સલામત પીવાનું પાણી ઉપલબ્ધ ન હોવાના કિસ્સામાં તરસ છીપાવવા માટે પેકેજ્ડ પીવાના પાણીને સૌથી સલામત વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ, જો એવી ખબર પડે કે તે સૌથી અસુરક્ષિત વસ્તુઓમાંની એક છે અને તેનાથી સમસ્યા ઊભી થવાનું સૌથી વધુ જોખમ છે તો ? કોઈ પેકેજ્ડ પીવાનું પાણી પીશે કે કેમ તે પ્રશ્ન છે. જોકે અનેક લોકો એવા છે જેમને માટે પેકેજ્ડ પીવાનું પાણી સૌથી સલામત છે. એવા લોકોને માટે આંચકાજનક સમાચાર આવી રહ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તાજેતરમાં પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટર સેગમેન્ટને “હાઈ રિસ્ક ફૂડ કેટેગરી” તરીકે ગણવા અને તેને ફરજિયાત નિરીક્ષણ અને થર્ડ પાર્ટી ઓડિટ ધોરણોને આધીન કરવાનો નિર્ણય લીધો છે. હવે પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનું ફરજિયાત નિરીક્ષણ અને થર્ડ પાર્ટી ઓડિટ કરવામાં આવશે.
તાજેતરના અહેવાલો મુજબ, FSSAIએ જણાવ્યું છે કે, “કેટલીક ઉત્પાદનો માટે ફરજિયાત બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પ્રમાણપત્ર મેળવવાની શરતને દૂર કર્યા બાદ ‘પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર અને મિનરલ વોટર’ને ‘હાઈ રિસ્ક ફૂડ કેટેગરીઝ” માં સામેલ કર્યા છે.
FSSAI દ્વારા જારી કરાયેલા નવા નિયમ હેઠળ હવે તમામ પેકેજ્ડ પીણાં અને મિનરલ વોટર ઉત્પાદકોએ વાર્ષિક ચકાસણી કરાવવી પડશે. કંપની લાઇસન્સ અથવા રજીસ્ટર થાય તે પહેલાં આ તપાસ હાથ ધરવામાં આવશે. FSSAI ના આદેશ મુજબ, પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર સહિત ઉચ્ચ જોખમી ખાદ્ય કેટેગરીના વ્યવસાયોએ FSSAI દ્વારા માન્યતા પ્રાપ્ત થર્ડ પાર્ટી ફૂડ સેફ્ટી એજન્સીઓ પાસેથી વાર્ષિક ઓડિટ કરાવવું પડશે. સરકારના આ પગલા પાછળનો ઉદ્દેશ્ય આ ઉત્પાદનોની સલામતી અને ગુણવત્તાના ધોરણોને સુધારવાનો છે, જેથી ઉપભોક્તાને સુરક્ષિત ઉત્પાદનો ઉપલબ્ધ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર ઈન્ડસ્ટ્રીએ અગાઉ સરકાર પાસે નિયમોને સરળ બનાવવાની માંગ કરી હતી. BIS અને FSSAI બંનેને દ્વિ પ્રમાણપત્રની જરૂરિયાતો દૂર કરવા વિનંતી કરવામાં આવી હતી. નિષ્ણાતો માને છે કે નવા નિયમો અનુપાલન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં અને ઉત્પાદકો પરનો બોજ ઘટાડવામાં મદદ કરી શકે છે.