મુઘલયુગના અસ્તથી લઈને આજ સુધીનો ઇતિહાસ
– હિમાદ્રી આચાર્ય દવે
એ સમયની વાત છે જ્યારે બાબર, અકબર અને ઔરંગઝેબ જેવા મુઘલ રાજાઓ થઈ ચૂક્યા હતા. લગભગ દોઢસો વર્ષના શાસન બાદ 1700ની આસપાસ મોગલ સામ્રાજ્યનો દોર ખતમ થવામાં હતો. હિન્દુઓમાં રામજન્મભૂમિ બાબતે સતત અવાજ ઉઠતો જ રહ્યો હતો કે આ સ્થળ છે ત્યાં પહેલા મંદિર હતું તો હવે મંદિર માટે આ જગ્યા પાછી સોંપી દેવી જોઈએ વગેરે..
બ્રિટિશ સમયમાં બ્રિટિશ ઓથોરિટીએ તેના સર્વેયર મોંટગોમેરી માર્ટીનની આગેવાનીમાં 1838માં આ જગ્યાનો એક સર્વે કરાવ્યો. આ સર્વેના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે આ મસ્જિદનાં પિલર, સ્થંભ મંદિરમાંથી લેવામાં આવ્યા છે. સ્થંભ પરની આકૃતિઓ અને શિલાલેખ દર્શાવે છે કે એ મંદિરના સમયના છે અને મંદિરમાંથી લેવામાં આવ્યા છે. સર્વેના આ રિપોર્ટથી તે સમયે ખૂબ ઉહાપોહ થયો હતો. ત્યારબાદના વર્ષો આ મામલે ક્યારેક નરમ તો કયારેક ગરમાયા કર્યો જોકે હિંદુ સમાજ સતત સંઘર્ષરત રહ્યો.
1853માં અવધના આખરી નવાબ વાજીદશાહના સમયમાં નિર્મોહી અખાડાએ દાવો કર્યો કે આ બાબરના સમયમાં મંદિર તોડીને આ ઢાંચો બનાવવામાં આવ્યો છે. અને ત્યારબાદના રમખાણોની વિગતો આપણે ભાગ-1માં જોઈ ચુંક્યા છીએ
એ પછી 1857નો બળવો થયો. આ બળવામાં અયોધ્યા (અવધ) પ્રમુખ કેન્દ્ર હતું એટલે બ્રિટિશરોએ આ તંગદિલી ભર્યા વાતાવરણમાં બાબરીનો મુદ્દો ન ઉમેરાય એની તકેદારી રુપે આ ભૂમિને બે ભાગમાં વિભાજીત કરીને 1859માં મંદિર અને મસ્જિદ, બન્નેને જુદી પાડતી ફેંસિંગ લગાવી દીધી. એ લોકોનું માનવું હતું કે બન્નેના રસ્તા અલગ થઈ જશે તો સામસામે વિવાદમાં ઉતારવાનું ઓછું થઈ જશે અને ધીમે ધીમે વિવાદ ઉકેલાઈ જશે. અને એવું થયું પણ ખરું કારણ કે પછીના 26 વર્ષ સુધી અહીંયા દેખીતી રીતે શાંતી જળવાઈ રહી.
ત્યારબાદ, 1885માં આ મામલો પહેલીવાર કોર્ટમાં પહોંચ્યો. નિર્મોહી અખાડા કે જેના દ્વારા આ પહેલા પણ બાબરીની જગ્યાએ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને ત્યારે હિંસા ભડકી ઉઠી હતી એટલે આ વખતે તેમણે અદાલતમાં જવાનું નક્કી કર્યું. નિર્મોહી અખાડાના મહંત રઘુદાસે ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂઆત કરી કે અહીંયા જે રામ ચબુતરો છે ત્યાં અમને નાનું એવું મંદિર બનાવવાની પરમિશન આપવામાં આવે. પણ અદાલતે એમ ન કર્યું, અંગ્રેજોએ તેમનો પાવર કામે લગાડી અખાડાની માંગને ચતુરાઈપૂર્વક નકારી કાઢી.
1857 પછી દેશમાં આમ પણ તણાવનું વાતાવરણ હતું અને 1934 આવતાં આવતાં અયોધ્યામાં સાંપ્રદાયિક હિંસા ફરી ભડકી ઉઠી. આ હિંસામાં બાબરીની એક દિવાલ તૂટી પડી. જોકે અંગ્રેજોએ આ દિવાલ પાછી ચણાવી દીધી.
1947 દેશ આઝાદ થયો એ સમયગાળામાં, રામ ચબુતરા પર રામલલાની એક નાનકડી મૂર્તિ હતી ત્યાં એ જગ્યા પર એ સમયે દરરોજ ઘણા લોકો દર્શન કરવા આવતાં હતાં.
લોકોમાં એવી લાગણી થવા લાગી કે દેશ તો સ્વતંત્ર થઈ ગયો પણ રામ જન્મભૂમિને હજી મુક્તિ નથી મળી કારણ કે મંદિરની જગ્યાએ બાબરી છે અને રામલલાને હજી તેમનું ઘર પાછું મળ્યું નથી.
23 ડિસેમ્બર 1949, કહેવાય છે કે બાબરીના મુખ્ય ગુંબજ નીચે રામલ્લલાની મૂર્તિ પ્રગટ થઈ! એ જ મૂર્તિ કે જે, ચબુતરા પર પૂજાતી હતી. અને આ મૂર્તિની પૂજા શરૂ કરી દીધી. મંદિરમાં ઘંટારવનો અવાજ થતા આજુબાજુના લોકોને ખબર પડી. પોલીસને પણ ખબર પડી કે અહીં કંઈક થઈ રહ્યું છે અને કહેવાય છે કે સવારે 6:30 સુધીમાં તો ત્યાં હિન્દુઓની મોટી ભીડ દર્શન કરવાં અને મુસ્લિમોની ભીડ વિરોધ કરવાં એકઠી થઈ ગઈ. મુસલમાનનું કહેવું હતું કે બાબરીમાં રામલલાની મૂર્તિ રાખવી કોઈપણ રીતે યોગ્ય નથી. પોલીસના રિપોર્ટમાં જણાવાયું હતું કે અહીંયા એટલી બધી ભીડ છે કે અમે હાલની તકે કાંઈ પણ કરવાં અક્ષમ છીએ
એ સમયે જવાલાલ નેહરુ વડાપ્રધાન હતા એમના કાન સુધી આ વાત પહોંચી તો એમણે કહ્યું કે કોઈપણ ધર્મના આસ્થાના સ્થળો પર જઈને આવી રીતે કબજો જમાવવો એ યોગ્ય નથી આ સમયે દેશનું સંવિધાન પણ લાગુ પડ્યું નહોતું પણ નેહરુનું કહેવું હતું કે આ યોગ્ય થયું નથી. તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટ કે કે નાયરને મૂર્તિ હટાવવાનો આદેશ આપ્યો પણ નાયરે, જંગી ભીડ અને લોકજુવાળને આગળ ધરી, તેમ કરવામાં અસમર્થતા દાખવી. આના ચાર દિવસ પછી PMO તરફથી ફરી પાછો કે કે નાયરને મૂર્તિ હટાવી લેવાનો આદેશ આપવામાં આવ્યો. જેના જવાબમાં કે કે નાયરે રાજીનામું મોકલ્યુ અને થોડાક સૂચન પણ મોકલ્યા કે, કારણ કે આ મામલો ખૂબ સંવેદનશીલ બની ગયો છે તો આ મામલો આપ અદાલતને સોંપી દો અને અદાલતનો ફેસલો આવે ત્યાં સુધી અત્યારે જ્યાં રામલલાની મૂર્તિ રાખવામાં આવી છે તેની બહાર જાળી જેવો દરવાજો લગાડી દેવામાં આવે તેથી લોકો દૂરથી દર્શન કરશે અંદર કોઈ જઈ શકે અને બાબરીની સુરક્ષા બની રહેશે. નહેરુને આ સૂચન યોગ્ય લાગ્યું અને પણ આ પ્રમાણે કર્યું.
ઉપરોકત કિસ્સામાં, હિન્દુ પક્ષ તરફથી એવી રીતે રજૂઆત કરવામાં કે આ મૂર્તિ રાખવામાં નથી આવી પરંતુ આપ મેળે ત્યાં પ્રગટ થઈ છે. એ પછી જાન્યુઆરી 1950માં હિંદુસભાના અધ્યક્ષ ગોપાલચંદ્ર અને દિગંબર અખાડાના રામચંદ્રદાસ તરફથી કોર્ટમાં અપીલ કરવામાં આવી કે હવે જ્યારે મૂર્તિ પોતાની મેળે પ્રગટ થઈ છે તો હિંદુઓને મંદિરની અંદર પૂજા કરવાનો હક આપવામાં આવે. કોર્ટ આ અપીલને નકારતાં, આ સ્થળ પર હિંદુ તેમજ મુસ્લિમ, બંનેનો પ્રવેશ બંધ કરવાનો આદેશ આપ્યો. આવી રીતે અહીંયા હિંદુને પૂજા તથા મુસ્લિમને ઇબાદત કરવાની મનાઈ ફરમાવવામાં આવી તેથી લોકોને પાક્કી ખાતરી થઈ કે આ સ્થળ હવે વિવાદિત થઈ ચૂક્યું છે અને આનો ફેસલો આવતા ઘણી જ વાર લાગશે.
1959માં નિર્મોહી અખાડા કોર્ટમાં એક કેસ કરે છે જેમાં અપીલ કરવામાં આવી કે, કારણ કે આ ચબુતરાની દેખરેખ તેમજ પૂજાપાઠ પણ અમે કરીએ છીએ અને મૂર્તિ પણ ત્યાં સ્વયંભૂ પ્રગટ થઈ છે તો હવે અમને આ ભૂમિનો પૂરો વહીવટ સોંપી દેવો જોઈએ. આ એ જ સમય છે જ્યારે પહેલી વખત આ વિસ્તારને વિવાદિત ભૂમિ કે ઢાંચા તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો. કોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું કે આ સ્થળ હવે બહુ જ વિવાદમાં ઘેરાઇ ચૂક્યું છે.
આના બે વર્ષ પછી જ સુન્ની વકફ બોર્ડ કોર્ટમાં કેસ કર્યો. જેની રજૂઆતમાં કહ્યું કે અહીંયા પહેલા મસ્જિદ હતી અને હજુપણ છે તેથી અહી હિન્દુઓની પ્રવેશને બાધ્ય કરવામાં આવે અને આ જગ્યાનો કંટ્રોલ અમને આપવામાં આવે. કોર્ટમાં 20 વર્ષ સુધી આ કેસ ચાલતો રહ્યો.
1980માં જનસંઘથી અલગ થઈને ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી. એ તો સર્વવિદિત છે કે બીજેપીના આવવા પછી આ ચિત્ર બદલવા લાગ્યું. બીજેપી હિંદુત્વ તરફી અને તુષ્ટીકરણ વિરોધી પાર્ટી હોવાથી બીજેપીએ પોતાના એજન્ડામાં રામજન્મભૂમિનો મુદ્દો લીધો. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવસેના વગેરેએ પણ રામજન્મભૂમિનો મુદ્દો ઉઠાવવા માંડ્યો. રામ મંદિર બનવું જોઈએ એ મુદ્દો ફરી જોરશોરથી ચર્ચાવા લાગ્યો હતો.
1984, ચૂંટણીનું વર્ષ હતું. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એપ્રિલમાં વિશ્વ હિન્દુ પરિષદે ધર્મ સંસદનું આયોજન કર્યું જેમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિતના ભાજપનાં દિગગજ નેતાઓ હાજર રહ્યા. વિહીપના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ અશોક સિંઘલે જાહેરાત કરી કે રામમંદિર જરુર બનાવીશું તેમજ એ પહેલા સીતામઢીથી લઈને અયોધ્યા સુધીની એક રથયાત્રાનું આયોજન કરીશું. અને એ માટે દેશભરમાંથી ‘જય શ્રી રામ’ લખેલી શિલાઓ મોકલવામાં આવશે. આ ઘટનાના છ મહિના બાદ 1984માં ઇંદિરા ગાંધીની હત્યા થઈ. દેશમાં તંગદીલીનું વાતાવરણ સર્જાયું અને રથયાત્રાનું આયોજન મોકૂફ રાખવું પડ્યું.
ઇંદિરા ગાંધીના મૃત્યુ પછી રાજીવ ગાંધી દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા. 1985 આસપાસ વળી મંદિરનો મુદ્દો ગરમાયો કે રામમંદિર ન બને ત્યાં સુધી મંદિરના દરવાજા ખોલવામાં આવે અને પૂજા કરવાની છૂટ આપવામાં આવે. વિહિપ આ મુદ્દે એકદમ સક્રિય ભૂમિકામાં હોવાની સાથે બીજેપી પણ તેમની સાથે હતી.
હવે એ તો પાક્કું થઈ ગયું હતું કે ભાજપ અને કોંગ્રેસ મંદિર મામલે બે અલગ અલગ છેડે છે. બન્ને પાર્ટી 1989ની આગામી ચૂંટણીઓની તૈયારીમાં લાગી હતી. કોંગ્રેસ એ જાણતી હતી કે બીજેપીને હિંદુ સંગઠનનો સપોર્ટ છે. તો રાજીવ ગાંધી પણ નહોતા ઇચ્છતા કે કોઈપણ સમુદાય કે કોઈપણ ધાર્મિક સંગઠન પોતાના વિરોધમાં ખડો થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાય. આ દરમિયાન થયું એવું કે 1986માં મુસ્લિમ ડિવોર્સી મહિલા શાહબાનોનો એક કેસ આવ્યો જેમાં સુપ્રીમકોર્ટે ફેંસલો આપ્યો કે આ મહિલાને તેના પતિ તરફથી ભરણપોષણ મળે. જેના કારણે રૂઢિચુસ્ત મુસ્લિમ સમાજ રાજીવ ગાંધી અને કોંગ્રેસથી નારાજ થઈ ગયો. તો રાજીવ ગાંધીએ સુપ્રીમ કોર્ટના આદેશને અધિનિયમ દ્વારા સંસદમાં પલટી નાખ્યો.
રાજીવ ગાંધીના આવા આવા પગલાથી આ તરફ હિન્દુ સમુદાય નારાજ થઈ ગયો. રાજીવ ગાંધી અને કોંગ્રેસ ઉપર તૃષ્ટીકરણના ઘણા બધા આરોપો લાગ્યા. હવે રાજીવ ગાંધીએ આના જવાબમાં શું કર્યું? એક ફેબ્રુઆરી 1986ના રોજ ફૈઝાબાદ કોર્ટમાં રામમંદિરના દરવાજા ખોલી આપવા અંગે અપીલ કરવામાં આવી અને આ અપીલના એક જ કલાકમાં કોર્ટે એવો ચુકાદો આપ્યો કે રામમંદિરના દરવાજા પૂજા કરવા માટે ખોલી દેવામાં આવે. અલબત્ત, કોંગ્રેસના નેતાઓ ખુલ્લેઆમ આ માટેની ક્રેડિટ લઈ શક્યા નહીં પરંતુ એ ઓપન સિક્રેટ હતું કે હિન્દુ પક્ષને રાજી રાખવા રાજીવ ગાંધીએ જ એક કલાકની અંદર અંદર રામમંદિરના દરવાજા ખોલાવી આપ્યા હતા.
બીજુ બાજુ રાજીવ ગાંધીના આવા નિર્ણયથી ફરી પાછો મુસ્લિમપક્ષ નારાજ થઈ ગયો અને બરાબર પાંચ દિવસ બાદ, 6 ફેબ. 1986માં લખનૌમાં મુસ્લિમ નેતાઓની મિટિંગ થઈ તેમજ બાબરી મસ્જિદ એક્શન કમિટીની સ્થાપના કરવામાં આવી
આ દરમ્યાન રામમંદિર સંદર્ભના લગભગ ચાલીસેક કેસ જુદી જુદી કોર્ટમાં હતા. અલ્હાબાદની લખનઉ બેંચે આ બધી જ પિટિશન એકઠી કરીને એવો હુકમ આપ્યો કે, હવે ન તો મુસ્લિમ કે ન તો હિંદુ, કોઈપણ આ સ્થળ પર નહીં જઈ શકે.
સમાંતરે વિશ્વ હિન્દુ પરિષદ દેશભરમાં રામમંદિર માટે આંદોલન ચલાવી રહી હતી આ આંદોલનમાં લોકો પાસેથી શ્રીરામ લખેલી ઈંટો એકઠી કરવી, લોકોને સભામાં બોલાવવા અને રામમંદિર મુદ્દે જાગૃત કરવા વગેરે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી.
1989 ઓગસ્ટ, ભાગલપુર બિહારમાં વિહીપની એક સભા ભરાઈ હતી અને તેમાં લોકો પાસેથી ઈંટો ભેગી કરવામાં આવી રહી હતી. એ દરમ્યાન એક અફવા ફેલાઈ કે હિંદુ સંગઠનો મંદિર નિર્માણ શરુ કરી રહ્યા છે. જેના કારણે હિંદુ- મુસ્લિમની વચ્ચે ભ્રમની સ્થિતિ ઉભી થઈ અને કોમી રમખાણો ફાટી નીકળ્યાં જેમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયાં અને લગભગ એક મહિનો આ રમખાણ ચાલ્યા. જે ભાગલપુર હિંસા તરીકે ઓળખાય છે
1989ના રોજ વિહીપે અયોધ્યા વિવાદિત સ્થળ પાસે શિલાન્યાસ કરવાનું એલાન કર્યું. સરકારને અંદેશો હતો કે વિહિપ જે રીતે અને જેટલા પ્રમાણમાં અહીં કારસેવકોને બોલાવી રહી છે એ જોતાં આ લોકો કદાચ ઢાંચો તોડી પાડે. કેન્દ્રમાં તેમજ યુપીમાં પણ તે સમયે કોંગ્રેસ સરકાર હોવાથી તેમણે વિહિપના નેતાઓને મનાવવાના પ્રયાસ કર્યા. પરંતુ રાજીવ ગાંધીએ પણ રાજનૈતિક વ્યૂહને અનુસરીને બહુ કડક વલણ નહોતું અપનાવ્યું કારણ કે આવતા વર્ષે જ ચુંટણી હતી, જેનું ઇલેક્શન કેમ્પઈન પણ રાજીવ ગાંધીએ અયોધ્યાથી શરૂ કર્યું. પણ બોફોર્સ કૌભાંડ અને રામજન્મભૂમિ કારણે કોંગ્રેસ આ ચૂંટણી હારી ગઈ હતી.
1984માં ફક્ત બે સીટ મેળવનાર બીજેપીને રામમંદિરનો મુદ્દો મતમાં ફેરવવામાં સફળતા મળી અને આ ચૂંટણીમાં 85 સીટ જીતી હતી અને તેણે નેશનલ ફ્રન્ટના વી.પી. સિંહને સરકાર બનાવવા માટે ટેકો આપ્યો હતો.
લેફ્ટની પાર્ટીઓએ પણ વીપી સિંહની સરકાર બનાવવામાં સપોર્ટ કર્યો હતો અને આ ઇતિહાસમાં પહેલીવાર બન્યું હતું કે લેફટ અને રાઈટ બન્ને વિચારધારાના પક્ષે એકસાથે કોઈ સરકાર બનાવવામાં સપોર્ટ આપ્યો હોય.
25 સપ્ટે. 1990 એલ. કે. અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનું એલાન કર્યું. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારે ચાલીસ વર્ષના હતા અને ગુજરાતમાં રથયાત્રાના આયોજનમાં તેમનો ખૂબ મોટો ફાળો હતો. રથયાત્રા ત્રીસ ઓક્ટોબરે અયોધ્યા પહોંચવાની હતી અને પ્રથમ કારસેવા કરવાની હતી. કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત અને યુપીમાં ભારે રમખાણો ફાટી નીકળ્યા હતા અને આમ રથયાત્રાની સાથોસાથ રામમંદિરનો મુદ્દો પુરા દેશમાં ફેલાઈ રહ્યો હતો.
23 ઓક્ટોબર 1990ના રોજ અડવાણીજીની રથયાત્રા બિહારના સમસ્તીપુર પહોંચવાની હતી ત્યાં બિહારના મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવના આદેશથી ડીઆઈજી રામેશ્વર દ્વારા તેને અટકાવી દઈ અડવાણી તેમજ પ્રમોદ મહાજનની ધરપકડ કરવામાં આવી. આ ખબર દિલ્હી પહોંચતા જ ભાજપે પોતાનો સપોર્ટ પાછો ખેંચી લીધો. કારણ લાલુયાદવની પાર્ટી પણ વીપી સિંહ સરકારના સપોર્ટમાં હતી. ભાજપના સપોર્ટ ખેંચી લેવાના કારણે વીપી સિંહ સરકાર પડી ભાંગી.
બિહારના ધૂમકામાં અડવાણીજીને બાર દિવસ સુધી રાખવામાં આવ્યા. જેના કારણે લોકોમાં આક્રોશ હતો. 30 ઓકટોબર 1990ના રોજ મોટી સંખ્યામાં કારસેવકો અયોધ્યા પહોંચ્યા. એકઠી થયેલી ભીડમાં ભાગદોડ મચી ગઇ કારસેવકોએ મસ્જિદ પર ચડીને ધજા લગાવી દીધી. આ સમયે સમાજવાદી પાર્ટીની સરકાર અને મુલાયમસિંહ મુખ્યમંત્રી હતા તેમણે આ અંધાધૂંધી અને ભાગદોડને જોઈને કારસેવકો પર ગોળીઓ ચલાવવાનો હુકમ આપી દીધો. અનેક કારસેવકોએ આ ગોળીબારમાં પોતાના જીવ ગુમાવ્યા. કોઠારી બંધુઓએ પણ આ ગોળીબારમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ કારણે જ મુલાયમસિંહને મુલ્લા મુલાયમસિંહ તરીકે લોકો બોલાવતા થયા.
1991 મે મહિનો, રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ. આ ચૂંટણીમાં સહાનુભૂતિની લાગણીને કારણે કોંગ્રેસ 244 સીટ સાથે જીતી ગઈ અને પીવી નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા.
આ વર્ષના જૂન મહિનામાં જ યુપીમાં ચૂંટણી હતી.કારસેવકો સાથે કડક વલણ અપનાવવાનો કારણે લોકોમાં અસંતોષ ઉભો થયો અને મુલાયમસિંહનો પક્ષ હારી ગયો. ભાજપને 221 સીટ મળી. પહેલી જ વાર યુપીમાં ભાજપની સરકાર બની અને કલ્યાણસિંહ, યુપીમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
10 જાન્યુ. 1991ના રોજ, પાંચસો વરસથી આ લડાઇ હિંદુઓ લડી રહ્યા છે તો આ ભૂમિ હિંદુને આપવી જોઈએ; એવા મુદ્દો રાખીને, ભાજપની રાજ્ય સરકારે વિવાદિત સ્થળ પાસેની 2.77 એકર જમીન જન્મભૂમિ ન્યાસ નામના ટ્રસ્ટને આપી. આ જમીન પર પહેલા સંકટમોચન મંદિર, સાક્ષીગોપાલ મંદિર સાવિત્રીભવન, લોમસભવન વગેરે ઘણા મંદિર આશ્રમો હતા. એ બધાની સહમતિથી આ જમીન રામજન્મભૂમિ ન્યાસને આપવામાં આવી હતી.
2.77 એકરની આ ભૂમિ પર કન્સ્ટ્રક્શન ચાલુ થયું એટલે કે રામમંદિર માટે જુના બાંધકામ તોડીને જગ્યા સાફ કરવામાં આવી રહી હતી. આ સમયે અલ્હાબાદ હાઇકોર્ટ કે જ્યાં આ બાબતે કેસ ચાલુ જ હતો, તેણે વાતાવરણ વધુ ન વકરે એ માટે આ કામ પર મનાઈ ફરમાવી દીધી
જુલાઈ 1992 એટલે કે બાબરીધ્વંસના લગભગ પાંચેક મહિના પહેલા વિહિપ દ્વારા એકવાર ફરી કારસેવાનું આયોજન કર્યું. જો કે કોર્ટ દ્વારા મનાઈ ફરમાવવામાં આવી હોવાથી કારસેવકોને પાછા મોકલી દેવામાં આવ્યા.
આ દરમિયાન કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર અને યુપીમાં ભાજપની સરકાર હોવાથી બંને વચ્ચે ટેન્શન વધ્યું. પ્રધાનમંત્રી પીવી નરસિંહા રાવ આ માહોલ જોઈને 30 ઓકટો 1992, દિલ્હીમાં હિંદુ પક્ષ એટલે કે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનો અને શિયા સુન્ની વકફ બોર્ડને સંવાદ દ્વારા રસ્તો કાઢવા મંત્રણા કરવા બોલાવ્યા. જોકે તેમાં કશું સંતોષજનક પરિણામ આવ્યું નહીં
એ જ દિવસે વીએચપીના નેતાઓએ ઉપરોક્ત મીટીંગ પતાવીને બીજી જગ્યાએ મિટિંગ ભરી જેમાં એલાન કરવામાં આવ્યું કે 30 ડિસેમ્બરને કારસેવક દિવસ તરીકે ઉજવવામાં આવશે. જેમાં દેશભરથી કારસેવકોને અયોધ્યા આવવાનું આમંત્રણ છે. ઇન્ટેલિજન્સ બ્યુરો જણાવે છે કે આ છ ડિસેમ્બરની તારીખ તો દસ મહિના પહેલા નક્કી થઈ ગઇ હતી. અને અમે આ બાબતે પીએમઓને રિપોર્ટ પણ કર્યો હતો કે આવું કશુંક થવાનું છે!
પીવી નરસિંહારાવ ખૂબ જ ટેન્શનમાં હતા કારણકે એક તરફ કોંગ્રેસ તેમને યુપીમાં રાષ્ટ્પતિ શાસન લગાવવા દબાણ કરી રહી હતી તો બીજી બાજુ, યુપીનાં મુખ્યમંત્રી કલ્યાણસિંહ આશ્વાસન આપી રહ્યા હતા કે કશું અઘટિત નહી થાય. કારસેવકો બસ્સો ગજના અંતર પર રહેશે. કલ્યાણસિંહે કોર્ટમાં સોગંદનામુ પણ આપ્યું હતું કે, કારસેવકો એકઠા થશે ત્યારે કશું અઘટિત નહી થાય, બધા નિશ્ચિંત રહેજો. તો બીજી બાજુ એવું પણ કહેવાય છે કે કલ્યાણસિંહે પોલીસને આદેશ કર્યો હતો કે હિંસા ભડકે અથવા કોઈપણ હાલતમાં કારસેવકો પર ગોળી ચલાવવાની નથી.
એક ડિસેમ્બરથી જ કારસેવકો અયોધ્યા આવવા શરૂ થઈ ગયા હતાં અને પાંચ ડિસેમ્બરે અડવાણી, અટલ બિહારી બાજપાઈ સાધ્વી ઉમાભારતી તથા અન્ય નેતાઓ લખનઉ પહોંચ્યા જ્યાં આખી રાત તેમણે ખૂબ ઉગ્ર અને આક્રમક ભાષણો આપ્યા! છ ડિસેમ્બર, કહેવાય છે કે લગભગ બે લાખ કારસેવકો અયોધ્યા પહોંચ્યા હતા અને તેની સાથે ભાજપના સિનિયર નેતાઓ જેવા કે મુરલી મનહર જોશી, લાલકૃષ્ણ અડવાણી અટલબિહારી બાજપાઈ, સાધ્વી ઉમા ભારતી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલ વગેરે ત્યાં હાજર હતા. છ ડિસેમ્બરે સવારે 5:30થી સ્થળ પર લોકોની ભીડ એકઠી થવાનું શરૂ થઈ ગયું અને લગભગ 10:00 વાગે આ મોટા નેતાઓ પણ ત્યાં હાજર થઈ ગયા હતા. અલબત સરકાર દ્વારા અહી કેટલાક નેતાઓના પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી હતી. જેમાં એક ઉમાભરતી પણ હતા, જેમણે મૂંડન કરાવી નાખ્યું હતું. સાડા બાર આસપાસ ભીડે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું તેમજ બાબરીના પહેલા ગુંબજ ઉપર ચડી ગઈ. અને બે વાગ્યા સુધીમાં પહેલો ગુંબજ એમણે તોડી પાડ્યો. સાડા ત્રણ સુધીમાં બીજો અને પાંચ વાગ્યા સુધીમાં ત્રીજો અને છેલ્લો ગુંબજ પણ તૂટી પડ્યો અને ત્યાં નાનું એવું રામ મંદિર બનાવીને રામની મૂર્તિ પણ રાખી દીધી.
તે સમયે દુરદર્શન એકમાત્ર પ્રચલિત સમાચાર માધ્યમ હતું. આ સમાચાર ધીરે ધીરે બધે ફેલાયા તો એવી આશંકાઓ પણ ફેલાવા લાગી કે સરકાર પડી ગઇ. ખૂબ પેનિકની સ્થિતિ છે. છ વાગ્યા સુધીમાં યુપીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે કલ્યાણસિંહે સોગંદનામુ આપ્યું હતું કે અહીં કંઈ પણ અઘટિત સ્થિતી નહીં સર્જાય, તો આ સ્થિતિમાં કલ્યાણસિંહનું રાજીનામું લેવામાં આવે. પરંતુ કલ્યાણસિંહે પોતે જ રાજીનામું આપી દીધું. તેમના પર કોર્ટની અવમાનનાનો કેસ પણ થયો. લગભગ બે હજાર લોકો આ હિંસામાં માર્યા ગયા અને એન્ટી હિંદુ સેન્ટિમેન્ટ ઉભું થયું હતું. આના પડઘા ફકત ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ પડ્યા. પાકિસ્તાનમાં લગભગ ત્રીસેક મંદિર તોડી પાડવામાં આવ્યા અને હિન્દુ લોકોની દુકાનો સળગાવવામાં આવી તેમને માર મારવામાં આવ્યો. તેવું જ બાંગ્લાદેશમાં પણ બાર મંદિર તોડી પાડવામાં આવ્યા લોકોને દુકાનો સળગાવી દેવામાં આવી અને માર મારવામાં આવ્યો.
આ દરમ્યાન જ મુંબઈમાં કોમી રમખાણો શરૂ થઇ ગયા. જેમાં નવસો લોકો મર્યા ગયા અને અનેકોની પ્રોપર્ટીને નુકશાન કરવામાં આવ્યું. દુકાનો/ઓફિસો સળગાવવામાં આવી. એ પછી લોકોએ 1993 મુંબઈ બોમ્બબ્લાસ્ટ કરાવ્યા.
આ મામલો આગળના સાત વર્ષ થોડો શાંત રહયો પણ 2001માં વિહીપે ભાજપની કેન્દ્ર સરકારને કડક સંદેશ આપ્યો કે બસ હવે બહુ થયું. તમે હવે રામમંદિર બનાવવાની પ્રક્રિયા શરુ કરો. કારણ બાબરી તો આમ પણ ધ્વસ્ત હતી. જો આમ કરવામાં નહીં આવે તો અમે ખુદ ત્યાં મંદિરનું બાંધકામ શરૂ કરીશું. અને આ માટેની તારીખ પણ તેઓએ નક્કી કરી હતી જે દિવસે બાબરીની વરસી હતી એ તારીખથી ત્યાં મંદિર નિર્માણ શરૂ કરવાની વાત તેઓએ કરી
પરંતુ હવે બીજેપીએ આ મુદ્દાથી જાણે કે અંતર બનાવવાનું શરૂ કરી દીધું હતું. એ સમયે પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાઈ હતા, જેઓ ઇચ્છતા હતા કે હવે આર્થિક વિકાસ અને પ્રગતિ તરફ દેશને લઈ જવાનું વિઝન રાખવું જોઈએ. કારણકે મંદિર મસ્જિદનો આ મામલો તો વર્ષોથી ચાલ્યો આવે છે.
રામમંદિર મામલે બીજેપીનું ઠંડુ વલણ જોઈને વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યા સમિતિનું ગઠન કર્યું અને નક્કી થયું કે હવે તો સરકાર પણ આ વાતમાં રસ નથી લેતી તો આપણે હિન્દુ- મુસ્લિમ વચ્ચે વાતચીત કરીને કોઈ હલ કાઢવો જોઈએ. આ માટે તેઓએ સિનિયર આઇપીએસ ઓફિસર શત્રુઘ્ન સિંહને મધ્યસ્થી તરીકે નિયુંક્ત કર્યા કે જે હિન્દુ મુસ્લિમ બંને પક્ષની વાત સાંભળીને કંઈક રસ્તો સૂચવે.
પરંતુ 15 ઓક્ટોબર 2002ના રોજ વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યાની ભૂમિ પર, રામમંદિર બનાવવાની ઘોષણા કરી. ત્યાં હજારોની સંખ્યામાં કારસેવકો એકઠા થયા. કારસેવકો જ્યારે અહીથી પાછા ફરી રહ્યાં હતા ત્યારે 27 ફેબ્રુઆરીના દિવસે ગુજરાતના ગોધરામાં, કારસેવકો જે ડબ્બામાં હતા એ ડબ્બામાં આગ લગાડવામાં આવી અને અઠ્ઠાવન કારસેવકો મૃત્યુ પામ્યા જેમાં બાળકો અને મહિલાઓ પણ હતા. ત્યારબાદ ગુજરાતમાં હિંસા ભડકી ઉઠી.
એપ્રિલ 2003 અલ્હાબાદ હાઇકોર્ટની ત્રણ જજોની બેંચે પહેલી વખત આ વિવાદિત સ્થળના માલિકીહક્ક નક્કી કરવા વિશેની વાત કરી. અલ્હાબાદ કોર્ટે આ કામ ASI, આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને સોંપ્યું. તેમને આદેશ અપાયો કે તમે અહી અભ્યાસ કરી નક્કી કરો કે આ જગ્યા પર ખરેખર શું હતું. છ મહિના પછી એએસઆઈ પોતાનો રિપોર્ટ આપ્યો જેમાં જણાવવામાં આવ્યું કે અહી ખોદકામ દરમિયાન 10મી થી ૧૨મી સદીના હિન્દુ મંદિરોના અવશેષ મળ્યા છે. (તેના સ્થંભ સ્લેબસ ઈંટો વગેરે અવશેષો)
આ કેસમાં આ પહેલીવાર થયું કે કોઈક વૈજ્ઞાનિક આધાર પર એક ચોક્કસ તથ્ય સુધી પહોંચાયું હતું. અલબત્ત, ASI ના આ રિપોર્ટ પછી પણ કેસ હજુ ધીમી ગતિએ આગળ વધતો હતો. જાણે કે કોઈને પરિણામ સુધી પહોચવું જ નહોતું!
2005 જુલાઈમાં અયોધ્યાના આ વિવાદિત સ્થળ પર હુમલો થયો લશ્કર એ તોયબાના પાંચ ત્રાસવાદીઓ નેપાળ માર્ગે આવીને આ હુમલો કર્યો હતો. જેમાં છ લોકો અને આ પાંચ ત્રાસવાદીઓ પણ માર્યા ગયા હતા. CRPFના પાંત્રીસ જવાનોએ આ ત્રાસવાદીને મારી લોકોને રક્ષણ કર્યું હતું.
2006માં લિબ્રહાન કમિશનની સત્તર વર્ષના અભ્યાસને અંતે વડાપ્રધાન મનમોહન સિંહને પોતાને રિપોર્ટ આપે છે જેમાં જણાવવામાં આવ્યું કે બાબરી ધ્વંસ કેસમાં એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, અટલબિહારી બાજપાઈ અને કલ્યાણસિંહ દોષી છે. આના જવાબમાં બીજેપીએ કમિશન પર ઘણા બધા આરોપો લગાવ્યા કે આ પોલીટીકલ મોટીવેટેડ રાજનૈતિક દબાવમાં બનેલો રિપોર્ટ છે વગેરે..
30 સપ્ટે.2010, અલ્હાબાદ હાઇકોર્ટે એક થ્રી વે ડીસીશન આપ્યું જેમાં 2.77 ની વિવાદિત ભૂમિના ત્રણ ભાગ કરવાનું સૂચવ્યું. આ અંતર્ગત વચ્ચેની જમીન રામજન્મભૂમી ન્યાસને, રામ ચબુતરા અને સીતા રસોઈ નિર્મોહી અખાડાને અને બાકીની જમીન સુન્ની વકફ બોર્ડને મળે એવો આદેશ આવ્યો. આ પહેલીવાર હતું કે, અહીંયા પર રામજન્મભૂમિ હતી એ તથ્યનો કોર્ટ દ્વારા સ્વીકાર થયો અને વધુ વિસ્તાર પણ હિંદુપક્ષને આપ્યો. આ પછીથી રામમંદિર સેન્ટિમેન્ટ બદલવા લાગ્યા હતા.
અલબત્ત આ ફેંસલો બેમાંથી એકેય પક્ષને માન્ય ન હતો. એટલે 2011માં આ કેસને તેઓ સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા. સુપ્રીમકોર્ટમાં આ ફેસલાની વિરૂદ્ધ ચૌદ અપીલ થઇ હતી. સુપ્રીમકોર્ટે પણ માન્યું કે અલ્હાબાદ કોર્ટનો આ નિર્ણય યોગ્ય નથી અને તેના પર મનાઈ ફરમાવી. હવે, આ કેસ સુપ્રિમ કોર્ટમાં પહોંચી તો ગયો હતો પણ સાત સાત વર્ષ સુધી તેની સુનાવણી જ ન થઈ. અંતે, ઓગસ્ટ 2017માં સુનાવણી શરૂ થઇ અને 16 ઓકટોબર2019ના રોજ આ કેસને લઈને માલિકી હકક સંદર્ભે સુનાવણી પૂરી થઈ.
અને, નવ નવેમ્બર 2019નાં રોજ પાંચ જજોની બેંચે ઐતિહાસિક નિર્ણય આપ્યો કે ASIના રિપોર્ટસના આધારે એ સાબિત થયું છે કે અહીંયા પર પહેલાં મંદિર જ હતું અને એના પર બાબરી બનાવી દેવામાં આવી છે. જ્યારે મુસ્લિમ પક્ષ આવા કોઈ સજ્જડ પુરાવા આપવામાં સફળ રહ્યો નથી. આ બધા પુરાવાઓની સાથે સાથે આર્ટિકલ 142 , વિશેષાધિકારનો ઉપયોગ કરીને સુપ્રીમકોર્ટે રામલ્લલા જ્યાં બિરાજમાન હતા એ પૂરી જમીનનો હકક હિંદૂપક્ષને સોંપ્યો.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રામજન્મભૂમિ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું કે જે આ મુદ્દે લાગતા વળગતા વિષયોની દેખરેખ કરશે. આ રામ જન્મભૂમિ ટ્રસ્ટને 5 ફેબ 2020નાં રોજ મંજૂરી મળી.
અને 5 ઓગસ્ટ 2020નાં પ્રધામંત્રી મોદીએ અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ કર્યો. અને હવે બાવીસ જાન્યુઆરી 2024ના દિવસે મંદિરમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે જે સમગ્ર ભારતવર્ષ માટે ઉત્સાહ તેમજ ગૌરવનો અવસર છે. જય શ્રી રામ!
- હિમાદ્રી આચાર્ય દવે