ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં એક રહસ્યમય ફ્લૂ જેવો રોગચાળો “ડિસિઝ X” ફાટી નીકળ્યો છે જેની ચપેટમાં આવીને સેંકડો લોકો બીમાર થયા છે જ્યારે અત્યાર સુધી 79 લોકોએ જીવ ગુમાવ્યો છે. “ડિસિઝ X” થી જીવ ગુમાવનારાઓમાં મોટાભાગે યુવાનો છે. આરોગ્ય અધિકારીઓ અજાણી બીમારીની તપાસ કરી રહ્યા છે અને પરીક્ષણના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. “ડિસિઝ X” થી બિમાર થનારાને તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. COVID-19 રોગચાળાની યાદ અપાવતા આ “ડિસિઝ X” વૈશ્વિક રીતે ફેલાવાની ચિંતા વધી છે.
આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર જીન કાસેયાએ જણાવ્યું હતું કે 376 માંથી લગભગ 200 લોકો ફલૂ જેવી બીમારીથી પીડિત છે તેઓની વય પાંચ વર્ષથી નાની છે. તેમણે ઉમેર્યું હતું કે મોટાભાગના મૃતકોની ઉંમર 15 થી 18 વર્ષની વચ્ચે છે. એક્સ પરના એક નિવેદનમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે આ રોગનું મૂળ હજુ જાણી શકાયું નથી અને તે દક્ષિણ-પશ્ચિમ કોંગોના ક્વાંગો પ્રાંતમાં મળી આવ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) આફ્રિકા ક્ષેત્રના અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓએ “લેબ તપાસ માટે નમૂનાઓ એકત્રિત કરવા માટે દૂરના વિસ્તારમાં એક ટીમ મોકલી છે”. એનબીસી ન્યૂઝ મુજબ, કોંગોમાંના યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના કાર્યાલયમાંથી જણાવ્યું હતુ કે તે પરિસ્થિતિથી વાકેફ છે અને સ્થાનિક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મોકલવામાં આવેલી રેપિડ રિસ્પોન્સ ટીમને તકનીકી સહાય પૂરી પાડી રહી છે.
રહસ્યમય બિમારીથી વધતા કેસોને હેન્ડલ કરવા અને રોગની પ્રકૃતિની તપાસ કરવા માટે રિસપોન્સ ટીમોને કવાંગો પ્રાંતમાં મોકલવામાં આવી છે. સરકારે નાગરિકોને શાંત અને સતર્ક રહેવાની અપીલ કરી છે. તેઓએ લોકોને સાબુથી હાથ ધોવા, સામૂહિક મેળાવડા ટાળવા અને લાયકાત ધરાવતા આરોગ્ય કર્મચારીઓ વિના મૃતકોના શરીરને સ્પર્શ કરવાનું ટાળવા વિનંતી કરી છે.
બીમારીની ગંભીરતાને ધ્યાનમાં રાખતા વિશ્વ આરોગ્ય સંગઠને બીમારીનાં સેમ્પલને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યાં છે. આ રોગનાં લક્ષણો લગભગ ફલૂ જેવાં જ છે. ચેપગ્રસ્ત વ્યક્તિને તાવ, માથાનો દુખાવો, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા થાય છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે આ રોગનો ભોગ બનેલા મોટા ભાગના 15થી 18 વર્ષની વયના લોકો છે.