રાજપુરુષનું જીવન સમાજસેવક તરીકેનું અને પ્રેરક હોવું જોઈએ. પરંતુ વર્તમાન સમયમાં કેટલાક રાજપુરુષો સમાજસેવકને બદલે માત્ર રાજનેતા જ બની રહ્યા છે. ત્યારે કેટલાક જૂજ વ્યક્તિત્વો દૃષ્ટિ સમક્ષ આવી જાય છે જે તમામ પક્ષના નેતાઓને, પક્ષોને પોતાના જીવન થકી અનોખી પ્રેરણા આપે છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય તેમાંના અગ્રહરોળના રાજપુરુષ છે.
પંડિત દીનદયાળજી ઉપાધ્યાય ભારતીય રાજનૈતિક આકાશના એક દેદીપ્યમાન નક્ષત્ર હતા. સંસ્કારી રાજપુરુષ અને મૂલ્યનિષ્ઠ મંત્રદૃષ્ટા દીનદયાળજી સાદું જીવન અને ઉચ્ચ વિચારોનું મૂર્તિમંત્ર સ્વરૂપ હતા. સુપ્રસિદ્ધ સમાજવાદી સાંસદ બેરિસ્ટર નાથપાઈજીએ દીનદયાળજી માટે ઉચ્ચાર્યું છે : “પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ભારતીય રાષ્ટ્રીયતાની સનાતન ધારામાં, ટિળક અને બોઝની પરંપરાના રાષ્ટ્રનાયક હતા.
૨૫ સપ્ટેમ્બર, ૧૯૧૬ના દિવસે જયપુર-અજમેર રેલવે લાઈન પર આવેલ ધનકિયા ગામે તેમનો જન્મ થયો હતો. માત્ર સાત જ વર્ષની ઉંમરે દીનદયાળજીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દેતા મામા શ્રી રાધારમણ શુક્લ પાસે તેમનો ઉછેર થયો. બાલ્યકાળમાં જ અનેકવિધ સંકટોને વેઠીને પણ દીનદયાલ તેજસ્વી છાત્ર તરીકે અજમેર બોર્ડની મૈટ્રિક પરીક્ષામાં સર્વપ્રથમ આવ્યા અને સુવર્ણચંદ્રક મેળવ્યો.
સુવર્ણચંદ્રક મેળવનાર અતિ તેજસ્વી દીનદયાલજીએ પોતાની વ્યક્તિગત કારકિર્દી બનાવવાને બદલે રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરવાના સંકલ્પ સાથે ૧૯૪૨માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક બન્યા.
૨૧ ઑકટોબર, ૧૯૫૧ને દિવસે સ્થપાયેલા રાજકીય પક્ષ ભારતીય જનસંઘના ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સહિત પંડિત દીનદયાળ આદ્યસંસ્થાપકો પૈકીના શીર્ષસ્થ નેતા હતા. અખિલ ભારતીય મહામંત્રી તરીકે દીનદયાળજીએ ભારતીય જનસંઘના સંગઠનને પોતાના કૌશલ્ય અને દૃષ્ટિવંત નેતૃત્વથી ઉર્જાવાન કર્યું.
ભારતીય દર્શન, ભારતીય ચિંતન, ભારતીય રાષ્ટ્રવાદના અભ્યાસુ અને એકાત્મ માનવદર્શનના ભાષ્યકાર દીનદયાળ ઉપાધ્યાય માટે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાયીએ કહ્યું હતું, “અમારામાં માત્ર ઉપાધ્યાયજી જ વિચારક હતા. અમે બાકીના સહુ તો તેમના વિચારોના નાના-મોટા પ્રચારક જ છીએ…! દીનદયાળજી સંસદ સદસ્ય તો નહોતા, પરંતુ અમારા જેવા અનેક સંસદ-સદસ્યોના તેઓ નિર્માતા હતા.”
આજે અનેક રાજકીય પક્ષો કાર્યરત છે પરંતુ સારો પક્ષ કોને કહી શકાય? ત્યારે દીનદયાલ ઉપાધ્યાય કહે છે કે – ‘માત્ર વ્યક્તિઓનું ટોળું ભેગું થવાથી કોઈ પક્ષ સારો બનતો નથી, માત્ર સત્તા માટે જ નહીં, પરંતુ વિશિષ્ટ ધ્યેયની પ્રાપ્તિ માટે જન્મે અને કાર્ય કરે તેવા સુસંગઠિત પક્ષને હું સારો પક્ષ માનું છું. આવો પક્ષ રાજકીય સત્તાને સાધ્ય નહીં, સાધન માને છે, પક્ષના પ્રમુખથી માંડીને સામાન્ય કાર્યકર્તા પણ ધ્યેયનિષ્ઠ હોવા જોઇએ. ધ્યેયનિષ્ઠાથી જ સમર્પણની ભાવના અને શિસ્તનો જન્મ થાય છે. માત્ર બાહ્ય પરિપત્રો કે નિયમોનો સ્વીકાર કરવાથી શિસ્ત આવતી નથી. ઉપરથી શિસ્ત જેટલું વધારે લાદવામાં આવે છે તેના પ્રમાણમાં પક્ષની આંતરિક શક્તિ નબળી પડે છે. સમાજ માટે ધર્મનું જેટલું મહત્ત્વ છે, તેટલું જ મહત્ત્વ પક્ષ માટે શિસ્તનું હોવું જોઈએ. પક્ષમાં ધ્યેયનિષ્ઠા અને શિસ્ત હશે તો જૂથવાદને કોઈ સ્થાન રહેશે નહીં. પોતાના સંકુચિત સ્વાર્થોથી જ પક્ષનું હિત જ્યારે ગૌણ લાગે છે, ત્યારે જૂથવાદની શરૂઆત થાય છે. જૂથવાદ અહંવાદી તેમજ વિકૃત માનસિકતાની સામાજિક અભિવ્યક્તિ છે. જૂથવાદની નબળો પડેલો પક્ષ કદી પ્રભાવશાળી બની શકતો નથી. તેમજ કોઈ નક્કર ભૂમિકા ભજવી શકતો નથી. સારા પક્ષનો ત્રીજો મહત્ત્વનો ગુણ એ છે કે તેને કોઈ વિશિષ્ટ ધ્યેય માટે સમર્પિત થવું જોઇએ, ને તે ધ્યેયસિદ્ધિની પ્રાપ્તિ માટે મચી પડવું જોઈએ. તેના બધા જ નીતિનિયમો એવા હોવા જોઈએ કે તે ધ્યેયને સાકાર બનાવવા માટે જ બનાવેલા હોવા જોઇએ. રાજકારણમાં આ શક્ય નથી કે દરેક વ્યક્તિ ધ્યેય નીતિના વર્તુળમાં સોએ સો ટકા ફીટ થાય. કોઈ કોઈ વાર પ્રશ્નનનો વિચાર વસ્તુનિષ્ઠ વ્યાવહારિક દૃષ્ટિથી પણ કરવો પડે છે, પરંતુ વ્યવહારિક્તાના નામ ઉપર સગવડિયાઓને સ્થાન મળવું જોઈએ નહી. રાજકીય પક્ષ અને પક્ષોના નેતા પોતાના આચરણ વડે રાજનીતિક જીવનમૂલ્યોને પ્રસ્થાપિત કરે છે. તેઓ આ સંબંધમાં જારી માપદંડોનું પણ નિર્માણ કરે છે. એટલા માટે રાજકીય પક્ષોએ સામાજિક જીવનના સંકેતોને ગમે તેવી કપરી પરિસ્થિતિમાં અસ્વીકાર ના કરે. લોકશાહી માત્ર ચૂંટણીથી જીવંત બનતી નથી. આના માટે તો સુસંગઠિત સમાજ, સુસંગઠિત પક્ષ અને રાજનૈતિક આચરણના નીતિ નિયમો અને સંકેતોની સુવ્યવસ્થિત સ્થાપના થવી અત્યંત અનિવાર્ય છે. પંડિતના ઉપર્યુક્ત વિચારો આજે કેટલા સુસંગત છે ? આજના કાર્યકરો અને નેતાઓએ તેઓની આ બાબતો ગાંઠે બાંધવી જોઈએ. આવા ઋષિતુલ્ય આર્ષદૃષ્ટા, અદના શિક્ષક જેવા વિનમ્ર દીનદયાળજીનું જીવન સદૈવ પ્રેરક બની રહે તેમ છે. આવા પંડિત દીનદયાળજીની મુગલસરાય રેલવે સ્ટેશન નજીક ટ્રેઈન પ્રવાસ દરમ્યાન જ નિર્ગુણ હત્યા કરવામાં આવી. ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮ની આ દુર્ઘટનાથી એક દંતકથારૂપ આદર્શ રાજપુરુષની જીવનલીલા કરૂણાંતિકા બની રહી, પરંતુ એક રાજનૈતિક મંત્રદૃષ્ટા, અપ્રતિમ સંગઠક, અનન્ય સેવા-સાદગી-શુચિતા અને સમર્પણની પ્રતિમૂર્તિ સમાન દીનદયાળજીના જીવનના અનેકવિધ પ્રેરક પ્રસંગો ભારતીય રાજનીતિ અને જાહેરજીવનમાં આજે પણ દીપસ્તંભ સમાન પ્રેરક અને માર્ગદર્શક બની રહ્યા છે.