- છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના સંક્રમિત કેસ નોંધાયા
- કુલ કોરોના સંક્રમિત કેસોની સંખ્યા પહોંચી 2,05,116
- રાજ્યમાં રિકવરી રેટ થયો 90.90%
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા રેકોર્ડ કેસ નોંધાયા
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં જબરદસ્ત વધારો થયો છે, એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ નવા 1607 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત કેસોની સંખ્યા 2,05,116 થયા છે. આજે છેલ્લા 24 કલાકમાં 1388 દર્દીઓ સાજા થઈને હેમખેમ પોતાના ઘેર પહોંચ્યા હતા, રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,86,546 થઈ છે. જોકે સાજા થયેલા દર્દીઓનો દર નહિવત્ ઘટીને 90.90% એ પહોંચ્યો છે. રાજ્યમાં 16 દર્દીઓએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે જે મળીને કુલ 3938 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત એક્ટીવ કેસ 14,732 છે જેમાંથી 96 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 14,636 કેસ સ્ટેબલ છે.
રાજ્યના ચાર મોટા શહેરની સ્થિતિ
રાજ્યમાં કોરનાના રેકોર્ડ 1607 નવા કેસ નોંધાયા છે જેમાંથી 785 કેસ ચાર મોટા શહેર અમદાવાદ,સુરત, વડોદરા તથા રાજકોટમાં નોંધાયા છે જે રાજ્યના નવા નોંધાયેલા કુલ કેસના 48.85% જેટલા થવા જાય છે. ચારેય મોટા શહેરોમાં 848 દર્દીઓ કોરોના સામેની લડાઈ જીતીને સાજા થયા છે જે રાજ્યના આજે સાજા થયેલા દર્દીઓના 61.10% છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 325 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે અને 337 દર્દીઓ સાજા થયા છે જ્યારે 10 દર્દીઓનું મૃત્યુ થયું છે. સુરત કોર્પોરેશનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 238 કેસ નોંધાયા છે અને 173 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે 4 દર્દીઓનું કોરોનાને કારણે નિધન થયું છે. વડોદરા કોર્પોરેશનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે અને 257 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજકોટ શહેરમાં આજે કોરાનાના નવા 95 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે અને 81 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં ક્વોરંટીન અને કોરોના ટેસ્ટ
રાજ્યમાં વધી રહેલા કોરોનાનો કહેર યથાવત છે ત્યારે રાજ્યમાં આજની તારીખે 5,09,251 વ્યક્તિઓને ક્વોરંટીન કરવામાં આવ્યા છે. રાજ્યના કુલ ક્વોરંટીન કરવામાં આવેલા વ્યક્તિઓમાંથી 5,09,171 વ્યક્તિઓને હોમ ક્વોરંટીન કરવામાં આવ્યા છે અને 120 વ્યક્તિઓને ફેસિલીટી ક્વોરંટીનમાં રાખવામાં આવ્યા છે. RT PCR ટેસ્ટ ઓછા કરવામાં આવ્યા છે એવી વાતો વચ્ચે રાજ્યમાં આજે કુલ 69,283 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીના પ્રમાણમાં જોઈએ તો પ્રતિદિન 1065.89 ટેસ્ટ પ્રતિ મિલિયન વસ્તી થાય છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 76,20292 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા જુદા જીલ્લાઓ તથા શહેરોમાં કોરોનાના કેસની સંખ્યા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જુદા જુદા જીલ્લાઓ તથા શહેરોમાં કોરોનાના કેસની સંખ્યા આ ચાર્ટ પર જોઈ શકાય છે.