કોરોના સંક્રમિત કેસોમાં વધારો થતાં છેલ્લા કેટલાક સમયથી ફરીથી હર્ડ ઈમ્યુનિટી થિયરી ચર્ચામાં આવી છે.
કોરોના વાયરસ અને હર્ડ ઈમ્યુનિટી
છેલ્લા એક બે દિવસથી હર્ડ ઈમ્યુનિટી વિશે ફરીથી ચર્ચા ચાલી રહી છે ત્યારે એ પ્રશ્ન થાય કે હર્ડ ઈમ્યુનિટી શું છે ?
દેશના અગ્રણી એપિડેમિઓલોજીસ્ટનો મત શું છે ?
પ્રસિદ્ધ એપિડેમિઓલોજીસ્ટ જયપ્રકાશ મુલીયીલને 21 દિવસના લોકડાઉન પછી હર્ડ ઈમ્યુનિટી વિશે પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે તેમણે ખુબ સુંદર રીતે હર્ડ ઈમ્યુનિટીનુ વૈજ્ઞાનિક રીતે વર્ણન કર્યું હતું.

“પહેલાં તો એ સ્વીકારવાની જરૂર છે કે કેસો શોધવા અને દર્દીઓને આઇસોલેટ કરવા માત્રથી મહામારી નહીં અટકે. વાઇરસને રોકવાની વાત જ ભૂલી જાવ. પહેલી વાત તો એ છે કે ઇન્ફેક્શન ચાલુ રહેશે અને આપણે જે બીમાર પડે તેમને મેડિકલ સહાય આપતા રહેવું પડશે. એમાંય એક મુસીબત એ છે કે વાઇરસ જે તેજીથી ફેલાઈ રહ્યો છે, તે જોતાં આપણી હેલ્થ સિસ્ટમ એટલા બધા લોકોને સંભાળી નહીં શકે. તો પછી શું કરવાનું?
2009માં H1N1 ઈંફ્લુએન્ઝા આવ્યો હતો, એ ક્યાં ગયો ? એ આવ્યો અને 2-3 મહિના રહ્યો અને અચાનક ગાયબ થઈ ગયો. આપણા કોઈ પ્રયાસો કામ ના આવ્યા. એ જતો રહ્યો કારણ કે એક તબક્કે આવીને એ ચેપમાંથી હર્ડ ઈમ્યુનિટી (herd immunity) પેદા થઈ. કોરોનામાં પણ આપણી આશા છે કે તે હર્ડ ઈમ્યુનિટી તરફ જાય. આપણને ખબર નથી કે કેટલા ટકા વસ્તીને ચેપ લાગે પછી હર્ડ ઈમ્યુનિટી વિકસે, પણ એ પછી વાઇરસ ચમત્કારિક રીતે પાછો પડશે.
જો આપણે રેશિયોની વાત કરીએ એટલે એક બીજો ઉપાય દેખાશે. આ રોગની દિલચસ્પ વાત એ છે કે નાના વય જુથ અને અને 60 વર્ષથી ઉપરના વય જુથમાં એ અસર કરે છે. 55 વર્ષથી ઉપરના લોકો 12.5 ટકા છે અને અંદાજે 87.5 ટકા લોકો યુવા વયમાં છે. એટલે તમે જો વૃદ્ધ લોકોની સંભાળ રાખવા પર ફોક્સ કરો અને યુવાન વસ્તીમાં, અત્યંત ધીમી ગતિએ વાઈરસનું ટ્રાન્સમિશન થવા દો, તો હર્ડ ઈમ્યુનિટી પેદા થઈ શકે.
એને ફેલાવા દો, ભીડ ના કરો, એકબીજાથી ડિસ્ટન્સ રાખો, કામ ચાલુ કરો, ઉદ્યોગો ખોલો, ખેતરો ખેડો અને યુવાન વસ્તીને એના તાવમાંથી બેઠી થવા દો. એક સુરક્ષિત સ્તર આવશે જ્યાં મહામારી અટકશે. એનો અર્થ એ નથી કે વાઇરસ ફરી નહીં આવે એ બીજા સ્વરૂપે આવશે પણ ત્યારે આપણી પાસે એની રસી તૈયાર હશે.
ડૉ. જયપ્રકાશ મુલિયીલ વેલોરની મેડિકલ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ છે તથા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની જુદી જુદી સલાહકાર સમિતિઓમાં પોતાની સેવા આપી ચુક્યા છે. આ ઉપરાંત ડૉ. જયપ્રકાશ દસકાઓથી ચેપી રોગો વિશેના સંશોધન કાર્ય સાથે જોડાયેલા છે.

ફોટો સોર્સ : બિઝનેસ સ્ટાન્ડર્ડ
હર્ડ ઈમ્યુનિટી સફળ થાય ખરી ?
વર્તમાન કોરોના વાયરસ મહામારી ના સમયમાં જ્યાં સુધી કોઈ વેક્સિન ઉપલબ્ધ નથી ત્યારે હર્ડ ઈમ્યુનિટી થિયરી ખરેખર સફળ બનશે કે નહી એ સંશોધન, ચર્ચા અને તજજ્ઞોના અભિપ્રાયનો વિષય છે. જ્યારે વાઈરસથી સંક્રમિત મહામારી વખતે દરેક પ્રકારના ઉપાય અજમાવ્યા બાદ કોઈ એટલા અસરકારક ન નીવડે ત્યારે જ હર્ડ ઈમ્યૂનિટી વપરાતી હશે એવું અનુમાન લગાવી શકાય.
હર્ડ ઈમ્યુનિટી વિશે સાદી સમજ
હર્ડ ઈમ્યુનિટી થિયરીને સાદી ભાષામાં વર્ણવવી હોય તો ગુજરાતી વીર કવિ નર્મદની જ લખેલી પંક્તિ “ચાલો જીતવા જંગ બ્યૂગલો વાગે.. યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે” ચોક્કસ યાદ આવી જાય. મતલબ સંક્રમણથી બચવાના ઉપાયો કરવાના છતાં થાય તો થવા દેવાનુ. આ સાંભળી આપણને આંચકો લાગે. બચવાનુ છતાં થવા દેવાનુ ? પણ આ થિયરીનો હાર્દ કંઈક આવો જ છે.
હર્ડ ઈમ્યુનિટી થિયરીના સંશોધક
હર્ડ ઈમ્યુનિટી થિયરી સૌપ્રથમ વખત 1930 ના અરસામાં એ.ડબલ્યુ હેડ્રિચ નામના સંશોધકે રજૂ કરી હતી. આ થિયરી મુજબ કોઈપણ મહામારી દરમિયાન સંક્રમણથી બચતા રહેવાને બદલે સંક્રમણ થવા દઈ શરીરને પોતાને જ જે તે વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ(ઈમ્યૂનિટી) વિકસાવવા દેવી અને એ રોગપ્રતિકારક શક્તિથી લડીને વાઈરસને હરાવવો એટલે “હર્ડ ઈમ્યુનિટી”.
હર્ડ ઈમ્યુનિટી થિયરીને ત્રણ તબક્કામાં વહેંચવામા આવી છે.
પ્રથમ તબક્કામાં વાઈરસ કોઈ માનવના શરીરને સંક્રમિત કરી શરીરમાં દાખલ થાય છે અને સંક્રમિત વ્યક્તિ જે તે વાયરસનાં વાહક બને છે.
બીજા તબક્કામાં વાઈરસનો ચેપ લાગ્યા પછી દર્દીનું શરીર પોતાનામાં રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યૂનિટી) વિકસાવે છે અને નવા એન્ટીબોડી પેદા કરી વાઈરસની સામે લડવાની શક્તિ પ્રાપ્ત કરી લે છે. હવે સ્થિતિ એવી થાય કે વાઈરસની કોઈ અસર તેમને થઈ શકતી નથી. એક રીતે વાઈરસથી સંક્રમિત થવાની એ વ્યક્તિની શક્યતા ખુબ જ ઘટી જાય છે.
ત્રીજા તબક્કામાં પોતાની ઈમ્યૂનિટી વધારી વાઈરસને હરાવી વાઈરસથી લડવાની શક્તિ કેળવી ચુકેલા લોકો જાહેરમાં આવે સંક્રમિત લોકોની વચ્ચે રહે તો પણ વાંધો નહી કારણ તેમનુ શરીર એટલી ક્ષમતા કેળવી ચુક્યુ હોય છે કે એવા વાઈરસનો ખાત્મો બોલાવી શકે. જોકે હાલમાં જ એવા સમાચાર આવ્યા છે કે એક વખત કોરોના સંક્રમિત થઈ સાજા થયેલા વ્યક્તિ ફરીથી સંક્રમણના સકંજામાં આવ્યા છે.
આ થિયરી પાછળનો મૂળ સિદ્ધાંત કંઈક આવો છે કે વાઈરસને પ્રસરવા મનુષ્યરૂપી વાહક નહી મળે તો મહામારીનો આપોઆપ અંત આવશે.
જો કે આ થિયરી કેટલી સાચી છે અને ઉપયોગી એ વિશે વધુ અસરકારક માહીતી વિષય નિષ્ણાંતો જ આપી શકે.