રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1598 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના જાણે અટકવાનું નામ લેતો જ નથી. ગઈકાલે રેકોર્ડ નવા કેસ નોંધાયા બાદ આજે નહીંવત ઓછા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસની સંખ્યા ઉમેરતાં ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત કેસની સંખ્યા 2,06,714 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1523 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,88,069 થતા રાજ્યનો રિકવરી રેટ 90.93% થયો છે. કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 15 દર્દીઓના મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક વધીને 3953 થયો છે. રાજ્યમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 14,792 છે, 89 દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવેલા છે જ્યારે 14,703 દર્દીઓ સ્ટેબલ છે
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાની સ્થિતિ
રાજ્યના મોટા શહેરો ગણાતા ચાર શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ 796 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે જે રાજ્યમાં નવા નોંધાયેલા કેસના લગભગ 50% થવા જાય છે. આ ચાર શહેરોમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કોરોના સંક્રમિત કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત નવા 332 કેસ નોંધાયા છે, 351 દર્દીઓ સાજા થયા છે જ્યારે 10 દર્દીઓનું મૃત્યુ થયું છે. સુરત કોર્પોરેશનમાં કોરોના સંક્રમિત 228 નવા કેસ નોંધાયા છે, 180 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે જ્યારે 2 દર્દીઓનું મૃત્યુ થયું છે. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 138 નવા કેસ નોંધાયા છે, 123 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. વડોદરા જીલ્લામાં આજે 1 દર્દીનું મૃત્યુ થયું છે. રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ 98 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે અને 89 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં કોરોનાના ટેસ્ટ તથા ક્વોરંટીનની સ્થિતિ
કોરોનાના ટેસ્ટની ક્ષમતા વધારવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યમાં આજે કુલ 69,887 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીના પ્રમાણમાં જોઈએ તો પ્રતિદિન 1075.18 ટેસ્ટ પ્રતિ મિલિયન વસ્તી થવા જાય છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 76,90,779 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જુદા જુદા જીલ્લાઓ અને શહેરોમાં કુલ 5,16,772 વ્યક્તિઓને ક્વોરંટીન કરવામાં આવ્યા છે જે પૈકી 5,16,639 હોમ ક્વોરંટીન છે અને 133 વ્યક્તિઓને ફેસિલીટી ક્વોરંટીનમાં રાખવામાં આવ્યા છે.