ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે રોજબરોજ ક્યાંકને ક્યાંક મોટા પ્રમાણમાં દારૂ ઝડપાઈ રહ્યો છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં દારૂની હેરાફેરી કરનારા ઈસમો પણ સક્રિય થયા છે. થોડા દિવસ પહેલા સુરતના કામરેજમાંથી બે ટ્રક ભરીને લઈ જવાતો દારૂ ઝડપાયો હતો. બે દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં ઇંગ્લિંશ દારુની બોટલ તથા બીયર નંગ- 24,024 ભરેલો ટ્રક ઝડપાયો હતો. ગુજરાતમાં છૂટથી મળતાં દારૂને લઈ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે.તાજેતરમાં શંકરસિંહ વાઘેલાએ વર્ષ 2020માં સ્થાપેલી તેમની પ્રજાશક્તિ ડેમૉક્રૅટિક પાર્ટીમાં ફરીથી પ્રાણ ફૂંકવાની જાહેરાત કરી હતી. ત્યારે બનાસકાંઠાના પાલનપુર ખાતે પાર્ટીની બેઠક યોજાઈ હતી. જ્યાં પાર્ટીના પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધી હટાવવા અંગે નિવેદન આપ્યું હતું.
શંકરસિંહ વાઘેલાએ થોડા દિવસ પહેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના જાહેરાત કરી હતી અને પક્ષની નોંધણી પણ કરાવી હતી. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ તરીકે વડોદરાના પૂર્વ મેયર ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડની વરણી કરી હતી. જ્યારે ગાંધીનગરના પૂર્વ ડેપ્યુટી મેયર યુસુફ પરમારને મહામંત્રી બનાવવામાં આવ્યા હતા અને પાર્થેશ પટેલને ખજાનચીની જવાબદારી સોંપી હતી.
પૂર્વ મુખ્યમંત્રી વાઘેલાએ બનાસકાંઠાના પાલનપુરમાં પાર્ટીના કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં દારૂ સંબંધિત નિવેદન આપ્યું છે.શંકરસિંહ વાઘેલાનું કહેવું છે કે રાજ્યોમાં દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે અને દારૂબંધી જેવુ કશું જ રહ્યું નથી.
ત્યારે હવે ગાંધીના ગુજરાતમાં સારી ક્વોલિટીવાળો દારૂ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ગુજરાતમાં સૌ કોઈ જાણે છે કે દારૂબંધી માત્ર સરકારના ચોપડે છે.ત્યારે આસપાસના રાજ્યોમાંથી દારૂની ધૂમ હેરાફેરી થાય છે અને ગુજરાતમાં દારૂ પીવાય છે.
ખુલ્લેઆમ દારૂ મળવાની સાથે સાથે ખરાબ દારૂ પીવાથી લોકો મોતને ભેટી રહ્યા છે.ગુજરાતમાં લઠાકાંડ જેવી અનેક ઘટનાઓ અત્યાર સુધી બની ચૂકી છે. ત્યારે ગુજરાતમાં ક્વોલિટીવાળો દારૂ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવું પણ શંકરસિંહનું કહેવું છે.
ગુજરાતમાં અવારનવાર દારૂ પકડાવવાના કિસ્સાઓ બનતા રહ્યા છે ઉપરાંત દારૂના નશામાં વાહનો ચલાવતા થઈ રહેલા અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. હવે એ તો દેખીતું છે કે દારૂ ગુજરાતમાં મળી જ રહ્યો છે. ત્યારે લોકો દારૂ જલ્દીથી છુપાવી ન શકતા તેની જગ્યાએ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે.-શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા માટે વાત કરી હતી.તેમજ ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટીયુક્ત દારૂ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.દારૂમાંથી સરકારને જે આવક થાય તે ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણમાં લગાવવી જોઈએ.ઉપરાંત ગરીબ લોકોના આરોગ્ય પાછળ તેનો ખર્ચ કરવો જોઈએ.
શંકરસિંહ વાઘેલાએ 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. એ પછી જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું અને NCP છોડી દીધી હતી.