- ડૉ. ખ્યાતિ દવે
રાણી ગાઈદીન્લ્યુનો જન્મ 26 જાન્યુઆરી, 1915માં મણિપુર રાજયના તામેગલાંગ જિલ્લાના નુંગકાઓ નામના ગામમાં થયો હતો. તેમણે માત્ર તેર વર્ષની ઉંમરથી જ રાષ્ટ્રની સ્વતંત્રતા અને સંસ્કૃતિના રક્ષણની ગતિવિધિઓમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. તેઓ નાગાઓના જાણીતા રાજનૈતિક અને આધ્યાત્મિક નેતા હઈપાઉ જાદોનાંગના સંપર્કમાં આવ્યા જેમણે અંગ્રેજોને મણિપુરમાંથી હાંકી કાઢવા માટે આંદોલન શરૂ કર્યું હતું. જ્યારે જાદોનાંગને અંગ્રેજોએ 29 ઑગસ્ટ, 1931ના રોજ ફાંસી આપી, ગાઈદિન્લ્યુએ તેમના આંદોલનની કમાન સંભાળી. તેઓને એમ કહીને પોતાના અનુયાયીઓને અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે પ્રેરિત કર્યા કે “આપણે સ્વતંત્ર લોકો છીએ. ગોરાઓને આપણી પર શાસન કરવાનો કોઈ અધિકાર નથી. આપણે સરકારને ગૃહવેરો નહીં આપીએ અને તેમના બંધુઆ મજૂરી જેવા અનુચિત કાનૂનોને નહીં માનીએ.” ધ બેટર ઈન્ડિયા પુસ્તક અનુસાર ગાઇડિન્લ્યુ કોઈપણ કિંમતે પોતાની સંસ્કૃતિ, ભાષા અને માટીનું રક્ષણ કરવા માંગતા હતા. તમણે જોયું કે અંગ્રેજો વનવાસીઓનું બળજબરીથી ધર્માંતરણ કરી રહ્યા હતા અને પોતાની જીવનશૈલી વનવાસીઓ પર લાદી રહ્યા હતા. ગાઇડિન્લ્યુએ તેમના સમુદાયના લોકોને રાષ્ટ્રભક્તિના વિચારથી અને સ્વ સંસ્કૃતિ, વારસો અને ધર્મ પ્રતિ જાગૃત કરવા માટે શરૂઆત કરી. ગાઈડિન્લ્યુના શબ્દોમાં કહીએ તો, “ધર્મ ગુમાવવો એટલે પોતાની સંસ્કૃતિ ગુમાવવી; પોતાની સંસ્કૃતિ ગુમાવવી એટલે પોતાની ઓળખ ગુમાવવી.”
17 વર્ષની ઉંમરે તેણે અંગ્રેજો સામે ગેરિલા યુદ્ધ શરૂ કર્યું. તેમના આંદોલનના સામાજિક, ધાર્મિક અને રાજનૈતિક ઉદેશો હતા. તેઓ પારંપરિક નાગા સંસ્કૃતિની રક્ષા કરવા માગતા હતાં. તેમના રાજનૈતિક કાર્યક્રમો ગાંધીજીના વિચારોથી પ્રભાવિત હતા. બ્રિટિશ સરકારે તેમને પકડી લઈને તેમના આંદોલનને કચડવાનો નિર્ણય લીધો. આ માટે ઘેર-ઘેર તેમની તપાસ કરવામાં આવી જેથી પોતાનું નામ બદલીને “દાઈલેન્સ્યૂ” રાખવું પડયું. 18 માર્ચ, 1932ના રોજ, લગભગ 50-60 લોકોએ હંગરુમ ગામમાંથી બ્રિટિશ સૈનિકો પર હુમલો કર્યો. જો કે, અંગ્રેજોની બંદૂકો સામે ભાલા અને ધનુષ અને તીર ટાંચા સાબિત થયા. આ યુદ્ધ પછી અંગ્રેજોએ આ હુમલાનો બદલો લેવા માટે રાણી ગાઈડિન્લ્યુની શોધ શરૂ કરી પરંતુ હાથમાં આવે તો રાણી ગાઈડિન્લ્યુ શેના! તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા અને પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. બ્રિટિશ સરકાર પહેલેથી જ રાણી ગાઈડિન્લ્યુની લોકપ્રિયતાથી પરેશાન હતી ત્યારે રાણી ગાઈડિન્લ્યુએ છેડેલુ ગેરિલા યુદ્ધ અંગ્રેજોના મોઢા પર તમાચા સમાન હતું. બ્રિટિશ શાસનને વિરુદ્ધ લડવા માટે જયારે તેઓ લાકડાનો કિલ્લો કરી રહ્યા હતા, ત્યારે બ્રિટિશ સેનાએ તેમના રહેઠાણ પર અચાનક હુમલો કર્યો અને 17 ઑક્ટોબર, 1932ના રોજ તેમની ધરપકડ કરી અહીંથી રાણી ગાઈડિન્લ્યુને કોહિમા અને ત્યારબાદ ઈમ્ફાલ લઈ જવામાં આવ્યા. અહીં તેમના પર હત્યા અને હત્યાના કાવતરાનો આરોપ લગાવવમાં આવ્યો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમના મોટાભાગના સાથીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી અથવા તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
સન્ 1937માં જ્યારે પંડિત જવાહરલાલ નહેરુએ આસામની મુલાકાત લીધી ત્યારે તેમણે ગાઈદીન્લ્યુ અને તેમના આંદોલન વિશે સાંભળ્યું. તેઓ તેના અદમ્ય સાહસ અને બ્રિટિશ સરકાર વિરુદ્ધના સંઘર્ષથી પ્રભાવિત થયા. તેઓને એ વાત સાંભળીને ઊંડો આઘાત લાગ્યો કે 22 વર્ષની આ તરુણીએ કેટલાં દુઃખ વેઠયાં છે. તેમણે કહ્યું કે “પોતાની યુવાનીના સુવર્ણ કાળમાં એક સામ્રાજયને પડકાર આપવાનું સાહસ કરનાર યુવતીને આ બ્રિટિશ શાસકોએ કેવી – કેવી યાતનાઓ આપી અને તેના આત્માનું દમન કર્યું.” તેમના પરાક્રમો અને ઉપલબ્ધિઓની પ્રશંસા કરતા તેમણે તેઓનો ઉલ્લેખ ‘નાગાઓની રાણી’ તરીકે કર્યો. તેમના છુટકારા માટે પં. નહેરુએ લેડી ઑસ્ટરની મદદથી બ્રિટિશ સંસદમાં પણ અવાજ ઉઠાવ્યો, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું. 1933 થી 1947 સુધી તેમણે ગુવાહાટી, શિલોંગ, આઈઝોલ અને તુરા જેલમાં લગભગ 15 વર્ષ વ્યતિત કર્યા બાદ, સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી ભારત સરકાર દ્વારા તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. તેઓ પોતાના પૂર્વજોના નાગા ધાર્મિક પ્રથાઓના હિમાયતી હતા, તેણીએ નાગાઓના ખ્રિસ્તી ધર્માંતરણનો સખત પ્રતિકાર કર્યો હતો.
રાની ગાઈડિન્લ્યુ સ્વતંત્ર ભારતના રાજનૈતિક માળખાંમાં પોતાના લોકોને સન્માન અપાવવા નિરંતર સંઘર્ષમાં રહ્યાં. તેમને 1972માં તામ્રપત્ર અર્પણ કરીને તથા 1981માં ‘પદ્મભૂષણ’થી અલંકૃત કરીને સન્માનિત કરવામાં આવ્યા. એક સ્વાતંત્ર્ય સેનાની, એક રાજનૈતિક નેતા અને એક સમાજસુધારક હોવાની સાથે તેઓ એક ઓજસ્વી આધ્યાત્મિક મહિલા પણ હતા. તેમનું અવસાન 17 ફેબ્રુઆરી, 1993ના રોજ મણિપુરમાં તેમના પૈતૃક ગામમાં થયું. તેઓ સંભવતઃ એકમાત્ર મહિલા સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે 15 વર્ષથી વધુ સમય બ્રિટિશ જેલમાં વિતાવ્યો હતો. તેમની યાદમાં ભારત સરકારે 12 સપ્ટેમ્બર 1996માં સ્મારક ટપાલ ટીકીટ પણ બહાર પાડી, 2015માં રાણી ગાઈડિન્લ્યુના શતાબ્દી વર્ષ નિમિત્તે તેમના સન્માનમાં સિક્કા જારી કરવામાં આવ્યા.
રાણી ગાઈડિન્લ્યુના શબ્દો, “ધર્મ ગુમાવવો એટલે પોતાની સંસ્કૃતિ ગુમાવવી; પોતાની સંસ્કૃતિ ગુમાવવી એટલે પોતાની ઓળખ ગુમાવવી.” આજે પણ એટલા જ પ્રસ્તુત અને અનુકરણીય છે.
- ડૉ. ખ્યાતિ દવે
(વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા)