ઉનાળો આવતા જ લોકો કેરીની (Mango) સૌથી વધુ રાહ જોતા હોય છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેને ઉનાળામાં મીઠી, રસદાર કેરી (Mango) ખાવાનું પસંદ ન હોય. કોઇને કેરી શેક પસંદ હોય તો કોઇ તેમાંથી આઇસ્ક્રીમ ખાઇ લે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી જીભનો આ સ્વાદ તમને બીમાર પણ કરી શકે છે. આજકાલ બજારમાં કેરી (Mango) આવવા લાગી છે.
ધીરે ધીરે તેમની ઘણી જાતો બજારમાં ઉપલબ્ધ થશે. પરંતુ કેરીની (Mango) સિઝન શરૂ થતા જ કેમિકલનો ખેલ પણ શરૂ થઇ ગયો છે.

હાલમાં જ ગોવાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ 180 ક્રેટ કેરી અને લગભગ 450 કિલો કેળા જપ્ત કર્યા હતા. આ ફળો કેમિકલ થી પકાવવામાં આવ્યા હોવાની આશંકા છે. ગોવામાં જપ્ત કરાયેલા ફળોના સેમ્પલ પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. આવી ઘટનાઓ સામે આવ્યા બાદ લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. આવી સ્થિતિમાં, અમે તમને કેમિકલથી પાકેલી કેરીને ઓળખવાની 7 સરળ રીતો જણાવવા જઈ રહ્યા છીએ

કેમિકલથી પકવેલી કેરીની (Mango) આડઅસરો
કેમિકલથી પકવેલી કેરી ખાવાથી પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ઉલટી જેવી આડઅસર થઇ શકે છે. આ ઉપરાંત આ કેરી તમારી આંખોની રોશની પણ છીનવી શકે છે.
કેમિકલથી પાકેલી કેરી કેવી રીતે ઓળખવી?
કેમિકલથી પકવેલી કેરીને સાત રીતે ઓળખવી સહેલી છે.
1. બેકિંગ સોડા: પાણીમાં થોડો બેકિંગ સોડા ઉમેરો. તેમાં 15-20 મિનિટ સુધી કેરી નાખો. પછી કેરીને બહાર કાઢીને ધોઈ લો. આમ કરવાથી કેરીનો રંગ બદલાય તો કેરી પોલિશ કે કેમિકલથી પાકેલી હોઇ શકે છે.
2. છાલનો રંગ: કેમિકલ થી પાકેલી કેરીનો રંગ એક સમાન હોય છે. તે કુદરતી રીતે પાકેલી કેરી કરતા વધુ પીળી અથવા નારંગી દેખાય છે. આવી કેરીની છાલની ચમક વધારે હોય છે.
3. કેરીની સુગંધ: કુદરતી રીતે પાકેલી કેરીમાં મીઠી અને ફળની સુગંધ હોય છે. સાથે જ કેમિકલથી પકવેલી કેરીની સુગંધ અલગ જ હોય છે.
4. સ્વાદ: કેમિકલ વડે પાકેલી કેરીનો સ્વાદ ફિક્કો અથવા વિચિત્ર હોઈ શકે છે. જ્યારે કુદરતી રીતે પાકેલી કેરી ખાધા બાદ મોઢાનો સ્વાદ સારો રહે છે.
5. પાણીમાં નાંખો: કેરી ચેક કરવા માટે, તમે તેને પાણીની ડોલમાં મૂકો. જો કેરી ડૂબી જાય તો તે કુદરતી રીતે પાકેલી છે. જો તે પાણીમાં તરે છે, તો કેરી કૃત્રિમ રીતે પકવવામાં આવેલી હોઇ શકે છે.
6. દિવાસળી: આલ્ફોન્સો મેન્ગોની વેબસાઇટ અનુસાર, દિવાસળી સળગાવો અને તેને કેરીના બોક્સમાં લઈ જાઓ. જો કેરી પર કેમિકલ પ્રોસેસ કરવામાં આવી હશે તો તેમાં આગ લાગી શકે છે. જ્યારે દિવાસળી કેરીની નજીક લઇ જશો ત્યારે તે છાલ પર ચમકના નિશાન છોડી શકે છે.
7. કેરી પર ડાઘ: જો કેરીમાં ડાઘા હોય તો તેને ખરીદવાનું ટાળો. આ ઇન્જેક્શન અથવા કેમિકલના ડાઘ હોઈ શકે છે. કુદરતી રીતે પાકેલી કેરીમાં બાહ્ય ડાઘ પડવાની શક્યતા ઓછી હોય છે.