Spread the love

બચત કરવી અને બચતનું રોકાણ કરી આવકનો સ્ત્રોત ઉભો કરવો એ સાવચેતીની,  ભવિષ્યના સંકટ સામે રક્ષણ આપે છે પરંતુ એ બચત જ્યારે કોઈ કૌભાંડીના હાથમાં જતી રહે ત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવે છે. આવી જ રીતે સાબરકાંઠા અને અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાં રોકાણકારોને રાતા પાણીએ રોવડાવનાર ભૂપેન્દ્ર ઝાલા ફરાર થઈ ગયો છે. ગુજરાતની સાથે રાજસ્થાનના લોકોને પણ એકના ડબલના નામે લોકોને લૂંટનારા ઝાલાએ 6 હજાર કરોડનું ફેલેકું ફેરવ્યું છે.

પોતાની મહેનતની જે કમાણીનું રોકાણ લોકોએ ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ નામના ગ્રુપમાં કર્યું હતું. રોકાણ કરનારાને વળતર મળવાની આશા હતી ત્યાં ગ્રુપનો માલિક ભૂપેન્દ્ર ઝાલા 6 હજાર કરોડનું ફેલેકું ફેરવીને ફરાર થઈ ગયો છે. BZ ગ્રુપની જેટલી ઓફિસો હતી તે ઓફિસો પર સીઆઈડી ક્રાઈમના દરોડા પાડ્યા છે અને મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કર્યા છે. પોલીસના હાથમાં દસ્તાવેજો આવ્યા પરંતુ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા હજુ સુધી હાથથી છટકી ગયો છે હાથમાં આવ્યો નથી.

BZના માલિક ભૂપેન્દ્ર ઝાલાએ છેતરવામાં કોઈને છોડ્યા નથી. લોકોને જાત-જાતની લાલચ આપીને તેણે શિક્ષકો, ખેડૂતો, પોલીસ કર્મીઓ, નિવૃત કર્મચારીઓ સહિત સૌને છેતરીને લૂંટ્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા સત્તાધારી પાર્ટી ભાજપનો નેતા પણ છે પરંતુ આ મામલે હવે ભાજપે પોતાના હાથ અધ્ધર કરી દીધા છે. સામાન્ય લોકો માટે હાલ સ્થિતિ ફરિયાદ કરે તો કરે કોને જેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

ધારાસભ્ય ધવલસિંહ ઝાલા (MLA Dhavalsinh Zala) કહીં રહ્યાં છે કે, ‘એકના બે અને બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે. જેને રૂપિયા ડબલ કરતાં આવડે તે બધું જ કરી શકે છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.’ એવું જાણવા મળ્યું છે કે, BZ એજ્યુકેશન કેમ્પસના લોકાર્પણ વખતનો આ વીડિયો છે. જેમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ કરી રહ્યાં છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એવી તો લોભામણી લાલચોની હારમાળા લગાવી હતી કે લોકો તેની વાતોમાં આવીને રોકાણ કરવા લાગ્યા. ભૂપેન્દ્રસિંહ ઝાલા જેટલુ વ્યાજ કોઈ બેંક કે SIPમાં પણ નથી મળતુ એટલું એક વર્ષમાં 18 ટકા કે એનાથી વધુ વ્યાજ આપવાની લાલચ લોકોને આપતો હતો. આટલુ ઓછુ હોય તેમ BZમાં રોકાણ કરનારા ગ્રાહકોને આકર્ષવા માટે ગિફ્ટ પણ આપવામાં આવતી હતી. રોકાણ કરનારાનઃ રોકાણની રકમ મુજબ મોબાઈલ, ટીવી સહિતની વસ્તુઓ ગિફ્ટ તરીકે આપવામાં આવતી હતી. રોકાણકારને સમજાવીને રોકાણ કરાવનારા એજન્ટોને પણ તગડુ ઈન્સેટીવ અપાતું હતું. કહેવાય છે કે જો કોઈ BZમાં 5 લાખનું રોકાણ કરે તો 32 ઈંચનું ટીવી અથવા મોબાઈલ, 10 લાખનું રોકાણ કરે તો ગોવાની ટ્રીપ જેવી લોભામણી સ્કીમો આપી લોકોને છેતરવાનો ધંધો ભૂપેન્દ્ર ઝાલા અને તેમની કંપની કરતી હતી.

કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા તો ફરાર થઈ ગયો છે ત્યારે એનાથી છેતરાઈને બેઠેલા લોકો ઈચ્છી રહ્યા છે કે સરકાર ઝાલાને ઝાલીને લાવે અને તેમની મહેનતની કમાણીના રૂપિયા પરત અપાવે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *