબાઈ શાળાએ જતી વખતે પોતાની સાથે થેલીમાં કપડાની બીજી જોડી રાખવા માંડ્યા અને શાળાએ પહોંચીને સમાજ દુશ્મનોએ ગંદકી નાંખીને બગાડેલા કપડા બદલી દેતા. સાવિત્રીબાઈ મક્કમ હતા તેમના સંઘર્ષનો ખ્યાલ એ હકીકત પરથી આવશે કે કન્યા કેળવણીના કામ માટે જયોતિરાવે સાવિત્રીબાઇને બે સાડી આપી હતી, એક ઘરેથી નિશાળે જતા સુધી પહેરવાની અને ઉજળિયાતોના શબ્દાર્થમાં ગંદા હુમલાને કારણે એ સાડી ખરાબ થઇ જાય એટલે નિશાળે જઇને એ સાડી બદલીને બીજી સાડી પહેરવાની. 

પોતાની પર હીણા હુમલા કરનારાને સાવિત્રીબાઇ કહેતા હતા, હું તો મારી ફરજ બજાવુ છુ. ભગવાન તમને માફ કરે.’ એક વાર કોઇએ તેમની છેડછાડની કોશિશ કરી ત્યારે સાવિત્રીબાઇએ એક તમાચો ચોડી દીધો. ત્યારથી રસ્તામાં થતી હેરાનગતિ અટકી, પણ સમાજનું દબાણ ચાલુ રહ્યું. જયોતિરાવ-સાવિત્રીબાઇ સામે પોતાનું જોર ન ચાલતા હંમેશા બનતું રહ્યું છે તેમ લોકોએ જયોતિરાવના પિતા પર દબાણ કર્યું. જયોતિરાવના પિતાએ દબાણને વશ થઈ નાછુટકે, અનિચ્છાએ પણ જ્યોતિરાવ તથા સાવિત્રીબાઈ ને શાળા અથવા ઘર- બેમાંથી એકની પસંદગી કરવા કહ્યું. પરંતુ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જ જીવન જીવતા જયોતિરાવે શાળા પસંદ કરી, જ્યોતિરાવના ધ્યેયને પૂર્ણ કરવા માટે અર્ધાંગિની તરીકે સાવિત્રીબાઈએ પતિને પગલે જ આગળ વધવાનું પસંદ કર્યું અને બંનેએ ઘર છોડ્યુ. જોકે સાવિત્રીબાઇને ઘરમાં રહેવું હોય તો છૂટ હતી, પરંતુ જરા સરખા ખચકાટ વિના સમાજ સુધારણાના પતિના ધ્યેયના સાથી બનીને તેમણે ઘર છોડી દીઘું. નિશાળે ભણવા આવતા શુદ્ર બાળકોને જાહેર કૂવા કે જાહેર પરબ પરથી પીવા માટે પાણી પણ ન મળે. એ વખતે સાવિત્રીબાઇ પોતાના ઘરેથી તેમને પાણી આપતા હતા.

ભારતીય સમાજમાં જાગૃતિ નો પવન ફૂંકાવો શરુ થયો હતો,સતીપ્રથા બંધ થઇ અને વિધવા વિવાહ સામેનો વિરોધ ચાલુ થયો. તત્કાલીન સમાજમાં વિશિષ્ટ સ્થિતિ સર્જાઇ. યુવાન વયે વિધવા થયેલી, ખાસ કરીને ઉજળિયાત સ્ત્રીઓની હાલત દયનીય બની. તેમને અસ્પૃશ્યની જેમ જીવવુ પડતુ. વયના પ્રભાવને કારણે કોઇ સાથે સંબંધ થાય અને વિધવા સ્ત્રી માતા બનવાની હોય ત્યારે તેની સામે જીવનું જોખમ વેઠીને ગર્ભપાત કરાવવા કે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઇ રસ્તો રહેતો ન હતો. આ પરિસ્થિતિ જયોતિબાના ઘ્યાન પર આવી. એટલે તેમણે જાતિના ભેદભાવ રાખ્યા વગર વિધવા સ્ત્રીઓ માટેનું પ્રસુતિગૃહ ઊભું કર્યું. એક બ્રાહ્મણ વિધવા બહેનને જયોતિબા સમજાવીને આપઘાતના રસ્તે આગળ વધતી પાછી વાળીને પોતાના ઘરે લઇ આવ્યા. બહેને પોતાની વ્યથા વ્યક્ત કરી કે જો તે બાળકને જન્મ આપશે તો પિતાનાં નામ વગરના બાળકને સમાજ નહીં સ્વીકારે અને એ બાળકનું જીવન વેદનાથી ભરપૂર નરક સમાન બની જશે. વિધવા બહેનની વ્યથા સાંભળીને જ્યોતિબા ફુલેએ તેના ભાવિ સંતાનના પિતા તરીકે પોતાનું નામ આપવાની તૈયારી બતાવી. પત્ની તરીકે કેટલી વિકટ પરિસ્થિતિ હશે તેની કલ્પના આજે પણ ધ્રુજાવી દે પરંતુ સાવિત્રીબાઇ જ્યોતિબાની સાથે અડીખમ ઊભા હતા. એ વિધવા સ્ત્રીના પુત્રને ફુલે દંપતિએ દત્તક લીધો અને એ પુત્ર યશવંતે જ પહેલા પિતા જ્યોતિબા અને પછી માતા સાવિત્રીબાઇને અગ્નિદાહ આપ્યો. 

સાવિત્રીબાઇનું મહત્ત્વ કેવળ જોતિબાના પત્ની હોવામાં જ નહીં, પણ સામા પૂરે તરનારા પતિના સરખે-સરખા સાથી બની રહેવામા પણ છે.

સાવિત્રીબાઇ ફુલે ન માત્ર મહિલા શિક્ષણના આગ્રહી, પતિના ધ્યેયને માટે કંઈ પણ સહન કર્વાની શક્તિ ધરાવતા અને આદર્શ સમાજ સુધારક હતા અપિતુ તેઓ ખુબ જ સારા કવયત્રી પણ હતા. તેમના બે કાવ્યસંગ્રહો ‘કાવ્યફૂલે’ અને ‘બાવનકશી સુબોધ રત્નાકર’ ઉપરાંત જોતિબાને તેમણે લખેલા પત્રોના સંકલન પ્રગટ થયા છે. આજીવન સંઘર્ષ પછી ૧૮૮૮માં જોતિબાનું અવસાન થયું. તેમના ગયા પછી 1893માં પડેલા ભીષણ દુકાળ વખતે અને 1897માં ફાટી નીકળેલા પ્લેગ વખતે સાવિત્રીબાઇએ રાહતકાર્યોમાં જાતને જોતરી દીધી. પ્લેગના દર્દીઓની સેવા કરતા તેમને પણ ચેપ લાગ્યો અને 10 માર્ચ, 1897ના રોજ 66 વર્ષની વયે તેમણે આ ધરતી ઉપરથી વિદાય લીધી. આજે તમામ ક્ષેત્રોમાં સ્ત્રીશક્તિનો સ્વીકાર થયો છે, ત્યારે એ ક્ષેત્રે સાવિત્રીબાઇનું પ્રદાન આટલા વર્ષો પછી પણ અવિચળ છે.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *