બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીથી આખા રાજ્યનું રાજકારણ ગરમાયેલું છે. આ બેઠક પર 2022 વિધાનસભા ચુંટણીમાં ચુંટાયેલા ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવ બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરને તો કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકીટ આપી છે, અને બન્ને ઉમેદવારે ઉમેદવારીપત્રક પણ ભરી દીધા છે. વાવ બેઠકનો ઈતિહાસ જોતા આ મુકાબલો રસપ્રદ થવાનો એ નક્કી છે.
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર વિધાનસભા 2022માં ગેનીબેન સામે ચૂંટણી લડ્યા હતા અને બેન સામે 15 હજાર 601 મતથી હાર્યા હતા. ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા. છેલ્લા બે વખતથી વાવ વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે છે, પણ 2024ની લોકસભા ચૂંટણીમાં વાવ વિધાનસભા પર ભાજપને લીડ મળી હતી, સ્વરૂપજી 2019માં બનાસકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ ચૂંટણી લડ્યા હતા, ત્યારે 48,634 મત મળ્યા હતા. 2012માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં જોડાયા, 2012થી 2014 સુધી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠાના પ્રમુખ તરીકે નિયુક્ત હતા, 2014થી ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાતના ઉપપ્રમુખ છે.
ગુલાબસિંહ રાજપૂતના દાદા હેમાભાઈ રાજપૂત 20 વર્ષ સુધી વાવ-થરાદ બેઠક પર ધારાસભ્ય રહ્યા હતા, તેથી એવું કહી શકાય કે ગુલાબસિંહને રાજકારણનો વારસો તેમના દાદા તરફથી મળ્યો છે. ગુલાબસિંહે NSUI, યુથ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ રહ્યા, 2017 અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરની જીત પાછળ પણ ગુલાબસિંહનો સિંહફાળો રહેલો છે. ગુલાબસિંહ છેલ્લા 10 વર્ષથી જમીન સ્તર ઉપર કામ કરીને પક્ષમાં મજબૂત જગ્યા બનાવી છે. 2019માં તેઓએ થરાદ બેઠકની પેટાચૂંટણીમાં જીત મેળવી હતી, 2022માં શંકર ચૌધરી સામે હાર્યા હતા.
કુલ 3,10,681 મતદારો ધરાવતી વાવ બેઠકમાં ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા, રબારી 9.1 ટકા મતદારો અને બાકીના સમાજના 26.02 ટકા મતદારો છે. ઠાકોર સમાજના મતોનો ટકાવારી જોતા આ બેઠક મહત્વની ગણાય કારણ ભાજપના સ્વરૂપજી પોતે ઠાકોર સમાજમાંથી આવે છે, જ્યારે ગુલાબસિંહને સાંસદ ગેનીબેન ઠાકોરનું સમર્થન છે.