ભારત ભૂમિ બહુરત્ના વસુંધરા છે. એ બહુરત્નોમાં રહેલું અણમોલ રતન એટલે ભારતના મસ્તકને વિદેશમાં ગૌરવથી ઉચું કરનારા અને ભારતનો ધ્વજ સૌપ્રથમ વખત વિદેશની ધરતી પર ફરકાવનારા મેડમ ભીકાયજી કામા જેમને સમગ્ર વિશ્વ મેડમ કામા તરીકે પણ ઓળખે છે.
મેડમ ભીકાયજી કામાનો જન્મ ૨૪મી સપ્ટેમ્બર, ૧૮૬૧ના રોજ મુંબઈના પ્રતિષ્ઠિત પારસી વેપારી સોરાબજી પટેલ અને જૈજીબાઇ સોરાબજી પટેલના નવ સંતાનોમાં લાડલી દીકરી તરીકે થયો હતો. સોરાબજી પટેલ પ્રખર દેશભક્ત હતા, તેઓ ‘મુન્ની’ કહીને બોલાવતા. કામાને એલેકઝાન્ડ્રા પારસી કન્યા વિધાલયમાં દાખલ કરવામાં આવ્યા. ‘કામા’ તેમની તેજસ્વિતાને કારણે બધા શિક્ષકોની લાડકી વિદ્યાર્થિની બની ગયા. બાળપણથી જ દેશભક્તિના સંસ્કારથી કામા ઓતપ્રોત હતા. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યાટોપે જેવા ક્રાંતિકારીઓની કથાઓ તેમને રોમાંચિત કરી મૂકતી. તેમને પણ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાની અદમ્ય ઇચ્છા હતી.
માત્ર ૨૪ વર્ષની ઉંમરે ભીકાયજીએ સ્વાધિનતા સંગ્રામમાં ઝંપલાવ્યું અને મહિલાઓને સંગઠિત કરવાનું બીડું ઝડપ્યું. ભીકાયજીનાં દેશભક્તિથી તરબતર તેજાબી ભાષણોથી સૌ આકર્ષાતા. તેમને માટે અંગ્રેજોની ગુલામીમાંથી ભારતમાતાની મુક્તિ એ જ સર્વોપરી ભક્તિ હતી.
આ અરસામાં મુંબઈમાં પ્લેગનો ભયાનક રોગ ફેલાયો. મેડમ કામા દર્દીઓની સેવામાં લાગી ગયાં. દર્દીઓની સેવા કરતાં તેઓ પણ પ્લેગનો શિકાર બન્યા. તેમનું સ્વાસ્થ્ય થોડુંક સુધર્યું પરંતુ શરીરમાં અશક્તિ રહી ગઈ. મિત્રો અને સગાંઓએ તેને હવાફેર કરવા માટે વિદેશ જવાની સલાહ આપી. એ સમયે લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા. દાદાભાઈ નવરોજી તે સમયે ભારતના અગ્રણી સ્વતંત્ર સેનાની હતા.
મેડમ કામા ભારત પરત ફરવાનો વિચાર કરી રહ્યા હતા ત્યાં જ તેમની મુલાકાત પ્રખર રાષ્ટ્રભક્ત શ્યામજી કૃષ્ણ વર્મા સાથે થઈ. શ્યામજી કૃષ્ણ વર્માની રાષ્ટ્રભક્તિથી પ્રચુર તેજસ્વી વાણીથી મેડમ કામા પ્રભાવિત થયા. મેડમ કામા હવે સ્વાધિનતા માટે ક્રાંતિના માર્ગને સંપુર્ણપણે સમર્પિત થઈ ગયાં, તેમની વાણી નિસર્ગદત્ત ઓજસ્વી હતી તેમાં રાષ્ટ્રભક્તિનું તેજ ભળ્યું, તેમના તેજસ્વી ભાષણોથી નારાજ થઈને અંગ્રેજ અધિકારીઓએ તેમને ભારત પાછાં ચાલ્યાં જવાની સૂચના આપી પરંતુ મેડમ કામાએ ચેતવણીની કોઈ પરવા કરી નહીં. તેઓ માનતા હતા કે ભારતમાંથી અંગ્રેજોને હટાવવા વિશ્વવના અન્ય દેશોનું પણ ધ્યાન દોરવું જોઈએ.
૧૯૦૭માં જર્મનીના સ્ટુટગાર્ડમાં સમાજવાદીઓનું આંતરરાષ્ટ્રીય સંમેલન ભરાયું હતું, આ સંમેલનમાં મેડમ કામાને પણ આમંત્રણ મળ્યું. પોતાને મળેલા આમંત્રણનો યથાયોગ્ય ઉપયોગ કરતા આ સંમેલનમાં તેમણે સૌ પ્રથમ વાર લીલો, લાલ અને કેસરી રંગની ત્રણ પટ્ટીઓ ધરાવતો, જેના વચ્ચેના કેસરી ભાગમાં વંદે માતરમ્ શબ્દો લખેલા હતા અને નીચે લાલ પટ્ટામાં સૂર્ય અને ચંદ્ર અંકિત થયેલા હતા તેવો ભારતીય ધ્વજ ફરકાવ્યો અને પોતાના ભાષણમાં કહ્યું, ‘ભારતમાં અંગ્રેજ શાસન ભારતીયો માટે ઘોર અપમાનજનક છે અને ભારતના સર્વનાશનું સૂચક છે. દરેક સ્વતંત્રતાપ્રેમીએ તેઓની મુક્તિ માટે સહકાર આપવો જોઈએ. તેમણે એ પણ કહ્યું કે, મને દુ:ખ એ છે કે મારી પાસે મારા દેશનો રાષ્ટ્રધ્વજ નથી પણ કંઈ વાંધો નથી. આ ભારતની સ્વતંત્રતાના પ્રતીક સમો ધ્વજ છે. જે દેશ માટે જીવન સમર્પિત કરનાર યુવાનોના લોહીથી પાવન બનેલ છે. હું આહ્વાન કરું છું કે આ ભારતીય ધ્વજને પ્રણામ કરો અને ધ્વજના સહાયક બનો.’
મેડમ કામાએ ફ્રાંસમાં તેજાબી ભાષાણો કર્યા જેનાથી ડરી ગયેલી અંગ્રેજ સરકારે સરકારે ફ્રેન્ચ સરકારને કામાને સ્વદેશ મોકલવા કહ્યું. આ એ જ સમય હતો જ્યારે વીર સાવરકર ફ્રાંસ આવ્યા હતા અને તેમનું સ્વાસ્થ્ય બગડ્યુ હતું. મેડમ કામાએ તેમની ખૂબ સારવાર કરી, પરિણામે સાવરકર સાજા થયા.
મેડમ કામાએ ભારતની સ્વતંત્રતા માટેની ગતિ તેજ કરી દીધી ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, મેડમ કામા પર આકરા પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા જે વિશ્વયુદ્ધ સમાપ્ત થતા દૂર કરવામાં આવ્યા. મેડમ કામા પુન: પેરિસ પરત ફર્યાં અને સ્વાધિનતા માટેની પ્રવૃત્તિઓમાં પરોવાઈ ગયા. સમગ્ર વિશ્વના ભારતીયો અને ભારતની સ્વાધિનતા માટે લડનારા લાખો લોકો તેમનું માર્ગદર્શન મેળવતા. જોકે સતત દોડધામ અને સંઘર્ષમય જીવનને લીધે તેમનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું. તેમની વય ૭૦ વર્ષ વટાવી ગઈ હતી. તેમની ઇચ્છા હતી કે જીવનના અંતિમ દિવસો ભારતમાતાના ખોળામાં વીતે. તે માટે તેમણે અંગ્રેજ સરકારની અનુમતિ માંગી. પરંતુ અંગ્રેજ સરકારે શરત મૂકી કે જો કામા ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી દૂર રહે તો જ ભારત પરત ફરી શકે. તેમને તો ભારત આવવું હતું. મિત્રોનો આગ્રહ પણ હતો. તેમણે શરત સ્વીકારી અને પરત ભારત આવ્યાં. ૩૫ વર્ષ ભારતમાં અને ૩૫ વર્ષ વિદેશમાં ગાળી જ્યારે તેઓ ભારત પરત આવવા નીકળ્યા પરંતુ રસ્તામાં જ બીમાર પડી ગયા.
૧૯૩૫માં મુંબઈ પહોંચતા, તેમને સીધા પેટીટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. સતત આઠ મહિના સુધી જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાઈ તા. ૧૩ ઓગસ્ટ, ૧૯૩૭ના રોજ તેમણે વિશ્વથી વિદાય લીધી. તેમના મૃત્યુનાં અગિયાર વરસ પછી દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી.