- વિશ્વના સૌથી મોટું કોરોના વિરોધી વેક્સિનેશન અભિયાન આજથી શરૂ
- આજે સવારે 10:30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે શરૂઆત
- બંને કોરોના વિરોધી વેક્સિન ભારતમાં તૈયાર થઈ છે
કોરોના વિરોધી વેક્સિનેશન અભિયાન આજથી શરૂ
માર્ચ 2020 માં લાગેલા લોક ડાઉન બાદ જૂન મહિનામાં શરૂ થયેલા અનલોક દરમિયાન અને હમણાં સુધી સતત એક પ્રશ્ન પુછાતો રહેતો હતો કે કોરોનાની વેક્સિન ક્યારે આવશે. આજે આ સમગ્ર દેશની આતુરતા અને પ્રતિક્ષાનો અંત આવશે જ્યારે સવારે 10:30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરાવશે તથા Co-Win એપ પણ લોંચ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સ દ્વારા અભિયાન શરૂ કરાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે તે મુજબ આજે સવારે 10 : 30 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરાવશે, ત્યારબાદ વડાપ્રધાન વેક્સિન આપવા માટે તૈયાર હેલ્થ વર્કર્સ સાથે વર્ચ્યુઅલ વાતચીત કરશે. વડાપ્રધાન તથા હેલ્થ વર્કર્સ વચ્ચેની વાતચીત દેશમાં વેક્સિનેશન અભિયાન માટે શરૂ કરવામાં આવેલા 3006 વેક્સિન બૂથ ઉપર લોકો જોઈ શકશે. પ્રત્યેક વેક્સિન કેન્દ્ર ઉપર આશરે 100 લોકોનું રસીકરણ અભિયાનના પહેલા દિવસે કરવામાં આવશે, તે જોતા વેક્સિનેશન અભિયાનના પ્રથમ દિવસે લગભગ 3 લાખ હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવશે. વેક્સિનેશનનો સમય સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી છે. COVID-19 મહામારી, વેક્સિન રોલઆઉટ અને Co-WIN સોફ્ટવેર/એપ સંબંધિત પ્રશ્નો અથવા જાણકારી માટે એક 24×7 કોલ સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવી છે જેનો નંબર 1075 છે.
1.65 કરોડ ડોઝ સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવ્યા
સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા ( SII ) , એસ્ટ્રાઝેનેકા ( AstraZeneca તથા ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કોવિશિલ્ડ ( Covishield ) અને ભારત બાયોટેક ( Bharat Biotech ) તથા આઈસીએમઆર ( ICMR ) દ્વારા વિકસિત કોવેક્સિન ( Covaxin ) બંને ભારતીય વેક્સિન સુરક્ષાના માપદંડો ઉપર સુરક્ષિત અને અસરકારક સાબિત થઈ છે. કોવિશિલ્ડ ( Covishield ) અને કોવેક્સિન ( Covaxin ) બંને વેક્સિનના 1.65 કરોડ ડોઝ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના ડેટા બેઝ અનુસાર ઉપ્લબ્ધ સ્વાસ્થ્ય કર્મીઓની સંખ્યાના પ્રમાણમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય કર્મીઓ તથા અગ્ર હરોળના કોવિડ મહામારી દરમિયાન કાર્યરત કર્મચારીઓને આપવામાં આવનારી વેક્સિનનો ખર્ચ સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ભોગવવામાં આવશે. પ્રત્યેક રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશને 10% વેક્સિનના ડોઝ સુરક્ષિત રાખવા તથા એક દિવસમાં એક સત્રમાં એક વેક્સિન કેન્દ્ર ઉપરથી 100 લોકોને વેક્સિન આપવાનું કહેવામાં આવ્યું છે.