WAHA
Spread the love

વર્લ્ડ એસોસિયેશન ઓફ હિંદુ એકેડમીશીયન (WAHA) દ્વારા ગુજરાત યુનિવર્સીટીમાં ‘સર્વવ્યાપી હિંદુત્વ: એસ્ટાબ્લીશિંગ ઘી હિંદુ નરેટીવ’ વિષય પર એક રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો. ઉચ્ચશિક્ષા સાથે જોડાયેલા અધ્યાપકોની આ સંગોષ્ટીમાં સમગ્ર રાજ્યના 300 જેટલા અધ્યાપકોએ ભાગ લીધો હતો.

વર્લ્ડ એસોસિયેશન ઓફ હિંદુ એકેડમીશીયન (WAHA)ના આ પરિસંવાદમાં બીજભાષણ કરતા વિશ્વ હિંદુ પરિષદના સંગઠન મંત્રી મિલિન્દજી પરાંડેએ જણાવ્યું કે શિક્ષણના મૂળમાં ભારતીય વિચાર અતિઆવશ્યક છે. તેઓએ જણાવ્યું કે સ્વાધીનતા બાદ બ્રિટિશ વિચારધારાથી ચાલતા શૈક્ષણિક સંસ્થાનો અને દેશના મૂળ વિચારથી દૂર હોય તેવા શિક્ષણમંત્રીઓ પ્રાપ્ત થવાને લીધે દેશની શિક્ષાનીતિ સ્વકેન્દ્રિત હોવાના સ્થાને વિદેશી ફિલોસોફીને આધારે જ રહી પરિણામે દેશના મહત્વપૂર્ણ સંસ્થાનો જેવા કે ન્યાયાલયો, નાણાકીય અનુષ્ઠાનો, સંશોધન સંસ્થાઓ, સરકારી મીડિયા વગેરેના કેન્દ્રમાં દેશ બહારનું ચિંતન રહ્યું. આ પરિસ્થિતિને કારણે આઝાદીના 75 વર્ષ બાદ પણ અનેક નીતિગત નિર્ણયોમાં સાંસ્કૃતિક પરાધીનતા અને વિકસિતપણાના અભાવના દર્શન થાય છે.

તેમણે આગળ જણાવ્યું કે, વિકસિત રાષ્ટ્ર તરીકે સ્વ કેન્દ્રિત વ્યવસ્થા ઉભી કરવા પર ભાર મુકતા તેઓએ જણાવ્યું કે  આ બાબતે સજ્જનો નિષ્ક્રિયતા એ દેશ માટે ઘાતક પુરવાર થાય તેમ છે. ઉપસ્થિત પ્રબુદ્ધ પ્રતિભાગીઓને તેઓએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને કેન્દ્રમાં રાખી સ્વ કેન્દ્રિત સંશોધનો અને સમાધાનો શોધવા પર ભાર મૂક્યો.

વર્લ્ડ એસોસિયેશન ઓફ હિંદુ એકેડમીશીયન (WAHA)ના આ પરિસંવાદના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરજા ગુપ્તાએ જણાવ્યું કે આપણી ફિલોસોફીનું કેન્દ્ર ભારતમાં જ હોવું જોઈએ, વિદેશમાં ન જ હોઈ શકે. ઉદ્ઘાટન સત્રમાં મહેમાનોનું સ્વાગત વિશ્વ હિન્દુ પરિષદ ના ક્ષેત્ર મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. WAHA ના ઉદેશ્યોની માહિતી આઈઆઈટી (IIT) કાનપુરના પ્રોફેસર તથા WAHA ના સેક્રેટરી નચિકેતા તિવારીએ આપી હતી.

વર્લ્ડ એસોસિયેશન ઓફ હિંદુ એકેડમીશીયન (WAHA)ના આ પરિસંવાદમાં મહાનુભાવોના વિચારો

પ્રથમ સત્રમાં વૈશ્વિક બજારના પરિબળોની ચર્ચા કરતા ઓર્ગેનાઈઝરના (Organiser) તંત્રી પ્રફુલ કેતકરે ફાર્મા, એફએમસીજી, એગ્રીકલ્ચર જેવા ક્ષેત્રોના ઉદાહરણ આપી વિદેશી કંપનીઓ દ્વારા ખોટા વિમર્શ ઉભા કરી ભારતીયોને ગેરમાર્ગે દોરી ભારતમાં પોતાનો વિકાસ કરવાની નીતિ પર ઉદાહરણો આપી માર્મિક પ્રહાર કર્યા હતા. ઉપસ્થિત અધ્યાપકોને તેઓએ સંશોધનનું કેન્દ્ર ભારત આધારિત રાખી ખરા અર્થમાં હિંદુ શિક્ષણવિદ્દ બનવા અનુરોધ કર્યો હતો. શિક્ષણવિદ્દ ભગવતી પ્રકાશ શર્માએ ભારતીય જ્ઞાનમાં ઉપલબ્ધ પ્રાચીન વૈજ્ઞાનિક આધારોની ચર્ચા કરી આધુનિક જ્ઞાનના મૂળ ભારતમાં જ હોવાના સચોટ આધારો રજૂ કર્યા હતા.

દ્વિતીય સત્રમાં સુશ્રી ઈન્દુમતીબેન કાટધરે તથા સુશ્રી અરુણાબેન સારસ્વત દ્વારા ભારતીય જીવન પદ્ધતિમાં નારી શક્તિના યોગદાન અને ભવિષ્યના પડકારોનો સામનો કરવાની વાત રજૂ થઈ. મુસ્લિમ શાસન અને બ્રિટિશ રાજમાં પણ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો શ્રેય સુશ્રી સરસ્વતે ઘરમાં માતા દ્વારા આપવામાં આવતા શિક્ષણને આપ્યો. My body my choice જેવા પશ્ચિમી વિચારનો વિરોધ કરતા તેમણે જણાવ્યું કે સ્ત્રી માટે માતૃત્વથી વધુ કોઈ મોટું સુખ નથી. ચંદ્રયાનના (Chandrayaan) લોન્ચ સમયે વૈજ્ઞાનિક મહિલાઓ દ્વારા ભારતીય પોશાકની પસંદગીનું ઉદાહરણ આપી તેઓએ ભારતીય પોશાકનું મહત્વ સમજાવ્યું હતું. સુશ્રી કાટધરેજીએ ભારતીય કુટુંબમાં દામ્પત્ય જીવનના સંદર્ભમાં સ્ત્રીની ભૂમિકા તથા તે સંદર્ભે ભારતમાં સ્ત્રીઓની સન્માનનીય ભૂમિકાની સુંદર ચર્ચા કરી હતી.

વર્લ્ડ એસોસિયેશન ઓફ હિંદુ એકેડમીશીયન (WAHA)ના આ પરિસંવાદના તૃતીય સત્રમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના (National Commission for Scheduled Caste, NCSC) અધ્યક્ષ અને જાણીતા લેખક, વિચારક કિશોરભાઈ મકવાણા દ્વારા સામાજિક સમરસતાના માધ્યમથી જ સાંપ્રત સમયમાં મજબૂત ભારતનું નિર્માણ શક્ય છે તે વિષય પર મનનીય ઉદ્બોધન કરવામાં આવ્યું. ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન દરમ્યાનની તેમની વાતો, લખાણો અને પ્રસંગોને યાદ કરી તેઓએ સમરસ ભારત બનાવવાનો ડૉ. આંબેડકરે ચીંધેલો રસ્તો બતાવ્યો.

કિશોરભાઈ મકવાણાએ રામાનુજાચાર્ય, રામાનંદજી, નરસિંહ મહેતા, ગંગાસતી, વિવેકાનંદજી, દયાનંદજી જેવા સંતોના સામાજિક સમરસતા માટેના કાર્યના ઉદાહરણ આપી તેઓએ હિંદુ સમાજમાં સમરસતા માટે થયેલ પ્રયત્નોને બિરદાવ્યા. તેઓએ અનુસૂચિત જાતિ આયોગના કાર્યની માહિતી પણ આપી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકના એક કૂવો – એક મંદિર અને એક સ્મશાનના આહ્વાનને તેમણે વ્યવહારમાં મુકવા પર ભાર મુક્યો હતો.

અંતિમ સત્રમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રિય સંગઠન મહામંત્રી મિલિંદ પરાંડે તથા વર્લ્ડ એસોસિયેશન ઓફ હિંદુ એકેડમીશીયન (WAHA)ના રાષ્ટ્રીય સંયોજક પ્રો. નચિકેતા તિવારી દ્વારા ઉપસ્થિત સારસ્વતજનોના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ભરતભાઈ રામાનુજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી, ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ શ્રીમતી અમી ઉપાધ્યાય, ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ટી. એસ. જોશી, જીટીયુના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જર, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેશીયા, તથા ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *