યુનાઇટેડ સ્ટેટ્સ (USA) ના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ ફ્રિટો-લેને તેની ‘ક્લાસિક પોટેટો ચિપ્સ’ માંથી પેકિંગ ઉપર જાહેર કરવામાં આવ્યા ન હોય એવા એલર્જન મળી આવતા બજારમાંથી પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે. આ કેસ ઓરેગોન અને વોશિંગ્ટન રાજ્યોમાં વેચાણર્થે મુકાયેલી કેટલીક બેચને લગતો છે.
Frito-Lay Issues Limited Recall on Undeclared Milk in Lay’s Classic Potato Chips Distributed in Oregon and Washington https://t.co/QbvC57063I pic.twitter.com/U1gMnjqEep
— U.S. FDA Recalls (@FDArecalls) December 18, 2024
મીડિયા અહેવાલો અનુસાર એફડીએએ અહેવાલ આપ્યો છે કે તેને એક ગ્રાહક દ્વારા જાણ કરવામાં આવી હતી કે આ ઉત્પાદન દૂધ એલર્જનથી પ્રભાવિત થઈ શકે છે. જેનાથી જે લોકોને દૂધની એલર્જી હોય છે તેવા લોકો જો આ ઉત્પાદનનું સેવન કરે તો તેઓને ગંભીર અને જીવલેણ એલર્જીક રીએકશન આવી શકે છે.
પેકેટ પર કયા ઘટકનો ઉલ્લેખ નહોતો
6 ડિસેમ્બરના રોજ જ્યારે કેટલીક બેચમાં જે પેકિંગ પર જાહેર કરાયું ન હતું એવું દૂધ હોવાનું જાણવા મળતા ફ્રિટો-લેએ ઓરેગોન અને વોશિંગ્ટનમાં વેચાયેલી 13-ઔંસ Laysની ક્લાસિક પોટેટો ચિપ્સને પરત ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આ ભૂલ ખાસ કરીને જેમને દૂધની એલર્જી હોય અથવા લેક્ટોઝ અસહિષ્ણુતાથી પીડાતા હોય તેવા ગ્રાહકો માટે ગંભીર ગણી શકાય છે.
કેમ થતી હોય છે એલર્જન સંબંધિત ભૂલો?
એફડીએ (FDA) મુજબ, ફૂડ એલર્જન એ દર વર્ષે પ્રોડક્ટ માર્કેટમાંથી રિકોલ કરવાનું મુખ્ય કારણ છે. આ ઘટના એ પણ દર્શાવે છે કે મોટા પાયે ઉત્પાદનમાં સતત સલામતી ધોરણો જાળવવા તે કેટલું પડકારજનક બન્યું છે.
દૂધની એલર્જી જીવલેણ બની શકે
મેયો ક્લિનિક અનુસાર, ગાયના દૂધની એલર્જી સામાન્ય સમસ્યા છે, પરંતુ ઘેટાં, બકરી અને અન્ય પ્રાણીઓના દૂધથી પણ એલર્જી થઈ શકે છે. દૂધની એલર્જીના લક્ષણો હળવાથી ગંભીર સુધીના હોઈ શકે છે, જેમ કે શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી, ખંજવાળ અને પાચનની સમસ્યાઓ. તે ગંભીર કિસ્સાઓમાં જેમાં શ્વસન નળીઓ સાંકડી થઈ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય એવા એનાફિલેક્ટિક આંચકાનું કારણ બની શકે છે.