- ગુજરાત સરકારે કોરોનાના RT PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કર્યો
- લેબમાં જઈને ટેસ્ટ કરાવવાનો ભાવ 800 રૂપિયા
- ઘેરથી સેમ્પલ લઈ જઈ ટેસ્ટ કરવાનો ભાવ 1100 રૂપિયા
ગુજરાત સરકારે RT PCR ટેસ્ટના ભાવ ઘટાડ્યા
નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં RT PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આજથી જ અમલમાં આવે તે રીતે કરાયેલી જાહેરાત અનુસાર હવે લેબમાં જઈને ટેસ્ટ કરવાવાનો ચાર્જ 800 રૂપિયા થશે અને ઘેર આવીને સેમ્પલ લઈ જઈ ટેસ્ટ કરવાનો ભાવ 1100 રૂપિયા થશે. આ પહેલા રાજ્યમાં RT PCR ટેસ્ટનો ખાનગી લેબોરેટરીમાં કરાવવાનો ખર્ચ આશરે 1500 રૂપિયા થી 2000 રૂપિયા જેટલો થતો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હી તથા રાજસ્થાન સરકાર પણ કોરોનાના RT PCR ટેસ્ટના ભાવ તાજેતરમાં જ ઘટાડ્યા છે.
ગુજરાત સરકારે ત્રીજી વખત RT PCR ટેસ્ટના ભાવ ઘટાડ્યા
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કોરોના માટે કરવામાં આવતા RT PCR ટેસ્ટના ભાવમાં અત્યાર સુધીમાં ત્રણ વખત ઘટાડો કર્યો છે. આઈસીએમઆર (ICMR) દ્વારા RT PCR ટેસ્ટના ભાવની ટોચ મર્યાદા 4500 રૂપિયા નક્કી કરી છે. ગુજરાત સરકારે 27 મી મે એ RT PCR ટેસ્ટનો ચાર્જ 2500 રૂપિયા કર્યો હતો ત્યારબાદ 16મી સપ્ટેમ્બરે આ ભાવ ઘટાડીને 1500 રૂપિયા કર્યા હતા. આજે ત્રીજી વખત રાજ્ય સરકારે RT PCR ટેસ્ટના ચાર્જમાં ઘટાડો કર્યો છે.
કોરોના સંક્રમિત દર્દીઓને માટે અન્ય સુવિધાઓ વધારવામાં આવી
આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે વધારાના 400 નવા બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રૂપિયા 350 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી નવી કિડની હોસ્પિટલનો ઉપયોગ જરૂર પડતાં કરવામાં આવશે. સરકારે કોરોના સંક્રમિત દર્દીઓ માટે સારવારની પુરતી વ્યવસ્થા 6 દિવસમાં કરવામાં આવી છે. છેલ્લા 6 દિવસથી રાજ્યમાં નવા કોરોનાના કેસ વધતા વધારે વેન્ટિલેટરની જરૂર પડી શકે છે તેને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકાર દ્વારા નવા 82 વેન્ટિલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
દર્દીઓ માટે ઓક્સિજનની ક્ષમતા વધારવામાં આવી
અમદાવાદમાં અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 13,000 લિટર ઓક્સિજનની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક હાલમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત મંજુશ્રી મિલ કંપાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલ જે કોરોના સંક્રમણ ધરાવતા દર્દીઓ માટે ઉપલબ્ધ થશે તેમાં 20,000 લિટર ઓક્સિજનની ટેન્ક ઉપલબ્ધ છે, આ ઉપરાંત અન્ય 20,000 લિટર ઓક્સિજનની ટેન્ક ટુંકા ગાળામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.