સૌને સાથે લઈને, સર્વાંગીણ વિકસતું ભારત રામરાજ્યની કલ્પનાને સાકારિત કરશે?. રામ રાજય એ એવી આદર્શ શાસન પ્રણાલી છે જેમાં કોઈની ઉપેક્ષા કે તિરસ્કાર ન થાય, કોઇ વંચિત ન રહે, જેમાં છેવાડાના વ્યક્તિનો અવાજ યોગ્ય જગ્યા સુધી પહોંચે અને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સાંભળવામાં આવે. રામ રાજય એ જન કલ્યાણ અને લોકોપાસના માટે સમર્પિત શાસકથી શરૂ થઈને સકારાત્મક અને નૈતિક મૂલ્યોને પ્રાપ્ત કરી પૂર્ણતાને પ્રાપ્ત કરે તેને વ્યાખ્યાયિત કરતો શબ્દ છે.
સ્વાધીનતા આંદોલનમાં પ્રથમ વખત ગાંધીજીએ એક આદર્શ રાષ્ટ્ર તરીકે રામ રાજ્યની વાત કરી હતી. ભગવાન રામનું રાજ્ય ધર્મ અને પુણ્યના કામમાં સમર્પિત લોકોથી ભરપૂર અને ખોટા કામ કરનારા લોકોથી મુક્ત એક આદર્શ રાજ્ય હતું. મહાત્મા ગાંધીએ ભગવાન રામ દ્વારા બનાવેલા સત્યનિષ્ઠા અને પવિત્રતા ઉપર આધારિત રાજ્ય સમાન રાજ્યનું સ્વપ્ન જોયું હતું. રામ રાજ્યના ઉલ્લેખ દ્વારા તેમનો આશય એ હતો કે જે કલ્પના રામ રાજ્યની છે કે જ્યાં રાજ્ય ન્યાય અને સમાનતાના મૂલ્યો પર આધારિત હશે, જ્યાં દરેક નાગરિક સાથે તેની જાતિ, રંગ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના, દેશના નાગરિકો સાથે સન્માન, સંવેદનશીલતા સાથે વ્યવહાર કરવામાં આવે, ન્યાય મળે એવું આદર્શ રાજ સ્થાપિત કરવું.
રામ રાજ્ય એ રામાયણમાં ઉલ્લેખિત પ્રણાલી માત્ર નથી અપિતુ ભારતના ઈતિહાસમાં ઘણા સમયગાળામાં પ્રણાલીનું પુનરાવર્તન થયું છે. આ માટે મેગાસ્થિનીસની પુસ્તક ઈન્ડિકા ફહમનમાં વર્ણિત હર્ષવર્ધન, સમુદ્ર ગુપ્ત અને સ્કંદ ગુપ્તાના શાસનના દસ્તાવેજો, લલિતાદિત્યના મહાન શાસનની રાજ તરંગિણી કથા, છત્રપતિ શિવાજીની સ્વરાજની હિંદુ પાદશાહીના સુશાસન અને દસ્તાવેજો પર પણ ધ્યાન આપવું પડશે.
ગાંધીજીને તુલસીકૃત રામચરિતમાનસમાંથી બ્રિટિશ શાસનને રાક્ષસી રાજ્ય તરીકે જોવાનો વિચાર આવ્યો અને તેના વિકલ્પ તરીકે તેમણે તુલસીની 'રામરાજ્ય'ની કલ્પનાનો સ્વરાજ તરીકે ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું. 4 નવેમ્બર, 1920 ના રોજ નાસિકમાં આપેલા તેમના ભાષણમાં તેમણે કહ્યું - "વર્તમાનમાં જે સરકાર આપણા પર શાસન કરી રહી છે તે ન માત્ર રાક્ષસી છે હું તેને રાવણ રાજ્ય કહું છું. આવા રાક્ષસી શાસન હેઠળ નાગરિકે શું કરવું જોઈએ? તુલસીદાસે કહ્યું છે કે જેઓ અસંગત છે, જેઓ દુષ્ટ છે, તેમનો ત્યાગ કરવો જોઈએ, તેમનો સંગ તોડી નાખવો જોઈએ, તેમની સાથેનો સ્નેહ તોડી નાખવો જોઈએ, તેમની સાથે અસહકાર કરવો જોઈએ, તેમને કરાતી મદદ બંધ કરવી જોઈએ. આ એક યજ્ઞ છે, જ્યારે આપણે તેમાં આહુતિ આપીશું ત્યારે જ આપણે શુદ્ધ થઈશું અને રાવણના રાજ્યનો નાશ કરી રામરાજ્યની સ્થાપના કરી શકીશું. સ્વરાજની સ્થાપના કર્યા વિના આપણે આપણી જાતને આ રાક્ષસી રાજ્યમાંથી મુક્ત કરી શકેશું નથી. આ રામરાજ્ય જ સ્વરાજ્ય છે. (સંપુર્ણ ગાંધી વાંગમય ખંડ 18 પૃષ્ઠ – 456).
2 ઓગષ્ટ 1934ના દિવસે અમૃત બાઝાર પત્રિકામાં પ્રકાશિત એક લેખમાં ગાંધીજીએ કહ્યું કે મારા સ્વપ્નની રામાયણ રાજા અને રંક બંનેને સમાન અધિકાર નિશ્ચિત કરે છે. 2 જાન્યુઆરી 1937માં હરિજન માં તેમણે લખ્યું કે, મેં રામરાજ્યનું વર્ણન કર્યું જે નૈતિક અધિકારના આધાર પર લોકોની સંપ્રભુતા છે.
ગાંધીજી પોતાના રામરાજ્યના સ્વપ્નને સ્પષ્ટ કરતા કહે છે કે રામાયણમાં વર્ણવેલ પ્રાચીન રામ રાજ્યમાંનો સંદેશ આદર્શ લોકતંત્રમાંનો એક છે, મારા સ્વપ્નનું રામરાજ્ય રાજા અને રંક બંનેને સમાન અધિકાર સુનિશ્ચિત કરે છે. હું જે રામરાજ્યનું વર્ણન કરું છું તે નૈતિક અધિકારના આધાર પર લોકોની સંપ્રભુતા છે. વસ્તુત: રામરાજ્યનું આ સ્વપ્ન પ્રત્યેક કાલખંડમાં રાજા અને પ્રજા સર્વેનું રહ્યું છે, આ સ્વપ્નને ચરિતાર્થ કરતો જે કાલખંડ ભારતીય ઇતિહાસમાં રહ્યો તે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ રાજ્ય છે.
(વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા)