Spread the love

બ્યુટીપાર્લર બ્રેઈનસ્ટ્રોક સિન્ડ્રોમનું જોખમ અને સાવચેતી

  • હિમાદ્રી આચાર્ય દવે

બ્યુટીપાર્લરમાં માથું ધોવડાવવા કે તેલ નખાવવાં જવાય એ બાબત હજુ થોડા વર્ષો પહેલા નવાઈની વાત હતી. પણ

આજકાલ પાર્લરમાં હેરમસાજ હેરવોશ, હેર સ્પા કરાવવાનો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે. આજકાલ લોકો હેરવોશથી લઈને નેક મસાજ, ફૂટ મસાજ માટે પાર્લર કે સલૂનમાં જાય છે. કોમ્પ્યુટર પર કામ કરવાનાં અઠવાડિયા આખાનો થાક ઉતારવાના લોભે , પાર્લર/સલૂનમાં નેક મસાજ હેંડ મસાજ કરાવવાનો મોટા શહેરોમાં ટ્રેન્ડમાં છે. પણ આ કરતાં પહેલાં થોડી સાવચેતી થોડું ધ્યાન રાખવાની જરૂર એ છે કે હેરવોશ હેર સ્પા આ ટ્રીટમેન્ટ દરમ્યાન જો માથાનો તીવ્ર દુખાવો, ચકકર કે આંખે અંધારા આવવા, ઉલ્ટી કે ઉબકા વગેરે અનુભવાય તો તેને હળવાશમાં ન લેશો.

તાજેતરમાં હૈદરાબાદમાં એવો કિસ્સો બન્યો છે કે એક પચાસ વર્ષીય મહિલાને બ્યુટીપાર્લરમાં હેયર વોશ કરાવતી વખતે અચાનક ચક્કર, ઉબકા અને ઉલ્ટીની સમસ્યા પણ શરૂ થઈ. મહિલાએ આ ફરિયાદ માટે ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટને કન્સલ્ટ કર્યું પણ લક્ષણોમાં સુધારો થયો નથી. બીજા દિવસે તેને ચાલવામાં તકલીફ થવા લાગી. એમઆરઆઇમાં નિદાન થયું કે મહિલાને બ્રેઇનસ્ટ્રોક આવ્યો હતો. મહિલાની સારવાર ચાલુ છે અને ડોકટર કહે છે કે અત્યારે પરિસ્થિતિ જોખમમુક્ત છે.

એપોલો હોસ્પિટલનાં સિનિયર ડૉક્ટર સુધીરકુમારે આને બ્યુટી પાર્લર સ્ટ્રોક સિન્ડ્રોમ ગણાવ્યું છે. ડૉક્ટર રાજેશ્વરનું કહેવું છે કે વાળ ધોતી વખતે, કેટલાકને ગરદનમાં દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવાય છે. સલૂનમાં માથું ધોતી વખતે ગરદનનું હાયપરએક્સટેન્શન ક્યારેક સ્ટ્રોક તરફ દોરી શકે છે. આ સિન્ડ્રોમ પચાસ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.

આમ થવાનું કારણ સમજવતા ડોક્ટરે કહ્યું કે, સેરીબૈલમ મગજનો એ ભાગ છે જે માથાના પાછળના ભાગમાં હોય છે અને જ્યાંથી કરોડરજ્જુ મગજ સાથે જોડાય છે. આ કેસમાં વધુ સમય સુધી ગરદન પાછળની બાજુએ ઝુકેલી રહી હોવાને કારણે સેરેબૈલમમાં લોહીનાં ગઠ્ઠા જેવું જમાં થયું. જેના કારણે આ મહિલાને સ્ટ્રોક આવવાની સમસ્યા થઈ. 

1993માં સૌ પ્રથમ અમેરિકામાં *બ્યુટીપાર્લરસ્ટ્રોક સિન્ડ્રોમ* નો કેસ બન્યો હતો જ્યારે એક મહિલાને, ઉપરોક્ત મહિલા જેવી જ સમસ્યા થઈ હતી. ત્યારથી આ વિશેષ પરિસ્થિતીમાં ઉદભવતા બ્રેઇનસ્ટ્રોકનાં આ પ્રકારને ‛બ્યુટીપાર્લરસ્ટ્રોક સિન્ડ્રોમ’ નામ આપવામાં આવ્યું.

પાર્લરમાં હેયર વોશ અને ત્યારબાદ તેને સૂકવવાની પ્રક્રિયામાં લગભગ 30થી 35 મિનિટ લાગે છે આ દરમ્યાન ગરદન પાછળની તરફ સતત ઝુકેલી રહે છે.જેના કારણે

 ર્વટેબલ આર્ટરી સંકોચાઈ જાય છે. લાંબો સમય તે જગ્યા પર લોહીનું ભ્રમણ અવરોધાય છે જેના કારણે સ્ટ્રોક આવવાની સંભાવના ઉભી થાય છે.

એનો અર્થ એવો નથી કે પાર્લરમાં/સલૂનમાં હેર વોશ કરાવવા જ ન જોઈએ. પણ ધ્યાન રાખવું કે દસ -પંદર મિનિટથી વધુ સમય, ગરદન એકધારી ઝુકેલી ન રહે. ગરદન નીચે ટુવાલ કે પેડ જેવો સપોર્ટ પણ રાખી શકાય.

ટેનિસ રમતાં, એકધારા વધુ સમયની ડેન્ટલ ટ્રીટમેન્ટમાં, વધુપડતા અને અયોગ્ય રીતે યોગ અથવા કસરત દરમ્યાન પણ સ્ટ્રોકની શકયતા વધી જાય છે.

યાદ રહે કે સામાન્ય રીતે બધા સાથે આવું થતું નથી. આવું થવાની સંભાવનાની ટકાવારી ખૂબ જ ઓછી છે. મુખ્યત્વે, વ્યક્તિને કોઈ મોટી બીમારી અને ત્યારબાદની નબળાઈ હોય અને જેમને કનેક્ટિવ ટિશ્યુની સમસ્યા હોય એવી વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે.

અપ્રશિક્ષિત લોકો દ્વારા કે અયોગ્ય રીતે ગરદનનું માલિશ અને ઘણીવાર ડાન્સ કરતી વખતે ખોટી રીતે દબાણ આવી જવાથી પણ બ્રેઈનસ્ટ્રોક થઈ શકે છે. મેદાંતા હોસ્પિટલના ડાયરેક્ટર અને ન્યુરો-ઇન્ટરવેન્શનલ સર્જરીના વડા ડો. ગૌરવ ગોયલના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં સ્ટ્રોકના એવા દર્દીઓ જેના સ્ટ્રોકનું કારણ ગરદનનું માલિશ હોય. ગરદન પર માલિશ હંમેશા હળવા હાથથી કરવુ જોઈએ. જોરશોરથી માલિશ કરવાથી ઘણીવાર તે જગ્યા પર અસહ્ય પ્રેશર આવવાથી પીડા અને બળતરા ઉપરાંત ધમનીને નુકસાન પહોંચાડી શકે છે, અને સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે. એ જ રીતે, ડાન્સ કરતી વખતે માથાને વધુપડતાં ઝટકા દેવાથી પણ સ્ટ્રોક આવી શકે છે.


Spread the love