- નેશનલ પાવર ગ્રીડની સૌપ્રથમ કલ્પના આપનાર
- મૂક બની ગયેલાઓના ગર્જના કરતા ‘મૂક નાયક’
- બંધુત્વના અતૂટ બંધનથી સમગ્ર વિશ્વમાં આધુનિક, વિકસિત અને સમર્થ ભારતના સ્વપ્નદ્રષ્ટા
ભારતના वसुधैव कुटुंबकम् સંસ્કારનું ભારતીય સંવિધાનમાં ‘બંધુત્વ’ શબ્દ દ્વારા વિશ્વને દર્શન કરાવનાર
6ઠ્ઠી ડિસેમ્બર, 1956 અચાનક જ સમગ્ર ભારતમાં ટેલિફોનની ઘંટડીઓ ધણધણી ઊઠી, વહેલી પરોઢે ટેલિફોનની ઘંટડીઓનો અવાજ કશુંક અઘટિત બન્યું હોવાની સાબિતી આપતો હતો. ટેલિફોનની ઘંટડીઓનો કર્કશ અવાજ બંધ થતાં જ સમગ્ર દેશ સ્તબ્ધ, શોકમગ્ન બની ગયો હોવાની એંધાણી આપતું મૌન ચોતરફ છવાઈ ગયું. સરકાર મૌન, સંસદ મૌન, રાષ્ટ્ર મૌન, નાગરિકો મૌન બની ગયા હતાં. વહેલી સવારના સુમારે વહેતાં ઠંડા વાયુએ પણ સુસવાટા બોલાવવાનું બંધ કરી મૌન ધારણ કરી લીધું હતું. આ મૌન ભારેખમ હતું. જાણે એક સૂરજ મધ્યરાત્રિએ આથમી ગયો હતો, અરાજકતાના અંધકારને દૂર કરવા સ્વતંત્ર ભારતને યુગાનુસાર પરિવર્તનશીલ સંવિધાન સમાન અવિરતપણે પ્રકાશ વહાવતો અખંડ દિપક આપનાર રાહબરની આજે આંખો મીંચાઈ ગઈ હતી. સદીઓથી મુંગા મંતર, મૂક બની ગયેલા વર્ગોના અવાજને ગૂંજતો કરનાર ‘મૂક નાયક’ આજે નિઃશબ્દ બની ગયા હતાં. પેઢીઓથી પ્રકાશનાં અધિકારોથી વંચિતોને પ્રકાશનાં દર્શન કરાવનાર દિપક આજે બુઝાઈ ગયો હતો પરંતુ એ દિપક પોતાનાં પુસ્તકો, લેખો, ભાષણો થકી પોતાનાં વિચારો સ્વરૂપ અનેક ખાલી કોડિયામાં “अप्प दीपो भव” નો તણખો આપીને ગયો હતો.
આખો દેશ સ્તબ્ધ અને શોકમગ્ન હતો અને કેમ ના હોય ? આજે દેશને સંવિધાનમાંના “બંધુત્વ” ના મજબૂત તાંતણે જોડવા અથાક પરિશ્રમ કરનાર અડિખમ તેજસ્વી વ્યક્તિત્વ, પ્રખર બંધારણવિદ્, બ્રીટીશ પ્રીમિયરને ઈંગ્લેન્ડની ધરતી ઉપર જઈને ભરી સભામાં “તમે અમારાં ભલા માટે કશું જ કર્યું નથી, તમે અમારો દેશ છોડીને અમને સ્વરાજ આપીને ચાલ્યા જાવ.” એવી કદાચ સૌપ્રથમ સિંહ ગર્જના કરનાર ભારતીય કેસરી, અસ્પૃશ્યો, દબાયેલા, કચડાયેલા વર્ગોને આત્મસન્માન, ઉત્કર્ષ અને ઉત્થાન માટે સ્વબળ, સ્વસહાય,સ્વપ્રયાસનો જીવનમંત્ર આપનારા તથા તેમનામાં આત્મવિશ્વાસની ચિનગારી ચેતાવી તે ચિનગારીને જ્વાળામુખી સમાન તપ્ત બનાવનાર જોમ, જુસ્સા અને ઉત્સાહથી ધગધગતો લાવા આજે શાંત થઈ ગયો હતો.
સમાજનો તરછોડી દેવાયેલો વર્ગ જ્યારે સંપૂર્ણપણે આત્મવિશ્વાસ ખોઈને પોતાનાં દુખડા રડવામાં જ ઈતિશ્રી સમજતો હતો, અપમાનિત થવાને જીવનનો અવિભાજ્ય હિસ્સો ગણી લીધો હતો, પોતાની સાથે થતાં પશુ કરતાં પણ બદતર અમાનવીય વ્યવહારને જાણે માનવની ઓળખ ખોઈને પણ નતમસ્તક થઈ સ્વીકારી લેવાની અણી પર આવી ગયો હતો ત્યારે એવાં અશક્ત, મુંગા, ડગલે ને પગલે અપમાનિત થતાં રહેલાં, પશુથી બદતર વ્યવહારને સ્વીકારી ને જીવતાં લાખો લોકોના જીવનમાં, “તમારાં રોતલ ચહેરા જોઈને અને વેદનાથી ભરપુર વાણી સાંભળીને મારું હૃદય ચિરાઈ જાય છે. પુરાતન કાળથી કણસતા રહ્યા છો તમે અને હજુ પણ સહન કરી રહ્યા છો ? શરમ નથી આવતી તમને ? આવું ઘૃણિત, અસહાયતા ભર્યું જીવન જીવતાં શરમાતાં નથી ? અરે, તમે તમારાં જન્મ પહેલાં જ ગર્ભમાં જ શા માટે નાં મરી ગયા ?” જેવાં જોશીલા, આગ ઝરતાં ભાષણોથી આત્મવિશ્વાસનો પ્રાણ ફૂકવાનો અથક પરિશ્રમ કર્યો હતો, આ મુંગા મોઢે ડગલેને પગલે અપમાનિત થતાં રહેલા પશુ કરતાં પણ વધુ બદતર હાલતમાં જીવન જીવતા લોકોને આત્મસન્માન અને અધિકારો અપાવવાના એક માત્ર લક્ષ્યને જીવન બનાવનાર અણનમ યોદ્ધા સમાન લડવૈયો આજ ચિર શાંતિમાં પોઢી ગયો હતો. દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્યોના જીવનમાં શિક્ષણ અને સ્વાવલંબનના મહત્વને, “જો તમે તમારાં જીવનનો પુનરોદ્ધાર નથી કરી શકતા, કાયાકલ્પ નથી કરી શકતા તો વિશ્વ માટે તમારું મૃત્યુ જ ઉચિત ગણાશે.” જેવાં શબ્દોથી નવપલ્લવિત કરવાનો આજીવન પ્રયત્ન કર્યો એવાં પ્રયાસો આજે અંતિમ શ્વાસ લઈને શાંત થઈ ગયાં હતાં જોકે પોતાના વિચારો થકી એ શ્વાસ અનેકના હૈયામાં ભરતા ગયા હતા.
“જો તમે આત્મસન્માન પૂર્ણ જીવન જીવવા ઈચ્છો છો તો તમારે સ્વબળ સ્વસહાય કે જે શ્રેષ્ઠ ઉપાય છે તેની ઉપર જ વિશ્વાસ કરવો પડશે” તથા “તમારો ઉદ્ધાર કરવા કોઈ નહીં આવે, તમારે જ તમારો ઉદ્ધાર કરવો પડશે” એવાં ચિરયુવાન વિચારોને આરોપિત કરનાર ઘેઘૂર વિચારવડલો આજે ધરાશાયી થયો હતો. આવાં કદી અવગણી ન શકાય એવાં વિચાર થકી જાણે જીવંત મડદાંઓમાં પ્રાણ ફૂંકી દેનાર જીવનદાતા આજ મહાપરિનિર્વાણને સથવારે અનંતના પ્રવાસે નીકળી ચુક્યા હતા.